Gujarat Election - 2022

સંવિધાનમાં ક્યાંય નથી લખ્યું કે ચૂંટાયેલા પ્રતિનિધિઓને ખરીદી શકાય: મલ્લિકાર્જુન ખડગે

અમદાવાદ: ભારતીય જનતા પાર્ટી (BJP) બંધારણનો ભંગ કરી લોકશાહીનું હનન કરી રહી છે. સંવિધાનમાં ક્યાંય એવું નથી લખ્યું કે ચૂંટાયેલા પ્રતિનિધિઓને ખરીદી શકાય લોકશાહીમાં ચૂંટણી (Election) પ્રચારની એક ગરિમા હોય છે રાજકીય પક્ષો પોતાના કાર્યોની વાતો પ્રજા સમક્ષ મૂકવા સ્વતંત્ર છે, પરંતુ ભાજપ ચૂંટણી પ્રચારમાં જે રીતે રસમો અપનાવે છે તે લોકશાહીને છાજતું નથી. વિપક્ષમાં હોય તેને દાગી ગણવામાં આવે છે, તે લોકો ભાજપમાં આવે એટલે તેમને ક્લિનચીટ મળી જાય છે. ભાજપ પાસે મોટું વોશિંગ મશીન છે. જે ભાજપમાં સામેલ થાય તે નિષ્કલંક બની જાય છે. અમદાવાદના પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે આજે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગએ જણાવ્યું હતું.

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગએ ભાજપના પૂર્વ વરિષ્ઠ આગેવાન અને અર્થશાસ્ત્રી જયનારાયણ વ્યાસને કોંગ્રેસમાં આવકાર્યા બાદ ભાજપ ઉપર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે ગુજરાતની પ્રજાને જોઈ એવું લાગી રહ્યું છે, કે ગુજરાતની પ્રજા કોંગ્રેસની પડખે ઊભી છે. ભાજપના 27 વર્ષના શાસન પછી પણ આટલી મોટી સંખ્યામાં ચૂંટણી પ્રચાર કરવો પડે છે. ભાજપના વડાપ્રધાન સહિત આંખે આખી દિલ્હીની સરકાર, ભાજપના ચાર મુખ્યમંત્રીઓ ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. નવાઈની વાત તો એ છે કે 27 વર્ષ સુધી સત્તા સંભાળ્યા પછી પણ તમે તમારા કરેલા કામો પ્રજાસમક્ષ મૂકી શકતા નથી. ભાજપએ પ્રજાના મુદ્દાઓને બાજુ પર મૂકી દીધા છે, અને પ્રજાહિતની વાત કરવાને બદલે ભડકાઉ ભાષણો કરી રહ્યા છે. ભાજપને ડર છે કે જો મૂળ મુદ્દાઓ પ્રજા સમક્ષ પહોંચી જશે, તો પ્રજા ભાજપને વોટ નહીં આપે. તેથી ભાજપ મૂળ મુદ્દાઓને બદલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના નામે વોટ માગી રહ્યા છે, જાહેરમાં કહી રહ્યા છે કે મને વોટ આપો, મારા નામે વોટ આપો.

મલ્લિકાર્જુન ખડગેએ વધુમાં કહ્યું હતું કે ભાજપ લોકતંત્રને કચડી રહી છે. ચૂંટાયેલી સરકારને સત્તામાંથી બહાર કાઢી રહી છે. સંવિધાનમાં ક્યાંય એવું નથી લખ્યું કે પ્રજાએ ચૂટેલા પ્રતિનિધિઓ અને સરકારને ખરીદી શકાય. ઈડી, સીવીસી અને અન્ય દેશની સંવૌધાનિક સંસ્થાઓનો બિનલોકશાહી રીતે ચલાવી રહી છે. વિપક્ષમાં હોય તેને દાગી ગણવામાં આવે છે, તે લોકો ભાજપમાં આવે એટલે તેમને ક્લિનચીટ મળી જાય છે. ભાજપ પાસે મોટું વોશિંગ મશીન છે, જે ભાજપમાં સામેલ થાય તે નિષ્કલંક બની જાય છે.

Most Popular

To Top