Gujarat

નિરાશાજનક અને દેવુ કરીને ઘી પીવા જેવુ બજેટ : અર્જુન મોઢવાડિયા

ગાંધીનગર : નાણાકીય વર્ષ 2023-24 માટે ગુજરાત (Gujarat) રાજ્યનું બજેટ (Budget) નાણામંત્રી કનુ દેસાઈએ રજૂ કર્યું છે, આ બજેટ ગુજરાતની જનતાને નિરાશ કરનારું છે અને દેવુ કરીને ઘી પીવાની ભારતીય જનતા પાર્ટીની (BJP) જે વૃત્તિ છે તેને આગળ વધારનારુ છે, તેવું પ્રદેશ કોગ્રેસના (Congress) સિનિયર નેતા અર્જૂન મોઢવાડિયાએ જણાવ્યું હતું.

તેમણે વધુમાં કહ્યું હતું કે, ગુજરાતની જનતા અપેક્ષા રાખી રહી હતી કે, અત્યારે જે મંદી અને મોંઘવારીનો માર પડી રહ્યો છે, તેમાંથી બહાર લાવવાનો પ્રયાસ ભાજપ સરકાર રાજ્યના બજેટમાં કરશે. જો કે ભાજપ સરકારે આવો કોઈ જ પ્રયાસ ના કરીને જનતાને આશાઓ ઉપર પાણી ફેરવી નાંખ્યું છે. જંત્રીના દરમાં વધારો કરવામાં આવ્યો છે. તેનાથી મધ્યમ વર્ગના લોકો માટે માત્ર મકાન લેવુ જ નહીં મકાનમાં ભાડે રહેવુ પણ મોંઘુ થશે, વીજળીના કાયદામાં જે ફેરફાર કર્યો છે તેનાથી વીજળી પણ હજી મોંઘી બનશે. ઉપરાંત પેટ્રોલ, ડીઝલ, વીજળી, LPG સિલેન્ડરનાં ભાવ આસમાને પહોંચ્યા છે તેનાથી રાહત આપવાનો કોઈ પ્રયત્ન થયો નથી.

અર્જુન મોઢવાડિયાએ વધુમાં જણાવ્યું હતું કે, ભાજપ સરકારે બજેટમાં રાજયના ખેડૂતોને તેમના ઉત્પાદનોના પોષણક્ષમ ભાવ મળે તે દિશામાં પણ કોઈ પ્રયત્ન કર્યો નથી, આર્થિક તંગીનો સામનો કરી રહેલ APMC ને રાહત આપવાના કોઈ પ્રયત્ન થયા નથી. આરોગ્ય ક્ષેત્રે પણ બજેટમાં નિરાશા જોવા મળી છે, ખાસ કરીને કોરોનાકાળમાં પર્પાપ્ત આરોગ્ય સેવાઓના અભાવથી લોકોએ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો ત્યાર બાદ લોકો રાજ્યમાં આરોગ્ય સેવાઓને વિસ્તાર થાય અને હોસ્પિટલોમાં મેડીકલ સ્ટાફની ખાલી જગ્યાઓ ભરાય તેવી આશા રાખીને બેઠા છે, પરંતુ આ બજેટમાં તે દિશામાં પણ કોઈ પગલુ જોવા મળી રહ્યું નથી.

બજેટમાં માત્ર આંકડા અને શબ્દોની માયાજાળ રચીને જાતે જ પોતાની સરકાર અને વડાપ્રધાન-મુખ્યમંત્રીની પીઠ થાબડવાના પ્રયત્નો કરવામાં આવ્યા છે. પરંતુ સાચા અર્થમાં રાજયની જનતાને રાહત મળે, બાળકોને વીના મૂલ્યે ગુણવત્તા યુક્ત શિક્ષણ મળે, વીન મૂલ્યે ઉત્તમ કક્ષાની સારવાર ઉપલબ્ધ થાય, રાજયના ખેડૂતોને તેમના ઉત્પાદનોના પોષણક્ષમ ભાવ મળે, ગ્રામ્ય વિસ્તારમાં જીવનની ગુણવત્તા સુધારતી સુવિધાઓનો વિકાસ થાય, નવી રોજગારીઓનું સર્જન થાય અને માછીમારોના હકોનું રક્ષણ થાય તેવો કોઈ પ્રયત્ન આ બજેટમાં કરવામાં આવ્યો નથી. જેના કારણે આ બજેટથી રાજયની જનતા નિરાશ થઈ છે.

તાજેતરમાં રાજસ્થાન સરકારનું બજેટ રજૂ કરતા સમયે માનનીય મુખ્યમંત્રી અશોક ગેહલોતે 500 રૂપિયામાં LPG સિલેન્ડર અને મુખ્યમંત્રી ચિરંજીવી સ્વાસ્થ્ય વીમા યોજના અંતર્ગત વાર્ષિક 25 લાખ રૂપિયા સુધીની ફ્રી સારવાર જેવી જાહેરાતો કરીને જનતાને મોટી રાહત આપી હતી, જો ગુજરાતની ભાજપ સરકારે ઇચ્છા શક્તિ દાખવી હોત તો આ બજેટમાં ગુજરાતની જનતા માટે આવી રાહત આપનારી જોગવાઈઓ કરી શકી હોત. પરંતુ ગુજરાતની ભાજપ સરકારમાં જનતાને રાહત આપવાની ઇચ્છા શક્તિનો અભાવ જોવા મળી રહ્યો છે.

Most Popular

To Top