ગાંધીનગર : હાલમાં રાજ્યમાં જે બનાવો બની રહ્યા છે તે ચિંતાજનક છે. જેમ કે કરાઈ પોલીસ (Police) એકેડેમીમાં બોગસ પી.એસ.આઈ. ટ્રેનિંગ મેળવે, આઈ.એ.એસ. અને આઈ.પી.એસ.ની જાસૂસી થાય છે, પેપર લીક થવાના બનાવો બને છે, સરકારનું પ્લેન બે વર્ષ સુધી કોઈ પાઈલટ ઉડાવે, ગુજરાતી મહા ઠગ કિરણ PMOમાં નોકરી કરતો હોય અને જેના તાર ગુજરાત CMO સુધી જોડાયેલા હોય, કાશ્મીર જેવા વિસ્તારમાં ઝેડ પ્લસ સુરક્ષા સાથે ફરતો હોય તેમ છતાં સરકાર કે આઈ.બી.ને ખબર પણ ન પડે તે ખૂબ જ ચિંતાનો વિષય છે. ડબલ એન્જિન સરકારની જેમ ગૃહ વિભાગના પણ બે એન્જિન છે, એક એન્જિન બાતમીદાર છે અને બીજું એન્જિન વહીવટદારનું છે. ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સ પકડાય છે તેટલું તો ગૃહ વિભાગનું બજેટ પણ નથી, તેવું ગૃહ વિભાગની માંગણીઓ પરની ચર્ચામાં ભાગ લેતાં વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના ઉપનેતા શૈલેષ પરમારે જણાવ્યું હતું.
શૈલેષ પરમારે વધુમાં કહ્યું હતુ કે, રાજ્યના સ્પેશિયલ મોનિટરિંગ સેલના વડા નિર્લિપ્ત રાયની કામગીરી અભિનંદનને પાત્ર છે, પરંતુ તેમની કામગીરીની પણ જાસૂસી થાય છે, રેડ પાડવા જતા હોય તે પહેલાં જ દારૂ વેચનારને તેની ખબર પડી જાય છે તે પ્રકારનો વહીવટ રાજ્યમાં ચાલી રહ્યો છે. પોલીસ ખાતા દ્વારા જ આવા ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારને બાતમી આપવામાં આવતી હોય છે અને રેડ પાડવા જનાર પી.આઈ. કક્ષાના અધિકારીઓ ઉપર હુમલાઓ થાય છે. શહેરોમાં પોલીસ અને સ્કવોડ આમને-સામને આવી ગયા છે. સ્કવોડના બાતમીદારો દારૂ, ડ્રગ્સ ખએ જુગારના ગેરકાયદેસર ધંધાઓ ચલાવે છે તેની બાતમી પૂરી પાડે છે પણ પોલીસ સ્ટેશનમાં બેઠેલા હપ્તાઓ ઉઘરાવતા હોવાથી રેડ પાડી શકતા નથી.
રાજ્યમાં દારૂ પીનારાની સંખ્યામાં મહિલાઓનું પ્રમાણ વધ્યું
શૈલેષ પરમારે જણાવ્યું હતુ કે નેશનલ ફેમીલી હેલ્થ સર્વેના અહેવાલ મુજબ રાજ્યમાં દારૂ પીનારાની સંખ્યામાં મહિલાઓનું પ્રમાણ વધી ગયું છે અને ૧૫ વર્ષથી ઉપરની વયની સંખ્યામાં દારૂનું પ્રમાણ દિવસે દિવસ વધી રહ્યું છે. નેશનલ ક્રાઈમ રેકર્ડ બ્યુરોના અહેવાલ મુજબ વર્ષ ૨૦૨૧માં હત્યા ૧.૪ ટકા, અપહરણમાં ૨.૩ ટકા, મહિલાઓમાં કિસ્સામાં ૨૨.૧ ટકા, રેપ-ચોરી-લુંટના કિસ્સામાં ૨૪.૬ ટકા અને ખાસ કરીને ડ્રગ્સમાં ૧૧.૯ ટકા ગુનાઓ નોંધાયા છે. વર્ષ ૨૦૧૪-૧૫ થી ૨૦૨૧-૨૨ સુધી રાજ્યમાં બળાત્કારના ૧૪,૫૨૨ કિસ્સાઓ બન્યા પછી માત્ર ૨૩૧ ગુનાઓમાં ગુનો પુરવાર થઈ શક્યો છે એટલે કે બળાત્કારના ગુનાઓમાં સજાનું પ્રમાણ ૧.૫૯ ટકા છે.
અમદાવાદ શહેરના દાણીલીમડા મારા મત વિસ્તારમાં દારૂ-જુગાર ખુલ્લેઆમ ધંધા ચાલે છે, મારા દ્વારા રજુઆત કર્યા બાદ પણ ૭-૭ દિવસ રેડ ના પડતી હોય તો સામાન્ય માણસ કહે તો રેડ કયાંથી પાડવાના ? આ પરિસ્થિતિ ગુજરાતમાં ઉભી થઈ છે.