Gujarat

જનતા હેરાન અને સરકાર માટે “આધાર-પાન લિંક” કરાવવાના ચસકા એ ધન કમાવાના નુસ્ખા” – કોગ્રેસ

અમદાવાદ: આધારકાર્ડ સાથે પાનકાર્ડ લિંક કરવાની ૩૧ માર્ચ-૨૩ છેલ્લી તારીખ જાહેર કરીને સરકારે લોકોને પરેશાન કર્યા છે, સાથે જ આધાર સાથે પાન લીંક કરવાના ૧000 રૂપિયા લઈને સરકાર ગમે તેમ કરી લોકો પાસેથી પૈસા પડાવાની લેવાની તક શોધી રહી છે. હજુ અંદાજે ૧૩ કરોડ લોકોને આધાર સાથે પાન લીંક કરવાના બાકી છે. આમ આ તમામ લોકો આધાર સાથે પાન લીંક કરે તો સરકાર ૧૩ હજાર કરોડ રૂપિયા લોકો પાસેથી સેરવી લેશે. સરકારે સામાન્ય જનતાને આધાર કાર્ડ સાથે પાનકાર્ડ લીંક કરવાની મુદતમાં વધારો કરી રાહત આપવી જોઈએ, તેવી માંગણી કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે.

પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલે જણાવ્યું હતું કે, પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક કરવાનો વિષય ખૂબ જ પેચીદો છે, ગંભીર છે, એ એટલાં માટે કે, મને પણ હમણાં જ ખબર પડી કે ૨૦૨૨ એપ્રિલથી જૂન સુધી ૫૦૦/- દંડ હતો. જે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જાણતા હતા તે વાત સામાન્ય જનતા સુધી તો હજી પહોંચી જ નહોતી. “રસિયો રૂપાળો બિલ ભરતો નથી” ના ગીત ગવડાવો છો પણ પાન કાર્ડ – આધાર કાર્ડ લિંક કરવાની વાત છેવાડાના માનવી સુધી કેમ પહોંચાડી શકાતી નથી? આ લિંક યોજના જો ૨૦૧૭ થી હોય તો લોકો સુધી વાત પહોંચી કેમ નહિ?

G – 20 સમિટની મોટી જાહેરાતો અપાય તો ખૂણામાં નાની પાન કાર્ડની તારીખની જાહેરાત પણ આપી શકાય. આજે લોકોને જે તકલીફ પડી રહી છે તે “પાડાના વાંકે પખાલીને ડામ” સમાન છે. કહેવામાં આવે છે કે, આ સિસ્ટમ ફ્રોડ લોકોને પકડવા માટે છે પરંતુ તેની માટે થઈને સામાન્ય માણસો પણ હેરાન થઈ રહ્યા છે. વાહન ખરીદતી વખતે, બેંકમાં ખાતું ખોલાવતી, વિધવા પેન્શન માટે, ગેસની બાટલો લેતી વખતે બધે જ પાન કાર્ડ – આધાર કાર્ડ આપવું પડે છે. શું સરકાર જાતે આધાર – પાન લિંક કરવાનું કામ નથી કરી શકતી?

હેમાંગ રાવલે વધુમાં કહ્યું હતુ કે આશરે ૧૩ કરોડ લોકોને આધાર – પાન લિંક કરવાના બાકી છે. જો ગણતરી કરીએ તો ૧૩ હજાર કરોડ રૂપિયા સરકાર જનતા જોડેથી લઈ લેશે. અને પાછું આધાર – પાન લિંક કરવું ધારીએ એટલું સહેલું પણ નથી. સૌથી પહેલા તો ગામડામાં રહેનાર ઘણાં એવા લોકો છે જેમને મોબાઈલ નંબર આધાર કાર્ડ જોડે લિંક નથી. જેમની પાસે મોબાઈલ છે એમના નંબર બદલાઈ ગયા છે કે બીજી તકલીફ છે. જો મોબાઈલમાં એસ.એમ.એસ. નહિ આવે તો પણ લિંક નહિ થાય. જો આધાર કાર્ડમાં નામ તમારું ખોટું છે તો પાછું તમારે આધાર ઓફિસે જઈને રીન્યુ કરવા જવાનું. તેમાં ઘણાં દિવસો પસાર થાય તેવી સ્થિતિ છે. જો પાન કાર્ડમાં નામ, જન્મ તારીખ કે કઈ ખોટું છે તો તમારે એ સુધારાવા જવું પડશે. તેમાં પાછા ૧૦૦૦/- ભરાવશે. તે સિવાય સુધારો નહિ થાય. લિંક કરાવતી વખતે અસેસમેન્ટ યર સિલેક્ટ કરવાનું હોય છે જો ભૂલથી પણ તેમાં ૨૦૨૨-૨૩ નાખ્યું તો તમારા ૧૦૦૦/- ગયા… એટલે ૨૦૨૩-૨૪ પસંદ કરવાનું રહેશે.

Most Popular

To Top