નવી દિલ્હી: (New Delhi) ભાજપે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢના વિધાનસભા ચૂંટણીના પરિણામો (Election Result) આવ્યા બાદ મુખ્યમંત્રીઓના નામ નક્કી કરી લીધા છે. ભાજપે (BJP) ત્રણેય રાજ્યોમાં શાનદાર પ્રદર્શન કર્યું છે અને કોંગ્રેસને કારમી હાર આપી છે ત્યારે રવિવારે ભાજપના કેન્દ્રીય કાર્યાલયમાં વડાપ્રધાન મોદીની હાજરીમાં મુખ્યમંત્રીઓના નામો પર મંજૂરીની મોહર લગાડવામાં આવી હતી જોકે હજી નામો જાહેર કરાયા નથી.
વિધાનસભાના 3 ડિસેમ્બર રવિવારે આવેલા પરિણામોમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપે ઐતિહાસિક જીત નોંધાવી છે. આ જોરદાર જીત બાદ આ રાજ્યોમાં સીએમ પદને લઈને ચર્ચા તેજ થઈ ગઈ છે. સૂત્રોનું કહેવું છે કે ભારતીય જનતા પાર્ટીએ આ ત્રણેય રાજ્યોના મુખ્યમંત્રીઓના નામ નક્કી કરી લીધા છે. મતગણતરી બાદ રવિવારે સાંજે મળેલી ભાજપની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે ભાજપે હજુ સુધી આ નામો જાહેર કર્યા નથી. નોંધનીય છે કે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપને જંગી જીત મળી છે. ભાજપે મધ્યપ્રદેશમાં 163, રાજસ્થાનમાં 115 અને છત્તીસગઢમાં 54 બેઠકો જીતીને ઈતિહાસ રચ્યો છે. જ્યારે ત્રણેય રાજ્યોમાં કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.
કયા રાજ્યમાંથી કયા નેતા દાવેદાર છે?
મધ્યપ્રદેશમાં જીત બાદ શિવરાજ સિંહ ચૌહાણ મુખ્યપ્રધાન બને તેવી શક્યતા છે. કારણકે સાંસદ શિવરાજ સિંહ ચૌહાણ ભાજપના સૌથી મોટા નેતાઓમાંથી એક છે. 2023 માં શિવરાજ સિંહ ચૌહાણે બુધની મતવિસ્તારમાંથી મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણી લડી હતી જે 2006 થી તેમનો ગઢ છે. રાજસ્થાનમાં મહંત બાલકનાથ અને વસુંધરા રાજે સીએમ પદની રેસમાં છે. આ ચૂંટણીમાં બંને નેતાઓની ઘણી ચર્ચાઓ રહી છે. અહીં કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર શેખાવતનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે. છત્તીસગઢમાં રમણ સિંહનું નામ ચર્ચામાં છે. તેઓ ફરીથી સીએમ બનવાની રેસમાં સૌથી આગળ છે. જો કે આ રાજ્યોમાં ભાજપ કોને તક આપશે તે તો સમય જ કહેશે.
રાજસ્થાનમાં સીએમના પદ માટે રસાકસી
રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની જંગી જીત બાદ હવે મુખ્યમંત્રી પદની રેસ તેજ થઈ ગઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે ભાજપ ચૂંટણી જીત્યા બાદ પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વએ રાજસ્થાનના યોગી તરીકે ઓળખાતા બાબા બાલકનાથને દિલ્હી બોલાવ્યા છે. આ દરમિયાન ધારાસભ્યો પણ વસુંધરા રાજેના ઘરે ભેગા થવા લાગ્યા છે. ભાજપમાંથી સીએમ કોણ બનશે તે લગભગ નક્કી થઈ ચુક્યું ચે પરંતુ પાર્ટીના નેતાઓમાં વધેલી હલચલ એ સંકેત આપી રહી છે કે સીએમની ખુરશી માટે પાર્ટીમાં વિવાદ વધી શકે છે.
રવિવારે સાંજે બેઠક યોજાઈ હતી
તમને જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધન બાદ રવિવારે સાંજે બીજેપી કેન્દ્રીય કાર્યાલયમાં એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ત્રણેય રાજ્યોના મુખ્યમંત્રીઓના નામ પર ચર્ચા કરવામાં આવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે નામ નક્કી કરી લેવામાં આવ્યા છે. જો કે ત્રણેય રાજ્યોના પ્રભારીઓના રિપોર્ટની હજુ રાહ જોવાઈ રહી છે. આ રિપોર્ટ પછી જ નામોની જાહેરાત થશે પરંતુ આ નિર્ણયમાં ભાજપ આગામી લોકસભાની ચૂંટણીને પણ ધ્યાનમાં રાખશે તે નિશ્ચિત છે.