જમ્મુ કાશ્મીરની ચૂંટણી માત્ર ભાજપ માટે લિટમસ ટેસ્ટ નથી પણ દેશ માટે પણ મહત્ત્વની એટલે છે કે, ક. ૩૭૦ પછીનું જમ્મુ કાશ્મીર બદલાયું છે. કેટલું એનો ખ્યાલ આ ચૂંટણીનાં પરિણામો પછી ખબર પડશે. આ રાજ્યમાં પાકિસ્તાન અને આતંકી જૂથોની દખલગીરી છે અને અલગતાવાદી જૂથોની સક્રિયતા છે એ અંગે આ રાજ્યની જનતા કેવું વલણ ધરાવે છે એ પણ નક્કી થવાનું છે. આ રાજ્યમાં ઘણા સમય બાદ ચૂંટણી થવાની છે અને રાજ્યનો દરજ્જો પાછો મળવાનો છે એ પણ મહત્ત્વનો મુદો્ છે અને એ સિવાયના કેટલાક મુદા્ઓ ચૂંટણીમાં મહત્ત્વના બન્યા છે પણ એક વાત નક્કી છે કે, ભાજપ એકલા હાથે આ રાજ્યમાં સત્તા મેળવી શકે એવી શક્યતા નથી. શક્ય છે કે, એ રાજ્યમાં સૌથી મોટી પાર્ટી બને, એટલે કે એવું બને તો પણ ભાજપે બીજાનો સહારો લઇ સત્તા પર બેસવું પડશે અને અગાઉના અનુભવો સારા નથી રહ્યા. ત્રિશંકુ સ્થિતિ સર્જાઈ તો ફરી આ રાજ્યમાં સમસ્યાઓ થવાની છે.
જમ્મુ કાશ્મીરમાં ૯૦ બેઠકો માટે ત્રણ તબક્કામાં ચૂંટણી થવાની છે. ભાજપ અત્યારે તો એકલા હાથે ચૂંટણી લડી રહ્યો છે જ્યારે સામા પક્ષે કોંગ્રેસ અને અબ્દુલ્લાહની પાર્ટી NCએ હાથ મિલાવ્યા છે અને બે-એક બીજી પાર્ટી પણ સાથે છે અને PDP પણ મેદાનમાં છે. જો કે, મેહબુબા મુફ્તી આ વેળા ચૂંટણી લડવાની નથી અને આમેય એમની પાર્ટી ઘણી બધી નબળી પડી છે. આ સિવાય કેટલાક નાના પક્ષો મેદાનમાં છે.
ભાજપની વાત કરીએ તો ૯૦માંથી ભાજપ માત્ર ૬૭ બેઠક પર જ લડી રહ્યો છે. એમાં જમ્મુની બધી ૪૩ બેઠકો પર લડે છે પણ કાશ્મીરની ૪૭ પૈકી માત્ર ૨૪ બેઠક જ લડે છે. બાકીની બેઠકો એમણે બીજા પક્ષો માટે છોડી દીધી છે અને ટ્રેક રેકોર્ડ જોઈએ તો વિધાનસભા અને પછી લોકસભામાં ભાજપનો વોટ શેર ઘટતો ગયો છે. ૨૦૧૪માં PDP સૌથી મોટો પક્ષ રહ્યો, ૨૮ બેઠકો મળી હતી અને ભાજપને ૨૫. જ્યારે NCને ૧૫ અને કોંગ્રેસને માત્ર ૧૨ બેઠક મળી હતી અને ભાજપે PDP સાથે સત્તાની ભાગીદારી કરી હતી. પણ એ કજોડું હતું અને અઢી વર્ષ બાદ સરકાર ભાંગી પડી હતી.
ભાજપે PDP સાથે છેડો ફાડ્યો હતો અને બાદમાં આ રાજ્યમાં હાલકડોલક સ્થિતિ જ રહી અને કેન્દ્રમાં ભારે બહુમતી સાથે ભાજપ બીજી વાર સત્તામાં આવ્યો અને ક. ૩૭૦ દૂર કરવાનો ઐતિહાસિક નિણર્ય લેવાયો એ પછી કેન્દ્રનું શાસન રહ્યું. એક વર્ષમાં રાજ્યને ચૂંટણી થશે અને લોકશાહીની સ્થાપના થશે એ ભાજપે વાયદો ન નિભાવ્યો અને હવે ચાર વર્ષ બાદ ચૂંટણી આવી છે. એ પહેલા નવું સીમાંકન કરાયું અને એ કારણે જમ્મુ વિભાગમાં હિંદુ બહુમતીવાળી બેઠકો વધી છે અને કાશ્મીરની બેઠકોનો વોટ શેર લગભગ સાડા છ ટકા ઘટ્યો છે.
૨૦૨૪ની લોકસભાની ચૂંટણીમાં આશ્ચર્યજનક રીતે ભાજપે જમ્મુની બેઠકો તો લડી પણ કાશ્મીરની ત્રણમાંથી એક બેઠક પણ ના લડી. શું ભાજપ ક.૩૭૦ રદ થયા બાદના માહોલથી હારી ગયો હતો. હાર ના મળે એ માટે ઉમેદવારી ના કરી? આ મુદે્ ભાજપે કોઈ ખુલાસો કર્યો નહોતો. બીજું કે, ૨૦૧૪થી ૨૦૧૯ દરમિયાન ભાજપના વોટ શેરમાં ખાસ્સું ગાબડું પડ્યું છે. અમે ૨૦૨૪ની ચૂંટણીની વાત કરીએ તો NC અને કોંગ્રેસે ૪૧ ધારાસભા વિસ્તારમાં બહુમત મેળવ્યો અને ભાજપે માત્ર ૨૯ વિસ્તારમાં બહુમતી મેળવી હતી. PDP ૫ વિસ્તાર સાથે તળિયે પહોંચી.
આ વેળાય ભાજપ જમ્મુ પર આધારિત છે. કાશ્મીરમાં ૨૪ બેઠકોમાંથી કેટલી બેઠકો એ મેળવી શકે છે એ મહત્ત્વનું છે પણ ૫૦ બેઠક સુધી પહોંચવાનું એમનું લક્ષ્ય છે. પણ એ શકય બને એમ લાગતું નથી. અલબત્ત કોંગ્રેસ અને NC સંયુક્ત રીતે ૯૦માંથી ૮૩ બેઠક પર જ લડી રહ્યું છે. એમાં ય NC ૫૧ અને કોંગ્રેસ માત્ર ૩૨ બેઠક લડે છે. ૨ બેઠક સાથી પક્ષોને આપી છે અને બાકીની બેઠકો પર ફ્રેન્ડલી કોન્ટેસ્ટની વાત છે.
સવાલ એ છે કે, ભાજપ બધી બેઠકો કેમ લડતો નથી? શું એમનામાં વિશ્વાસની કમી છે? આ પ્રશ્નનો જવાબ મળતો નથી. આવો જ પ્રશ્ન NC અને કોંગ્રેસને પૂછી શકાય એમ છે. પણ ત્યાં ગઠબંધન છે. પણ આ ચૂંટણીમાં કેટલાક મુદા્ઓ મહત્ત્વના છે. ક. ૩૭૦ રદ કરવા સામે આ ચૂંટણીનું પરિણામ મહત્ત્વનું બનવાનું છે. PDP અને NC બંને એ ફરી લાગુ કરવાની માગ કરે છે. કોંગ્રેસ આ મુદા્ને બહુ જવાબ આપતી નથી પણ NCની સાથે છે જ.
આ ઉપરાંત લાંબા સમય સુધી નેતાઓને કેદમાં રાખવાનો મુદો્ પણ છે અને એમાં મહેબૂબા અને અબ્દુલ્લાહનો સમાવેશ થાય છે. ફારુક અને ઓમર અને પિતા પુત્રની જોડી હજુ ય ખીણમાં વર્ચસ્વ ધરાવે છે. પિતા પુત્રે કાશ્મીરમાં ‘રાજ’ કર્યું છે. ફારુક ચાર વાર અને ઓમર એક વાર મુખ્યમંત્રી બન્યા છે. બીજી બાજુ મેહબૂબાની પાર્ટી તૂટી છે. એ પોતે ચૂંટણી લડવાની નથી, એમની પુત્રી લડી રહી છે. સજ્જાદ લોન પણ મેદાનમાં છે. બીજા મુદા્ઓમાં સૌથી મોટો મુદો્ બેરોજગારીનો છે અને આ રાજ્યમાં મોટાં મોટાં રોકાણોની વાત જરૂર થઇ છે. કેટલીક જાહેરાતો પણ થઇ છે પણ વાસ્તવિકતા જુદી છે. ગેરકાયદે બાંધકામો સામેનું અભિયાન થયું એ સામે રોષ છે અને એટલે એ અભિયાન રોકવું પડ્યું હતું.
નોકરીઓમાં કૌભાંડનો પણ મુદો્ છે. ભાજપ પાસે શાંતિ, વિકાસના મુદા્ઓ છે તો વિપક્ષ સામે આ રાજ્યની જનતાની અપેક્ષાઓ પૂરી કરવામાં ભાજપ અને કેન્દ્ર સરકાર નિષ્ફળ ગઈ છે એ સૌથી મોટો મુદો્ છે અને હા, કાશ્મીરી પંડિતોનો પ્રશ્ન પણ યાદ રાખવો જોઈએ. ભાજપ એને ઉકેલવામાં સફળ રહ્યો નથી. કેન્દ્ર સરકારની કેટલીક યોજનાઓ બની પણ એ અપૂરતી રહી અને પંડિતો બહુ ઓછી સંખ્યામાં ખીણમાં પાછા ફર્યા. અત્યારે સવા લાખ પંડિત મતદારો છે પણ એમાંથી માત્ર છ હજાર પંડિતો જ જમ્મુ કે કાશ્મીરમાં વસેલા છે. વિપક્ષ પણ આ મુદા્ને લગભગ ભૂલી ગયો છે અને પડકાર પણ એ જ છે કે, એક સમયે ખીણમાં હિંદુ–મુસ્લિમ ભાઈચારો હતો એ પુન: સ્થાપિત થાય.
અને હા, આ ચૂંટણી પર દેશની જ નહિ પણ પાકિસ્તાન, ચીન અને અમેરિકાની પણ નજર રહેવાની છે. કાશ્મીર પાક. માટે મુદો્ છે અને કાશ્મીર ઉપરાંત જમ્મુ સેક્ટરમાં આતંકી હુમલા થવા લાગ્યા છે એ દર્શાવે છે કે આતંકવાદની સમસ્યા સામે લડત હજુ પૂરી થઇ નથી. આ બધા વચ્ચે રાજ્યની જનતાનો મિજાજ કેવો છે, એ આ ચૂંટણીમાં ખ્યાલ આવશે અને એ સૌથી મહત્ત્વનો મુદો્ છે. પણ ભાજપ એકલા હાથે બહુમતી મેળવી શકે એવી શક્યતા નથી અને સૌથી મોટી પાર્ટી બની તો એ કોની સાથે હાથ મિલાવશે? ક્યા પક્ષમાં તોડફોડ કરી સત્તા મેળવશે એ પ્રશ્ન પણ અતિ મહત્ત્વનો બનશે અને જો NC–કોંગ્રેસ સત્તા મેળવે છે તો ભાજપ માટે એ મોટી હાર ગણાશે. કારણ કે, ક. ૩૭૦ રદ કરવાનો નિર્ણય કે જે મહત્ત્વનો રહ્યો એ સામે ચુકાદો ગણાશે અને વિપક્ષ માટે આ પરિણામ વધુ બળ આપનારું બનશે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.