સુરતઃ ગયા રવિવારે તા. 16 ફેબ્રુઆરીના રોજ સુરત મહાનગર પાલિકાના વોર્ડ નં. 18ની પેટા ચૂંટણી માટે મતદાન થયું હતું. આ પેટા ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિકોણીય જંગ હતો. આજે મતગણતરી કરવામાં આવી હતી.
7 રાઉન્ડ ગણતરી બાદ સ્પષ્ટપણે ભાજપના ઉમેદવાર જીતુ કાછડ વિજયી જાહેર થયા હતા. તેઓ પોતાના હરીફોથી 7086 મતે જીત્યા હતા. જેથી ભાજપના કાર્યકરોએ ઉજવણી કરી હતી. એકબીજાને મિઠાઈ ખવડાવી મોંઢું મીઠું કર્યું હતું. નારેબાજી અને નાચગાન કરી ઉજવણી કરી હતી.
ભાજપના વિજયી ઉમેદવાર જીતુભાઈ કાછડે જીત બાદ કહ્યું કે, લોકોએ મારા પર વિશ્વાસ મૂકીને વિજયી બનાવ્યો છે. આ ભાજપના વિકાસની જીત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલા કાર્યોની જીત છે. આગામી સમયમાં મને થોડો સમય ભલે મળ્યો હોય પરંતુ તેમ છતાં આગામી સમયમાં લોકોનો વિશ્વાસ વધુ સંપાદીત થાય તે હેતુથી લોકોના કાર્યો વધુ કરવામાં આવશે.
ગેમર દેસાઈના નિધનને લીધે ચૂંટણી જાહેર થઈ હતી
સુરત મહાનગર પાલિકાના વોર્ડ નંબર 18ના કોર્પોરેટર ગેમર દેસાઈના અવસાન બાદ ખાલી પડેલી જગ્યા માટે ચુંટણી જાહેર થઈ હતી. તેના માટે ગઈ તા. 16 ફેબ્રુઆરીએ મતદાન થયું હતું અને આજે તા. 18 ફેબ્રુઆરીની સવારથી મતગણતરી થઈ હતી. તેમાં પહેલાં રાઉન્ડથી ભાજપના ઉમેદવાર આગળ હતાં. ત્યારે ભાજપના ઉમેદવારને 17359 મત મળ્યા હતાં. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર સંજય રામાધાર રામાનંદ (બાવાજી)ને 10273 મત મળ્યા હતાં. આમ ભાજપના ઉમેદવારની 7086 મતથી જીત થઈ હતી.
