National

ભાજપની પાર્લામેન્ટરી બોર્ડમાં સુરતના મેયર સહીતના પદાધિકારીઓનો લટકો-ફટકો

સુરત : (Surat) સુરત સહીત તમામ મહાનગર પાલિકાઓમાં ભાજપ જંગી બહુમતિથી ચૂંટાઇ આવ્યું છે. જો કે સુરતમાં ભાજપના (BJP) એક તરફી વિજય પર આમ આદમી પાર્ટીએ બ્રેક મારીને આખા રાજ્યમાં માત્ર સુરતમાં પ્રદેશ પ્રમુખના હોમ ગ્રાઉન્ડમાં 27 બેઠકો જીતીને ભાજપના 120 બેઠક જીતવાના મિશનનું સુરસુરીયું કરી દીધુ છે. ત્યારે હવે સોમવારે મળનારી ભાજપની પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં (Mayor) મેયર, ડેપ્યુટી મેયર અને સ્થાયી સમિતિના 12 સભ્યોની પસંદગીનો લટકો-ફટકો થવાનો હોય સુરતના રાજકીય વર્તુળોની નજર આ બેઠક પર મંડાઇ છે. જો કે છેલ્લા ઘણા સમયથી એક હથ્થું બની ગયેલા શહેર ભાજપમાં હવે ‘સારા’ને બદલે ‘મારા’ની થીયરી પર જ મનપાના પદોની વહેંચણી થાય તેવી પુરતી શક્યતા છે.

ભાજપના ગઢ સુરત શહેરમાં મનપાની છેલ્લી ચૂંટણીમાં સૌરાષ્ટ્રવાસી વરાછા વિસ્તારમાં પ્રજાએ ભાજપને જાકારો આપ્યા બાદ આ મતદારોનો રીઝવવાના નામે ભાજપના પ્રમુખ પદે સુરતના ઇતિહાસમાં પ્રથમ વખત સૌરાષ્ટ્રવાસી નેતા નિરંજન ઝાંજમેરાને બેસાડવાના ભાજપના પ્રયાસને પણ વર્ષ 2021ની ચૂંટણીના પરિણામોએ નિષ્ફળ હોવાની પ્રતિતિ કરાવી છે. કેમકે આ વખતે પણ વરાછા વિસ્તારમાં તો ભાજપને જાકારો જ મળ્યો છે. ત્યારે હવે સુરત મનપાના મેયર પદે મહીલા રીર્ઝવેશનની બેઠક હોવાથી આપના વાવાઝોડા વચ્ચે પણ પુણા વિસ્તારમાંથી ચૂંટાઇ આવેલા સિનિયર નેતા દર્શીની કોઠીયાને તક મળે છે, કે ભાજપના તડકા-છાયામાં પણ ભાજપની સાથે રહેલા તળ સુરતની કદર કરવા સી.આર.જુથના ખાસ મનાતા મુળ સુરતી એવા હેમાલી બોધાવાલા પર કળશ ઢોળાય છે, કે પછી પ્રદેશ પ્રમુખ તેની આદત મુજબ કોઇ પણ માનીતાને કોઇ પણ સમીકરણને ધ્યાન રાખી મેયર પદે બેસાડી દે છે. તેના પર સૌની મીટ મંડાઇ છે.

આ બે મહીલા નેતાની સાથે સાથે પુર્વ રાજ્યમંત્રી રજની પટેલના સબંધી ગણાતા ઉર્વશી પટેલનું નામ પણ ચર્ચામાં છે. તો ડેપ્યુટી મેયર માટે સોમનાથ મરાઠે, અમિત રાજપૂત, વિજય ચૌમાલ, સ્થાયી સમિતિમાં પણ આ જ નામો ચર્ચામાં છે. વર્ષોથી ગોડફાધર મારફતે વગદાર પદ માટે લોબિંગ કરાવવાની ભાજપના નેતાઓનો ટ્રેન્ડ હવે બદલાઇ ગયો છે. અને ઘરઆંગણે જ પ્રદેશ પ્રમુખ હોવાથી તેની આસાપાસના લોકો મારફત ધ્યાન ખેંચવા માટેનો ટ્રેન્ડ વધ્યો છે.

મનપાના પદાધિકારીઓ માટે શહેર ભાજપની મોટી સંકલન માત્ર ઔપચારિકતા બની રહી

સુરત : સુરત મનપાના પદાધિકારીઓના નામ નકકી કરવા માટે દર વખતની જેમ આ વખતે પણ રવિવારે શહેર સંગઠનની મોટી સંકલનની મીટીંગ મળી હતી પરંતુ આ વખતે પ્રદેશ પ્રમુખ સુરતના છે. તેથી સુરત મનપાના પદાધિકારીઓ નકકી કરવામાં અન્ય કોઇ સ્થાનિક નેતાઓની વાત ધ્યાને લેવાય તેવી શકયતા ભાજપની વર્તમાન પરિસ્થિતી જોતા લાગતી નથી. તેથી દર વખતે મોટી સંકલનમાં દેખાતી રસાકસી દેખાઇ નહોતી, માત્ર સામાન્ય રીતે મોટી સંકલનમાં શહેરના સાંસદો, તમામ ધારાસભ્યો, શહેર પ્રમુખ અને મહામંત્રીઓ હોય છે. પરંતુ આ બેઠકમાં છ ધારાસભ્યો ગેર હાજર હતા. તો જે હાજર હતા તે સભ્યોએ પણ માત્ર ઓપચારીક ચર્ચા કરીને બેઠક સમેટી હતી અને કોઇ ઠોસ નામ સજેસ્ટ કરવાનું ટાળીને પાર્લામેન્ટરી બોર્ડ નકકી તે માન્ય રાખવા નકકી કરાયુ હતું.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top