ગાંધીનગર મહાનગરપાલિકા (Gandhinagar municipal corporation)ની ચૂંટણી (election) પટેલ-પાટીલ માટે એક ટેસ્ટ સમાન માનવામાં આવતી હતી, જો કે જંગી બહુમતીથી જીત તરફ આગળ વધતી બીજેપી (BJP) માટે હવે આ ટેસ્ટ પાસ થયા સમાન ઉજવણીનો માહોલ ઉભો થયો છે.
ચોક્કસથી માનવામાં આવે છે કે આ ચૂંટણીનાં પરિણામ (election result) ભાજપની આગળની રણનીતિ નક્કી કરશે. નોંધનીય છે કે 3 ઓક્ટોબરના રોજ 56 ટકા મતદાન થયું હતું. ત્યારે આજે સવારે 9 વાગ્યાથી પાંચ કેન્દ્ર પર મતગણતરી (vote counting) શરૂ કરવામાં આવી હતી. અને આ પાંચેય કેન્દ્ર પરથી મનપાના 11 વોર્ડની 44 બેઠકનાં પરિણામ બપોર સુધીમાં સ્પષ્ટ થઈ ગયા છે. જે રીતે મતોની ગણતરી આગળ વધી તે જોતા કહી શકાય કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપે શાનદાર જીત (victory) હાંસલ કરી લીધી છે.
ખાસ કરીને આ વખતે પહેલીવાર ભાજપે ગાંધીનગર મહાનગર પાલિકીની ચૂંટણીઓમાં સ્પષ્ટ બહુમતી હાંસલ કરીને ઈતિહાસ રચી દીધો છે. અને ચોક્કસથી ભાજપની આ ભવ્ય જીતનો સાફો પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ (CR Patil) અને નવ નિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel)ના શિરે પહેરાવવામાં આવી રહ્યો છે. કહેવામાં આવી રહ્યી છે કે પાટીલ અને પટેલની જોડીએ ગાંધીનગર સહિતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં કરામત કરી છે. અને ચોક્કસથી ગાંધીનગરમાં સ્પષ્ટ બહુમતી એ આગામી વર્ષે 2022માં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું ટ્રેલર હતું.
પરિણામની વાત કરવામાં આવે તો શરૂઆતના વલણમાં જ ભાજપ-40, કોંગ્રેસ-3 અને આપ-1 બેઠક પર આગળ હતું. તો ભાજપના દિગ્ગજ નેતા સંજીવ મહેતાનો પરાજય થયો છે. વોર્ડ નંબર એકમાં AAPએ વાંધો ઉઠાવતાં મતગણતરી અટકી ગઈ હતી, વોર્ડ-3માં પેનલ તૂટી, ભાજપની 3 અને કોંગ્રેસની 1 બેઠક પર જીત થઇ હતી, વોર્ડ નંબર-5, 7 અને 9માં ભાજપની પેનલનો વિજય થઇ ગયો છે. અન્ય વોર્ડમાં પણ વલણ કંઈક આ મુજબ જ આંકવામાં આવે છે, તો આ જીત પાછળનું કારણ રાતોરાત થયેલ બદલાવ પણ ગણવામાં આવે છે, ગાંધીનગરની ચૂંટણી પહેલાં જ ભાજપ હાઈકમાંડે ગુજરાત સરકારનું આખેઆખું માળખું બદલી નાંખવાનો નિર્ણય લીધો હતો. જેને પગલે અચાનક જ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું રાજીનામું લેવામાં આવ્યું હતું. અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત સરકારના તમામ મંત્રીઓએ રાજીનામાં આપ્યાં હતાં.
દેશના રાજકીય ઈતિહાસમાં પહેલીવાર ભાજપ હાઈકમાંડે ગુજરાતમાં ‘નો રીપીટ થિયરી’ અપનાવીને મુખ્યમંત્રી સહિત આખી સરકારના બધા જ મંત્રીઓને ઘરે બેસાડીને આખી નવી ટીમ ઉભી કરી. ત્યારે હાલ સ્પષ્ટ છે કે આ પાછળનો ભાજપના આશય વર્ષ 2022ની ચૂંટણી અને એ પહેલાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં જીત હાંસલ કરવાનો હતો.