અમદાવાદ : દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) ધારાસભ્ય અનંત પટેલ પર ભાજપ (BJP) પ્રેરિત ત્યાંના સ્થાનિક ભારતીય જનતા પક્ષના આગેવાનો અને પ્રમુખે જે હુમલો (Attack) કર્યો છે, તેના વિરોધમાં આદિવાસી સમાજમાં ભારેલો અગ્ની જેવી સ્થિતિ છે. જો 72 કલાકમાં તોહમતદારોને પકડવામાં નહીં આવે તો, ત્યાંના આદિવાસીઓ અલગ અલગ આશ્ચર્યજનક કાર્યક્રમો આપશે. આ હુમલો અનંત પટેલ ઉપરનો નહીં પણ આદિવાસી સમાજ ઉપરનો હુમલો છે. આ બાબતે કોઈ ઉગ્રસ્વરૂપ ધારણ ન થાય તેની જવાબદારીના ભાગરૂપે સરકારના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી અને તાત્કાલીક પગલા લે તેવી વિનંતી કરું છું, તેવું તેવું ગુજરાત વિધાનસભા કોંગ્રેસપક્ષના નેતા સુખરામ રાઠવાએ જણાવ્યું હતું.
પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, જે રીતે ગુજરાતમાં ભાજપ પ્રેરીત ગુંડારાજ ચાલે છે તેનો અનુભવ અને ચિતાર દેશ અને ગુજરાતે જોયો. દક્ષિણ ગુજરાતમાં આદિવાસી સમાજના હક્ક અને અધિકારની લડાઈનું સતત નેતૃત્વ કરતા અમારા સાથી ધારાસભ્ય અનંત પટેલ પર હિંચકારો હુમલો કરવામાં આવ્યો હતો. તેની જાત મુલાકાત અને સ્થળ તપાસ કરવા ગુજરાત વિધાનસભા કોંગ્રેસપક્ષના નેતા સુખરામ રાઠવાના નેતૃત્વમાં કોંગ્રેસનુ પ્રતિનિધિ મંડળ ત્યાં પહોંચ્યું હતું અને જે રીતે લોકોના મોઢે અને સામાન્ય આદિવાસી યુવાનોના મોઢે આપવીતી સાંભળવામાં આવી ત્યારે ખરેખર એવું લાગ્યું કે, ગુજરાતમાં કોઈપણ જાતની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ નથી. ફક્તને ફક્ત ભાજપ પ્રેરિત ગુંડા રાજ હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે.
આ હુમલો એ ધારાસભ્ય અનંત પટેલ ઉપરનો એકલા ઉપર ન હતો. આ હુમલો આખા આદિવાસી સમાજનો અવાજ દબાવવા માટેનો હુમલો હતો. આ હુમલાની પાછળ જો કોઈ માસ્ટર માઈન્ડ હોય તો તે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સી.આર. ભાઉ છે અને તેમના જ આશીર્વાદથી આ ઘટના બની હોય તેવુ ત્યા લોકમુખે ચર્ચાઈ રહ્યું છે, ત્યાંના યુવાનો દ્વારા સી.આર. ભાઉ દ્વારા અહિંયા ડરનો માહોલ ઉભો કરવાનો ઘણા લાંબા સમયથી પ્રયત્ન ચાલી રહ્યાં છે તેના ભાગ સ્વરૂપે અનંત પટેલ પર હુમલો થયો અને એ જ દિવસે આદિવાસી સમાજના આંદોલનકારી યુવાનોના ઘરે જઈને પણ હુમલા કરવામાં આવ્યાં છે. ધરમપુર તાલુકામાં પોલીસની ચાર-ચાર ગાડીઓ હાજર હોય તેમ છતાં પોલીસની હાજરીમાં આદિવાસી સમાજના યુવાનોના ઘરે જઈ દંડાથી લાકડીઓથી હુમલો કરવામાં આવ્યો અને તેઓ હોસ્પિટલમાં જીવન – મરણ વચ્ચે ઘાયલ થઈને લડાઈ લડી રહ્યાં છે. અમે તે લોકોને મળ્યાં છીએ ત્યારે આ હુમલો ચૂંટણીમાં લોકોનો વિરોધ દબાવવા માટે કરવામાં આવ્યો છે.