GANDHINAGAR : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં રાજ્યની મહાનગરપાલિકાઓની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી (BHARTIY JANTA PARTY) દ્વારા આજે ઉમેદવારોના નામની યાદી જાહેર કરવામાં આવી છે. યાદી બહાર પડતાની સાથે જ આંતરિક ડખાઓ પણ ખૂલીને બહાર આવ્યા છે. બીજી તરફ ટિકિટને લઈને નક્કી કરવામાં આવેલા ધોરણોનો પણ ક્યાંક છેદ ઉડી ગયો હોય તેવું લાગી રહ્યું છે. ભાજપના સિનિયર અને નિષ્ઠામાં કાર્યકરોમાં આક્રોશ સાથે વિરોધનો ગણગણાટ પણ શરૂ થઇ ગયો છે.
નવા માપદંડ સાથે પ્રદેશ ભાજપના પ્રમુખ સી આર પાટીલે આજે સાંજ સુધીમાં છ મનપા માટે ભાજપના ઉમેદવારોની યાદી જાહેર કરતાં તેમાં ભારે અસંતોષ સામે આવ્યો છે. રાજકોટમાં તો ચાલુ પત્રકાર પરિષદે નારાજ ઉમેદવારે મીડિયાની હાજરમાં જ ગાળા ગાળી કરી નાંખી હતી. જેના પગલે બે પૂર્વ કાઉન્સિલરોને પાર્ટીમાં જ સસ્પેન્ડ કરી દેવા પડ્યા હતા. જ્યારે સુરતમાં ભાજપ કાર્યાલયમાં સાહિત્યને બાળવામાં આવ્યું હતું. આ ઉપરાંત વિવિધ વોર્ડના કાર્યાલયો પર હલ્લો બોલાવવામાં આવ્યો હતો.
સીઆર પાટીલ ( C R PATIL) ના નવી પેઢીને તૈયાર કરવાના કડક માપદંડ કાર્યકર્તાઓને ગળે ઉતર્યા નથી. અગાઉ સી આર પાટીલે જ રાજકોટમાં કહ્યું હતું કે તમે સીએમ વિજય રૂપાણીની નજીકમાં હોવ .. એટલે એવું ના સમજતાં કે ટિકીટ મળી જશે. નવા માપદંડો પાછળ સીઆર પાટીલ સહિત પાર્ટીનો હેતુ બીજી નવી યુવા પેઢી તૈયાર કરવાનો છે, પરંતુ વર્ષોથી અડ્ડો જમાવીને પાર્ટીને પેઢી સમજતાં લોકોને આ નિર્ણય બહુ ગળે ઉતર્યો નથી.
અમદાવાદમાં ખાડિયામાં જૂના જોગીઓ સહિત આખી પેનલ કપાઈ
રામોલમાં શહેર પ્રમુખની પત્નીને ટિકિટ મળતા સિનિયર કાર્યકર્તાઓમાં નારાજગી જોવા મળી. અમદાવાદ શહેરની 48 વોર્ડ માટે ઉમેદવારોની પસંદગી કરી દેવામાં આવી છે. જેમાં લગભગ નવા અને યુવા ઉમેદવારોને તક આપવામાં આવી છે. ખાડિયા જોધપુર સહિત અનેક વોર્ડમાં આખી આખી પેનલ બદલવામાં આવી છે. જોધપુરમાં પૂર્વ મેયર મીનાક્ષીબેન પટેલ સહિત આખી પેનલ નવી જાહેર કરવામાં આવી છે. તેવી જ રીતે વાસણા વોર્ડમાં પૂર્વ મેયર અમિત શાહના પુત્રને પણ ટિકિટ આપવામાં આવી નથી. અમિત શાહે પોતાના પુત્રને ટિકિટ મળે તે માટે પ્રયાસો કર્યા હતા. અને ઉમેદવારો પસંદગી માટેના નવા ધોરણો પણ વિરોધ કર્યો હતો. સાથે જ અમિત શાહે એવું પણ કહ્યું હતું કે મારા પુત્રનો એટલો જ વાંક કે તે અમિત શાહનો પુત્ર છે.
આ ઉપરાંત અમદાવાદ શહેરની ખૂબ જ મહત્વની મનાતી એવી ખાડિયા વોર્ડ માટે તમામ જૂના જોગીઓના પત્તા કાપી નાખવામાં આવ્યા છે. તેવી જ રીતે ગોતા વોર્ડમાં પણ સુરેશ પટેલ સહિત અને સિનિયર આગેવાનોના પત્તા કપાયા છે. બીજી તરફ શહેર ભાજપ પ્રમુખના પત્ની ચંદ્રિકાબેન પંચાલને રામોલ વોર્ડમાંથી ટીકીટ ફાળવવામાં આવતા સિનિયર આગેવાનોમાં આક્રોશ ફેલાયો છે. આ ઉપરાંત યુવા મોરચા દ્વારા પણ ટિકિટની માગણી કરવામાં આવી હતી જે નહીં મળતાં યુવા મોરચાના કાર્યકરોમાં પણ નારાજગી જોવા મળી રહી છે.
વડોદરામાં ધારાસભ્ય શ્રીવાસ્તવની પત્ની અને પુત્રને ટિકીટ નહીં અપાતાં નારાજગી. વડોદરામાં પણ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની પત્ની અને પુત્રને ટીકીટ નહી મળતા તેમણે બળાપો કાઢ્યો હતો અને નારાજગી વ્યક્ત કરી હતી. વડોદરામાં કાર્યકરોની નારાજગી એવી છે કે આગામી દિવસોમાં મોટાપાયે રાજીનામા આપવામાં આવે તો નવાઈ નહીં હોય
સુરતમાં પણ ભાજપ કાર્યાલય ખાતે હલ્લો બોલાવાયો, સાહિત્યને બાળવામાં આવ્યું. સુરતમાં ભાજપની ટિકીટો જાહેર થતાં જ ભારે અસંતોષ બહાર આવ્યો હતો. સુરતમાં 80 ટકા કરતાં વધુ સીટિંગ કોર્પોરેટરો કપાઈ ગયા હતા. સુરતમાં ભાજપના વિવિધ વોર્ડ કાર્યાલયો પર પણ હલ્લો લઈ જવામાં આવ્યો હતો. જ્યારે ભાજપના ઉધના ખાતે આવેલા કાર્યાલય ખાતે પણ પેજ પ્રમુખ સહિતના સાહિત્યને બાળવામાં આવ્યું હતું.