સુરત: મંગળવારે વિવિધ નગરપાલિકાના પ્રમુખ અને ઉપ પ્રમુખની અને વિવિધ મહાનગર પાલિકાના મેયરની સાથે અન્ય હોદ્દેદારોની વરણી થયા બાદ બુધવારે ભાજપે (BJP) દક્ષિણ ગુજરાતના (South Gujarat) વિવિધ તાલુકા પંચાયતોના પ્રમુખ (President), ઉપપ્રમુખ (Vice President) પદના ઉમેદવારોના નામોની જાહેરાત કરી છે.
આજે ડાંગના આહવા, વઘઈ, સુબિરની સાથે વલસાડ જિલ્લા પંચાયત, કપરાડા તાલુકા પંચાયત, ઉમરગામ તાલુકા પંચાયત, તાપી જિલ્લા પંચાયત, વાલોડ તાલુકા પંચાયત, ડોલવણ તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપ પ્રમુખની મેન્ડેટ લિસ્ટ જાહેર કરી છે.
- ડાંગ, તાપી અને વલસાડના અનેક હોદ્દાઓ પર મહિલા સભ્યોના નામ જાહેર કરાયા
- ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે નિર્મળા એસ. ગાઈને ફોર્મ ભર્યુ
ઉમરગામ તાલુકા પંચાયતમાં પદાધિકારીઓની નિમણૂંક માટે ભાજપે યાદી જાહેર કરતા પક્ષના મેન્ડેડ પ્રમાણે પ્રમુખ પદ માટે લલીત દુમાડા અને ઉપ-પ્રમુખ પદે વિલાસ ઠાકરીયાએ ઉમેદવારી નોંધાવી હતી. પ્રમુખ ઉપપ્રમુખ માટે બીજુ કોઈ ફોર્મ ભરાયું ન હોય બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવશે. ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલા મેન્ડેડમાં કારોબારી અધ્યક્ષ તરીકે મહેશ આહીર, પક્ષના નેતા તરીકે ઘનિષા કોળી અને દંડક પદે વર્ષા મહેશ ધોડીને નિમણૂક આપવામાં આવી હોય આગામી ઉમરગામ તાલુકા પંચાયતની સામાન્ય સભામાં કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.
ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલા મેન્ડેટમાં ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે નિર્મળા એસ. ગાઈન અને ઉપ પ્રમુખ તરીકે ભરત ભોયેની પસંદગી કરવામાં આવી છે. આજે ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે નિર્મળા એસ. ગાઈને ફોર્મ ભર્યુ હતું. જ્યારે આહવા તાલુકા પંચાયતનો પ્રમુખનો હોદ્દો સુરેશ ચૌધરી અને ઉપ પ્રમુખનો હોદ્દો કમલેશ વાઘમારે સંભાળશે.
વઘઈ તાલુકા પંચાયતના પ્રમુખ પદનું સુકાન ચંદર એમ ગાવીત અને ઉપ પ્રમુખ પદનું સુકાન વનિતા ભોયેની પસંદગી કરવામાં આવી છે. સુબીર તાલુકા પંચાયતના પ્રમુખ પદે રવીના એસ. ગામીતની અને ઉપ પ્રમુખ પદે રઘુનાથ કે. સાવળેનું નામ મેન્ડેટમાં જાહેર કરાયા છે.
વલસાડ જિલ્લા પંચાયતની વાત કરવામાં આવે તો, પ્રમુખ પદે મનહર પટેલ, ઉપ પ્રમુખ પદે બ્રિજના પટેલ, કારોબારી ચેરમેન પદે ભરત જાદવ, પક્ષના નેતા મુકેશ પટેલ અને દંડક પદે વિનય ધોડીના નામની જાહેરાત કરવામાં આવી છે.
કપરાડા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે હીરા પટેલ અને ઉપ પ્રમુખ તરીકે ફુલજી ગુરવની પસંદગી કરવામાં આવી છે. તાપી જિલ્લા પંચાયતના પ્રમુખ પદે જાલમસિંહ વસાવા અને ઉપ પ્રમુખ પદે મધુબેન ગામીતના નામની જાહેરાત કરવામાં આવી છે.