મમતા બેનરજીનો પ્લસ પોઈન્ટ એ છે કે તેઓ બંગાળી વાઘણની જેમ એકલે હાથે કદાવર નેતાઓ સામે લડી રહ્યાાં છે. ભાજપ પાસે મમતા બેનરજીનો મુકાબલો કરી શકે તેવો એક પણ ચહેરો નથી
જે પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે તે પૈકી ચાર રાજ્યોમાં પરિણામો લગભગ નક્કી છે, પરંતુ પશ્ચિમ બંગાળમાં ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે જીવસટોસટનો જંગ જોવા મળશે. મતદાનની તારીખ નજીક આવી ગઈ છે ત્યારે વિવિધ એજન્સીઓ દ્વારા ઓપિનિયન પોલ્સ બહાર પાડવાનું પણ શરૂ થઈ ગયું છે. તેમાંથી કોઈકમાં તૃણમૂલ કોંગ્રેસને તો કોઈમાં ભાજપને બહુમતી મળવાની આગાહી કરવામાં આવી છે. જો કે બંને પ્રકારના સર્વેમાં કોઈ પણ પક્ષને સહેલાઈથી બહુમતી નહીં મળે તેવી આગાહી પણ કરવામાં આવી છે. આ જોતાં પશ્ચિમ બંગાળની ચૂંટણી ટી-ટ્વેન્ટી મેચ જેવી પુરવાર થઈ રહી છે, જેમાં છેલ્લા બોલ સુધી પરિણામની રાહ જોવી પડતી હોય છે. જો ભાજપ કે તૃણમૂલ કોંગ્રેસ બેમાંથી કોઈને સ્પષ્ટ બહુમતી ન મળે અને ત્રિશંકુ વિધાનસભાનું સર્જન થાય તો આપણને કોલકાતામાં પક્ષપલટાનું નાટક પણ જોવા મળશે.
પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી બાબતમાં અત્યાર સુધીમાં બે સર્વે પ્રકાશિત થયા છે, જેમાં પહેલો સર્વે ટાઇમ્સ નાઉ-સી વોટરનો સર્વે છે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયા જૂથ ભાજપની નજીક મનાતું હોવા છતાં તેના કહેવા મુજબ ૨૯૪ સભ્યોના ગૃહમાં મમતા બેનરજીની તૃણમૂલ કોંગ્રેસને ૧૬૦ બેઠકો મળશે, જ્યારે ભાજપને ૧૧૨ બેઠકો મળવાની સંભાવના છે. અહીં એ વાતની નોંધ લેવી જોઈએ કે ૨૦૧૬ ની ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસને ૨૧૧ અને ભાજપને માત્ર ત્રણ બેઠકો જ મળી હતી. તૃણમૂલ કોંગ્રેસને ૫૧ બેઠકોનું નુકસાન થશે તો ભાજપને ૧૦૯ બેઠકોનો ફાયદો થશે. બીજી બાજુ ઇન્ડિયા ટીવી-જન કી બાતના સર્વે મુજબ ભાજપને ૧૫૦-૧૬૨ તો તૃણમૂલ કોંગ્રેસને ૧૧૮-૧૩૪ બેઠક મળવાની સંભાવના છે. તેમના કહેવા મુજબ ભાજપ માંડ માંડ બહુમતીની નજીક પહોંચી જશે. એબીપી-સીએનએક્સના સર્વે મુજબ તૃણમૂલ કોંગ્રેસને ૧૩૬ અને ભાજપને ૧૩૦ બેઠકો મળતાં ત્રિશંકુ વિધાનસભાનું નિર્માણ થશે.
ટૂંકમાં ત્રણેય સંભાવના ડોકિયાં કરી રહી છે. પશ્ચિમ બંગાળ કોઈ સમયે ડાબેરી પક્ષોનો ગઢ કહેવાતો હતો. તેમણે ૩૪ વર્ષ સુધી બંગાળમાં એકચક્રી શાસન કર્યું હતું. તેમના હાથમાંથી સત્તા ઝૂંટવી લેવા મમતા બેનરજીએ દસ વર્ષ સુધી જોરદાર સંઘર્ષ કર્યો હતો. ૨૦૦૧ માં બુદ્ધદેવ ભટ્ટાચારજી પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન હતા ત્યારે મમતા બેનરજીએ પહેલી વખત ચૂંટણીમાં ઝંપલાવીને ડાબેરી પક્ષોની મોનોપોલીને પડકારી હતી, પણ તેમને મર્યાદિત સફળતા જ મળી હતી. મમતા બેનરજીની તૃણમૂલ કોંગ્રેસ ૨૯૪ પૈકી ૬૦ બેઠકો જ જીતી શકી હતી. બુદ્ધદેવ ભટ્ટાચારજી ફરીથી મુખ્ય પ્રધાન બન્યા હતા. ૨૦૦૬ માં ફરીથી મમતા બેનરજીએ ડાબેરી પક્ષોની સરકારને પડકારી હતી.
આ ચૂંટણી તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપ સાથે મળીને લડ્યા હતા. તૃણમૂલ કોંગ્રેસને માત્ર ૩૦ બેઠકો મળી હતી, જ્યારે ભાજપ તો ખાતું પણ ખોલાવી શક્યો નહોતો. મમતા બેનરજીએ નાસીપાસ થયા વગર ડાબેરી પક્ષોની રાક્ષસી તાકાત સામે લડત ચાલુ રાખી હતી. સિંગૂર અને નંદિગ્રામ જેવા વિવાદોમાં જમીન અધિગ્રહણ સામે લડવામાં મમતા બેનરજીને ગરીબ કિસાનોની સહાનુભૂતિ પ્રાપ્ત થઈ હતી. તેમની લોકપ્રિયતામાં જબરદસ્ત ઉછાળો આવ્યો હતો. મા, માટી અને માનુષનું તેમનું સૂત્ર પશ્ચિમ બંગાળની જનતાને સ્પર્શી ગયું હતું. પરિણામે ૨૦૧૧ માં પહેલી વખત તેઓ મુખ્ય પ્રધાન બન્યાં હતાં.
૨૦૧૪ માં પશ્ચિમ બંગાળમાં લોકસભાની ચૂંટણી થઈ તેમાં દેશભરમાં ભાજપનું મોજું હતું તો પણ તૃણમૂલ કોંગ્રેસને ૪૨ પૈકી ૩૪ અને ભાજપને રોકડી બે બેઠકો મળી હતી. ત્યાર બાદ શારદા અને નારદા જેવાં કૌભાંડો બહાર આવ્યાં હતાં, જેમાં મમતા બેનરજીની નજીકના નેતાઓ સંડોવાયેલા જણાયા હતા. તેમ છતાં મમતા બેનરજીની લોકપ્રિયતાને ઊની આંચ આવી નહોતી. ૨૦૧૬ માં વિધાનસભાની ચૂંટણી થઇ તેમાં તૃણમૂલ કોંગ્રેસને ૨૧૧ તો ભાજપને રોકડી ત્રણ બેઠકો મળી હતી. ૨૦૧૯ માં લોકસભાની ચૂંટણી થઈ તેમાં ભાજપે ચમત્કાર કર્યો હતો. ભાજપને ૪૨ પૈકી ૧૮ બેઠકો મળી હતી, જ્યારે તૃણમૂલ કોંગ્રેસની બેઠકોની સંખ્યા ઘટીને ૨૨ ઉપર આવી ગઈ હતી.
પશ્ચિમ બંગાળમાં ભાજપની તાકાત વધવાનું મુખ્ય કારણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વધી રહેલી લોકપ્રિયતા અને ભાજપ દ્વારા કરવામાં આવી રહેલું કોમી ધ્રુવીકરણ છે. ભાજપ દ્વારા સતત મમતા બેનરજીને મુસ્લિમતરફી અને હિન્દુવિરોધી તરીકે પ્રોજેક્ટ કરવામાં આવે છે. મમતા બેનરજીને ચિડવવા માટે તેમની સભામાં જાણી જોઈને જયશ્રી રામના નારાઓ લગાવવામાં આવે છે. આ નારા સાંભળી મમતા બેનરજી ભડકી જાય છે અને ભાજપની ચાલમાં ફસાઈ જાય છે.
મમતા બેનરજીનો પ્લસ પોઈન્ટ એ છે કે તેઓ મહિલા છે અને બંગાળી વાઘણની જેમ એકલે હાથે કદાવર નેતાઓ સામે લડી રહ્યાં છે. પશ્ચિમ બંગાળમાં તેમની પાસે મોટી કેડર છે. ભાજપ પાસે મમતા બેનરજીનો મુકાબલો કરી શકે તેવો એક પણ સ્થાનિક ચહેરો નથી. તેણે છેક છેલ્લી ઘડીએ સૌરવ ગાંગુલી જેવા ક્રિકેટરને કે મિથુન ચક્રવર્તી જેવા અભિનેતાને મેદાનમાં ઊતારવાના પ્રયાસો કર્યા, પણ પશ્ચિમ બંગાળના મતદારો તેનાથી પ્રભાવિત થયા નથી. મમતા બેનરજીના સાથીદારો પર ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા, પણ તેમની છબી હજુ પણ સ્વચ્છ જણાય છે. બંગાળી બાબુઓ ભણેલા અને બુદ્ધિશાળી ગણાય છે. ઉત્તર પ્રદેશ અને બિહારના અભણ કિસાનોની જેમ તેઓ બહુ સહેલાઈથી કોમી ધોરણે મતદાન કરવા તૈયાર થાય તેમ નથી. વળી તેમને ડર છે કે જો પશ્ચિમ બંગાળમાં ભાજપની સરકાર આવશે તો તેની હાલત પણ ઉત્તર પ્રદેશ જેવી થશે.
મમતા બેનરજીનો માઇનસ પોઈન્ટ તેમના રાજમાં વ્યાપ્ત થઈ ગયેલો ભ્રષ્ટાચાર છે. જો સામાન્ય પ્રજા કોઈ પણ સરકારી યોજનાનો લાભ લેવા માગતો હોય તો તેણે તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરને કમિશન આપવું પડે છે. તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરો સમાંતર સરકાર ચલાવે છે. મમતા બેનરજીની બીજી નબળી કડી તેમનો ભત્રીજો અભિષેક બેનરજી છે, જેને તેઓ પોતાના રાજકીય વારસદાર તરીકે તૈયાર કરી રહ્યાં છે. તેને કારણે તેમના પર સગાવાદના આક્ષેપો થઈ રહ્યા છે. તૃણમૂલ કોંગ્રેસમાંથી મમતાના એક પછી એક સાથીદારો ભાજપમાં જોડાઇ રહ્યા છે તે મમતા માટે ચિંતાનો મોટો વિષય છે. હવે તેમણે પોતાની લોકપ્રિયતાના બળ પર ચૂંટણી લડવાની છે. મમતા બેનરજી પોતાની મુસ્લિમતરફી છબી બદલવા તનતોડ મહેનત કરી રહ્યાં છે.
ગયા વર્ષે તેમણે દુર્ગા પૂજાના મંડપો માટે ૧૮૦ કરોડ રૂપિયા આપ્યા હતા; પણ ત્યારે બહુ મોડું થઈ ગયું હતું. પશ્ચિમ બંગાળમાં ભાજપને જો કોઈ સૌથી મોટો અંતરાય નડવાનો હોય તો તે મમતા બેનરજીનો મુકાબલો કરી શકે તેવા સક્ષમ સ્થાનિક નેતાનો અભાવ હશે. લોકસભાની ચૂંટણીમાં મતદારોએ ભાજપને મતો આપ્યા, કારણ કે તેઓ વડા પ્રધાન તરીકે નરેન્દ્ર મોદીને ચાહતા હતા. તેમને ખબર છે કે નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન નથી બનવાના; માટે તેઓ મમતા બેનરજીના પક્ષને મત આપી શકે છે. ઓડિસ્સામાં પણ આવું જ બન્યું હતું. ગમે તે હોય, પશ્ચિમ બંગાળમાં ભારે રસાકસી થશે તે નક્કી છે. જો મમતા બેનરજી જીતશે તો તેઓ રાષ્ટ્રીય નેતા તરીકે ઊભરી આવશે અને હારી જશે તો તેમની રાજકીય કારકિર્દી ખતમ થઈ જશે તે નક્કી છે.
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.