Dakshin Gujarat

ચીંચલી ગામે બોર ઉતારવાનાં મુદ્દે ભાજપ અને કૉંગ્રેસનાં કાર્યકરો વચ્ચે રકઝક

SAPUTARA : ડાંગ ( DANG) જિલ્લાનાં આહવા તાલુકામાં સમાવિષ્ટ ચીંચલી ગામે બોર ઉતારવાનાં મુદ્દે ભાજપ ( BJP ) અને કૉંગ્રેસ ( CONGRESS) નાં કાર્યકરો વચ્ચે રકઝક થતા રિસાયેલા ભાજપાનાં કાર્યકરોએ ગામની પાણીની પાઇપ લાઇન તોડીને વેરવિખેર કરી નાખી હોવાનાં કૉંગ્રેસનાં તાલુકા સદસ્ય દ્વારા આક્ષેપો કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે.


પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં પૂર્વપટ્ટી વિસ્તારમાં આવેલા ચીંચલી ગામે ભાજપનાં કાર્યકર્તાઓ દ્વારા ગ્રામ પંચાયતની પાણીની પાઇપલાઇન તોડીને વેરવિખેર હાલતમાં ફેરવી નાખતા ભરઉનાળે સ્થાનિકોને વલખા મારવાની નોબત ઉઠી છે. ગતરોજ ચીંચલી ગામે ગ્રામ પંચાયતનાં 15માં નાણાપંચની જોગવાઈ હેઠળ બોરની ગાડી આવી હતી. જેમાં બોર ઉતારવાની જગ્યાને લઈ ગામનાં ભાજપ અને કોંગ્રેસનાં આગેવાનો સામસામે થઈ ગયા હતા અને બન્ને પક્ષો વચ્ચે રકઝક પણ થઈ હતી. અહી ભાજપનાં કાર્યકર્તાઓની માંગ હતી કે પોતાના ઘરે બોર ઉતારવામાં આવે જ્યારે ગ્રામજનોએ જણાવ્યું હતું કે જ્યાં સૌ કોઈપણ પાણી સહેલાઈથી મેળવી શકે તેવી જગ્યાએ જ બોર ઉતારવામાં આવે. આ રકઝક બાદ રોષે ભરાયેલા ભાજપનાં કાર્યકર્તાઓ પોતાની મનમાની ઉપર ઉતરી જઈ રાતોરાત ગ્રામ પંચાયતની પાઇપલાઇન તોડી ફોડીને વેરવિખેર હાલતમાં ફેરવી દીધી હતી.


આ બાબતે ચીંચલી તાલુકા પંચાયતના સદસ્ય વિજયભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે તેઓ દ્વારા ભાજપનાં કાર્યકરો અને ગ્રામજનો વચ્ચે મધ્યસ્થી કરતા ભાજપનાં કાર્યકર્તાઓ બોર ઉતારવાનાં મુદ્દે અને પાણી ઉપરથી વિફર્યા હતા અને રાતોરાત ગ્રામ પંચાયતની પાઇપ લાઈનને કુહાડી વડે તોડી નાખી હતી. જોકે વધુમાં તેઓ જણાવે છે કે ગામમાં પાણી પુરવઠાનાં સભ્યો પણ ભાજપનાં જ કાર્યકર્તાઓ હોઈ તેઓ ગામમાં પોતાની મનમાની ચલાવી રહ્યા છે. તેમજ ટાઇમસર લોકોને પાણી પુરૂ પાડતા નથી. આ ઉપરાંત ચીંચલી ગામમાંની 52 લાખની પાણી પુરવઠાની યોજના પણ ધૂળ ખાઈ રહી છે. હાલ ઉનાળો ચાલી રહ્યો છે. ત્યારે લોકોને પાણી માટે ભટકવુ પડે છે. તેઓની માંગ છે કે ગામમાં મનમાની ચલાવનાર ઈસમો ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે અને તોડી નાખેલ પાઇપલાઇનની ભરપાઈ કરવામાં આવે.


ભાજપના કાર્યકર્તાઓએ પાણીની લાઈન તોડી નથી, આક્ષેપો ખોટા છે: આહવા તા.પં.ના પ્રમુખ
આ બાબતે ચીંચલી ગામનાં ભાજપાનાં આગેવાન અને માજી આહવા તાલુકા પંચાયતનાં પ્રમુખ નિર્મળાબેન કિશનભાઈ બાગુલે જણાવ્યું હતું કે ચીંચલી ગામે બોર ઉતારવાનાં મુદ્દે ગ્રામજનોમાં થોડી ઘણી રકઝક થઈ હતી.પરંતુ ભાજપનાં કાર્યકર્તાઓએ પાણીની પાઇપલાઈન તોડી નથી. કોઈક ઈસમોએ પાણીની પાઈપલાઈન તોડી હશે. ચીંચલી ગામે કૉંગ્રેસનાં આગેવાનોએ ભાજપાનાં કાર્યકર્તાઓ ઉપર લગાવેલા આક્ષેપો તદ્દન પાયાવિહોણા છે. ભાજપ વિકાસને માને છે. વિનાશને નહી.

Most Popular

To Top