Columns

કડવા શબ્દો

એક માણસનો પોતાના પાડોશી સાથે ઝઘડો થયો અને તેણે પોતાના પાડોશીને ઘણા બધા ન બોલવાનાં કડવાં વેણ કહ્યાં.તે દિવસે રાત્રે તેને ઊંઘ ન આવી. તેણે વિચાર કર્યો કે હું આટલા બધા કડવા શબ્દો  બોલ્યો. પાડોશી સાથેનો આટલાં વર્ષો જૂનો નાતો પણ જોયો નહીં. મારી ભૂલ થઈ.  તે એક સંત પાસે જઈને કહેવા લાગ્યો, ‘‘ બાપજી, મારાથી ભૂલ થઈ છે. પાડોશી સાથે ઝઘડો થયો અને ઝઘડામાં મેં ન બોલવાનાં વેણ તેને કહી દીધાં. હું જે કડવા શબ્દો બોલ્યો છું તે પાછા વાળવાનો કોઈ ઉપાય મને બતાવો.’’ સંતે કહ્યું, ‘‘ તું એક કામ કર. આજે આખો દિવસ જેટલા બની શકે તેટલાં બધાં પીંછાંઓ ભેગાં કર અને તેને અમારા આશ્રમના બગીચામાં મૂકી દે.’’ માણસે પૂરી મહેનતથી પીંછાંઓ ભેગાં કર્યાં અને પીંછાંનો મોટો ઢગલો તેણે આશ્રમમાં બગીચામાં મૂકી દીધો. સંતે કહ્યું, ‘‘હવે તું કાલે આવજે.’’

બીજે દિવસે માણસ સંત પાસે ગયો અને કહ્યું, ‘‘બાપજી, હવે આગળ મારે શું કરવાનું છે?’’ સંતે કહ્યું, ‘ તેં કાલે જે પીંછાંનો ઢગલો મારા બગીચામાં મૂક્યો હતો તે બધાં જ ભેગાં કરીને અહીં લઈ આવ.’’ માણસ આશ્રમના બગીચામાં ગયો તો થોડાં ઘણાં પીંછાં પડ્યાં હતાં. બાકી બધાં પીંછાં આખા બગીચામાં અને બગીચાની બહાર પવન દ્વારા દૂર દૂર પણ ઊડી ગયા હતા. હવે તે બધાં જ પીંછાંને પાછાં ભેગાં કરવાં તો બહુ જ મુશ્કેલ હતાં.  માણસ સંત પાસે ગયો અને બોલ્યો, ‘બાપજી, બધાં પીંછાંઓ દૂર દૂર સુધી પવનની સાથે ઊડી ગયાં છે.

હવે તેમને હું કેવી રીતે ભેગાં કરું?’’ સંત બોલ્યા, ‘‘જેમ પીંછાંઓ ભેગાં કરવાં શક્ય નથી એવું જ બોલાયેલા શબ્દોનું છે. એક વાર બોલી લીધા પછી તેને ક્યારેય પાછા લઇ શકાતા નથી. બોલવા પહેલાં જ વિચારવું બહુ જરૂરી છે. આપણા બોલાયેલા શબ્દો સામેવાળાના મન પર ઘા કરી શકે છે અથવા તો મલમનું કે રાહતનું કામ પણ કરી શકે છે. આપણે કડવા શબ્દોનો ઘા કરી કોઈને કષ્ટ આપીએ છીએ તે શબ્દો દ્વારા કરાયેલા ઘા ક્યારેય રુઝાતા નથી અને આ ઘા જેટલું કષ્ટ સામેવાળાને આપે છે થોડા સમય પછી તે કષ્ટ દસ ઘણું થઈને આપણને મળે છે માટે એક એક શબ્દ બોલવામાં ધ્યાન રાખવું બહુ જરૂરી છે.

માણસે કહ્યું, ‘‘બાપજી, શું કરું?’’ સંતે કહ્યું,  ‘‘બોલાયેલા કડવા શબ્દો તો પાછા નહીં વાળી શકાય અને તે શબ્દો દ્વારા કરાયેલા ઘા પણ નહીં રૂઝાય. તું એક જ કામ કરી શકે છે. તું તારા પાડોશીની જઈને માફી માંગ અને સાથે ઈશ્વરની માફી માંગ. બસ, આ સિવાય તો કંઈ જ કરી શકતો નથી પણ હા,આજથી યાદ રાખજે કે બોલવા પહેલાં દસ વાર સો વાર વિચાર કરીને એક એક શબ્દ બોલજે અને કડવા શબ્દો તો બોલતો જ નહિ.’’ સંતે હકીકત સમજાવી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top