એક દિવસ નિશા પોતાની ઓફિસથી ઘરે આવી ત્યારે બહુ ગુસ્સામાં હતી.આવતાંની સાથે તેણે ગુસ્સામાં પર્સ ફેંક્યું.રસોડામાં જઈને ફટાફટ ચા મૂકી પછી કામવાળી બાઈને નજીવા કારણસર ખિજાઈ.ચા પી ને છોકરાઓને હોમવર્ક કરાવવા બેઠી અને પાંચ મિનિટમાં એકદમ ગુસ્સે થઇ ગઈ. નિશાનાં સાસુ કયારનાં આ બધું જોઈ રહ્યાં હતાં અને સમજી ગયાં હતાં કે ઓફિસમાં કોઈ કંઈ બોલ્યું હશે કે બોસ ખીજાયા હશે એટલે અત્યારે નિશા બધો ગુસ્સો ઘરના ઉપર કાઢી રહી છે.થોડી વાર તો સાસુ કંઈ બોલ્યાં નહિ. થોડી વાર પછી તેઓ નિશા પાસે ગયાં અને તેને પૂછ્યું, ‘શું થયું નિશા, બહુ ગુસ્સે થાય છે?’
સાસુને થોડી નરમાશથી નિશાએ કહ્યું, ‘મમ્મી, એક તો થાકી ગઈ છું અને મારું માથું પણ દુખે છે અને જુઓ ને આ છોકરાઓ એક વારમાં સમજાવું છે તે સમજતા જ નથી.’ સાસુ પોતાની રૂમમાં ગયાં અને હાથમાં દવા લઈને આવ્યાં અને બોલ્યાં, ‘આ લે નિશા, આ દવા ચાવી ચાવીને ખાઈ લે તો તારો માથાનો દુખાવો દૂર થઇ જશે.’ નિશાએ ચુપચાપ દવા મોઢામાં મૂકી અને ચાવવાની શરૂઆત કરી અને તેનું મોઢું એકદમ કડવું થઇ ગયું.તેણે દવા થૂંકી નાખી અને એકદમ ગુસ્સામાં બોલી, ‘મમ્મી, કેટલી કડવી દવા છે. આ કોઈ ચાવીને કઈ રીતે ખાઈ શકે?’ સાસુ બોલ્યાં, ‘બરાબર છે. તારી વાત કડવી દવાની ગોળી કોઈ ચાવી ના શકે એટલે તેને ગળી જ જવી પડે.તો તું એમ જ કર.’
નિશા બોલી, ‘મમ્મી તમે જ તો કહ્યું ચાવીને ખાજે.’ સાસુ હસ્યાં અને બોલ્યાં, ‘મને એમ કે તું કડવી ગોળી પણ ચાવીને ખાઈ શકતી હોઈશ.’ નિશાએ કહ્યું, ‘મમ્મી કેમ આમ કહો છો અને હસો છો?’ સાસુ બોલ્યાં, ‘વહુ દીકરા, જેમ કડવી દવાઓ આપણે ગળી જઈએ છીએ,ચાવીને ખાતાં નથી.બરાબર એ જ રીતે આપણા જીવનમાં કોઈ અપમાન થાય કે નિષ્ફળતા મળે કે કોઈ વિશ્વાસઘાત કરે તો તે કડવી વાતો, કડવા શબ્દો કે કડવી યાદોને સીધી ગળી જ જવી જોઈએ.જો કડવી ગોળીને ચાવીએ તો મોઢું કડવું થઇ જાય. તેમ જો કડવી વાતોને ચાવીએ એટલે કે યાદ કરતાં રહીએ તો જીવન કડવું થઇ જાય.
તું અત્યારે એમ જ કરી રહી છે.ઓફિસમાં કંઈ થયું હશે ,કોઈ કંઈ બોલ્યું હશે…તારું અપમાન થયું હશે તેનો ભાર મનમાં ભરી રાખીને અહીં તું ગુસ્સો કરી રહી છે, બધાને ખીજાઈ રહી છે અને તારા ઘરના વાતાવરણને કડવું બનાવી રહી છે. એટલે મને એમ કે તું કડવી દવા પણ ચાવી શકીશ સમજી.’ નિશા સાસુની વાત સમજી ગઈ. સાસુ રસોડામાંથી મધ લઈ આવ્યાં અને નિશાને આપતાં બોલ્યાં, ‘લે, આ મધ,મોઢાની કડવાશ જતી રહેશે અને તું પણ કડવી વાતો ગળી જા અને ભૂલી જા.ધીરજ રાખ, બધું સારું જ થશે.’નિશાના મન અને મુખની કડવાશ ગાયબ થઈ ગઈ.– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.