Editorial

બિટકોઇન ખરેખર પરપોટો જ પુરવાર થશે?

થોડા દિવસ પહેલા જ અહીં બિટકોઇન વિશે લખ્યું હતું અને ફરી લખવાનું થયું છે કારણ કે ક્રિપ્ટોકરન્સી બજારને ભારે ઉછાળનાર બિટકોઇન મોટા ઉછાળા પછી મોંભેર નીચે પછડાયો છે અને વિશ્વભરમાં ચર્ચાઓ જગાડનાર બિટકોઇન પરપોટો જ પુરવાર થશે કે કેમ? તેવી શંકાઓએ ફરી જોર પકડ્યું છે.

વિશ્વના મોટા ભાગના લોકો આ ક્રિપ્ટોકરન્સી વિશે અજાણ છે છતાં ડીજીટલ ચલણ કહેવાતા આ ચલણે વૈશ્વિક અર્થતંત્રમાં પોતાની નોંધપાત્ર હાજરી તો પુરાવી જ છે. વિશ્વભરના આ ક્રિપ્ટોકરન્સી માર્કેટનું કુલ મૂલ્ય પ્રથમ વખત ગયા શુક્રવારે વધીને ૧ ટ્રિલિયન ડૉલર પર પહોંચી ગયું હતું બિટકોઇનના ભાવમાં આવેલા મોટા ઉછાળાને કારણે આ શક્ય બન્યું. જો કે ૨૪ કલાકમાં જ આ બિટકોઇનનો ભાવ ખૂબ ગગડી જતાં રોકાણકારોના અબજો ડોલર ધોવાઇ ગયા.

ગત માર્ચ મહિનામાં બિટકોઇનની કિંમત ૩૮પ૦ ડોલર હતી તેમાં હાલમાં ૯૦૦ ટકાનો ઉછાળો નોંધાયો અને વિશ્વની આ અગ્રણી ક્રિપ્ટોકરન્સીનો ભાવ વધીને અત્યાર સુધીમાં પ્રથમ વખત ૪૦૦૦૦ ડૉલરને પાર ગયો અને ત્યારબાદ એક જ દિવસની અંદર ભાવ ગગડી ગયો. ૨૪ કલાકમાં તો બિટકોઇનનો ભાવ ૨૩ ટકા જેટલો ગગડી ગયો અને વિશ્વભરના રોકાણકારોના અબજો ડોલર ધોવાઇ ગયા. આના પરથી બિટકોઇનને પરપોટો ગણાવનાર વિશ્લેષકોની વાત સાચી જણાય છે.

બિટકોઇનનો ભાવ આટલો વધવાનું કારણ એ માનવામાં આવે છે કે કોરોનાવાયરસના રોગચાળાને પગલે વિશ્વના અનેક દેશોમાં લૉકડાઉન જેવા સખત નિયંત્રણોના પગલાઓ પછી કથળેલા અર્થતંત્રોને ટેકા માટે વિવિધ દેશોએ જાહેર કરેલા પ્રોત્સાહક પગલાંઓને કારણે ફુગાવો સર્જાવાના ભય વચ્ચે રોકાણકારોએ ક્રિપ્ટોકરન્સીમાં મોટા પાયે રોકાણ કર્યુ઼ છે.

બિટકોઇન વિક્રમી ઉંચાઇએ પહોંચ્યા બાદ વિશ્વના કુલ ક્રિપ્ટોકરન્સી બજારનું મૂલ્ય પ્રથમ વખત વધીને એક ખર્વ ડોલરની પાર ગયું. જેપી મોર્ગને એક નોંધમાં જણાવ્યું હતું કે બિટકોઇનનું મૂલ્ય ૧૪૬૦૦૦ ડોલરને પણ વટાવી શકે છે. અમેરિકી ડોલર નબળો પડવાને કારણે વધતા ફુગાવા વચ્ચે રોકાણકારો ક્રિપ્ટોકરન્સી તરફ વળ્યા હોવાનું મનાય છે.

ક્રિપ્ટોકરન્સી બજારમાં ઉછાળાનું એક કારણ એ પણ માનવામાં આવે છે કે રોકાણકારો વધતા જતા પ્રમાણમાં માને છે કે બિટકોઇન એક લાંબા ગાળા સુધી ટકી રહી શકે તેવી મિલ્કત છે તેથી તેઓ વધુ પ્રમાણમાં બિટકોઇનમાં રોકાણ કરી રહ્યા છે.

જો કે ૯૦૦ ટકાના ઉછાળા પછી થોડા જ કલાકોમાં બિટકોઇનના ભાવમાં જે મોટો કડાકો સર્જાયો તેનાથી ફરી એકવાર આ અગ્રણી ક્રિપ્ટોકરન્સીમાંથી રોકાણકારોનો વિશ્વાસ હચમચી ગયો હોય તે પુરું શક્ય છે. આપણે અગાઉ જ જોયું કે વિશ્વના મોટા ભાગના લોકોને આ ક્રિપ્ટોકરન્સી સાથે કોઇ નિસ્બત નથી તથા અનેક દેશોની સરકારોએ આ ક્રિપ્ટોકરન્સીને સત્તાવાર માન્યતા પણ આપી નથી, પરંતુ આમ છતાં તેના સોદાઓ અનેક દેશોમાં થઇ રહ્યા છે

.આ બિટકોઇનનો ભાવ ૪૦૦૦૦ ડૉલરની સપાટી વટાવી ગયા પછી ભારતીય ક્રિપ્ટો એક્સચેન્જોએ પોતાને ત્યાંના શંકાસ્પદ એકાઉન્ટો થિજાવી દીધા તે ઠીક કર્યું પણ ભારતમાં ક્રિપ્ટોકરન્સી બાબતે અંધાધૂંધીનો અંત લાવવો જરૂરી છે. નહીંતર પરપોટો કહેવાતા આ ચલણના સોદાઓ દેશના અર્થતંત્રને પણ હાનિ પહોંચાડી શકે. બિટકોઇન કે અન્ય કોઇ પણ ક્રિપ્ટોકરન્સીને સંપૂર્ણ વૈશ્વિક માન્યતા નહીં મળે ત્યાં સુધી સમજુ રોકાણકારો તેનાથી દૂર રહે તેમાં જ શાણપણ છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top