ગામના શેઠ ચંદ્રપ્રકાશના છ વર્ષના દીકરાને પંખીઓ પર બહુ પ્રેમ હતો. ઘણા બધા પંખી તેમના ઘરના આંગણામાં રમવા આવતા, ત્યારે તે પંખીઓ સાથે ભરપૂર રમતો… પંખીઓને ભરી ભરીને દાણા ખવડાવતો… પાણી પીવડાવતો અને દાણા ખાઈ પાણી પીને પંખીઓ ફર ફર ઉડી જતા. તે જોઈને નાનકડો દીકરો ખુશ ખુશ થઈ જતો. એક દિવસ દીકરાએ પિતા પાસે પોતાના મનની ઈચ્છા પ્રગટ કરતાં કહ્યું, ‘પિતાજી, શું હું આ ચકલી, કબૂતર, પોપટની જેમ ઉડી ના શકું?’ પિતાજીએ વ્હાલથી કહ્યું, ‘ના દીકરા એ પંખીઓને પંખ છે અને આપણને પંખ નથી એટલે આપણે ઉડી ન શકીએ.’ દીકરાએ કહ્યું, ‘પિતાજી, તો પછી હું ચકલી, કબૂતર, પોપટ સાથે હંમેશા માટે રમી શકું પણ તેઓ સાંજે ઉડી ન જાય અને મારી પાસે જ રહે અને મને મન થાય ત્યારે હું તેમની સાથે રમી શકું એવું કંઈ થઈ શકે?’
પિતાજીએ પોતાના લાડકા દીકરાની વાત સાંભળીને કહ્યું, ‘એવું થઈ શકે હું કાલે જ તારા માટે ચકલી, પોપટ, કબૂતર લઈ આવીશ.’ ચંદ્રપ્રકાશના પત્નીએ પૂછ્યું, ‘તમે દીકરાની આ ઈચ્છા કઈ રીતે પૂરી કરશો?’ શેઠ ચંદ્રપ્રકાશએ કહ્યું, ‘મારો દીકરો મારી પાસે જે વસ્તુ માંગે અને એ હું તેને ના આપું એવું કંઈ બને? હું બજારમાંથી ખાસ વધારે દામ આપીને પણ ચકલી, પોપટ અને કબૂતર ખરીદીને લઈ આવીશ.’
સાંજે ચંદ્રપ્રકાશ ઘરે આવ્યા તેમના હાથમાં ત્રણ પિંજરા હતા. તેમાં ચકલી, પોપટ અને કબૂતર ત્રણેય પંખીઓ ઉદાસ થઈને પિંજરામાં પુરાઈને ગુમસુમ બેઠા હતા. તેમને જોઈને પુત્ર બહુ રાજી થયો પણ તરત જ તેનો રાજીપો હવામાં ઊડી ગયો. પંખીઓને જોઈને તેણે કહ્યું, ‘પિતાજી આ પંખીઓ બહુ ઉદાસ કેમ છે?’ પિતાજીએ કહ્યું, ‘દીકરા, હમણાં તો નવા નવા મહેમાન છે. નવું પિંજરું છે, નવું વાતાવરણ છે. જોજે એક બે દિવસમાં હળી મળી જશે, પછી તારી સાથે રમશે, હસશે અને કુદશે પણ તને મજા આવશે.’
બીજે દિવસે ચંદ્રપ્રકાશ સાંજે કામથી આવ્યા તો ત્રણેય પિંજરા ખાલી હતા. પિંજરામાં ન ચકલી હતી, ન પોપટ, ન કબૂતર તેમણે પત્નીને પૂછ્યું, ‘પંખીઓ ક્યાં ગયા?’ પત્નીએ કહ્યું, ‘તમારા લાડલાને પૂછો મને નહીં…’ ચંદ્રપ્રકાશએ દીકરાને પૂછ્યું, ‘હું તારા માટે આ ચકલી, પોપટ અને કબૂતર લાવ્યો હતો તે ક્યાં ગયા?’ નાનકડા દીકરાએ કહ્યું, ‘પિતાજી, હું તેમને પિંજરામાં કેદ જોઈ શકતો ન હતો. પિંજરામાં તેઓ બહુ ઉદાસ હતા એટલે મેં તેમને ઉડાડી દીધા.’ ભોળા ભાવે સાચો જવાબ આપીને તે તો આકાશમાં ઉડતા પંખીઓને જોવા લાગ્યો. સાચી ખુશી જેને પ્રેમ કરીએ તેને ખુશ જોવામાં છે. પોતાની સાથે બાંધી રાખવામાં નહીં.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
