નવી દિલ્હી: ભારતના ગુજરાત (Gujarat) અને મહારાષ્ટ્ર (Maharastra) તરફ બિપરજોય વાવાઝોડું (Biparjoy Cyclone) ફંટાઈ રહ્યું છે. અરબ સાગરમાં સર્જાયેલા ચક્રવાત ‘બિપરજોય’ અતિપ્રચંડ બની શકે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ત્યારે સોમવારે બપોરે એક વાગ્યે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાવાઝોડા બિપરજોય અંગે સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં વાવાઝો઼ડાને પહોંચી વળવા માટેની તૈયારીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં NDRF સાથે જોડાયેલ એજન્સીઓ અને અધિકારીઓ આપત્તિ અને રાહત કામગીરીમાં સામેલ થશે.
ગુજરાત અને મહારાષ્ટ્ર તરફ આગળ વધતા વાવાઝોડુ વિકરાળ સ્વરૂપ પણ લઈ રહ્યું છે. ગુજરાત અને મહારાષ્ટ્રના દરિયામાં (Sea) ઉંચા મોજા ઉછળી રહ્યાં છે. ભારતીય હવામાન ખાતાએ ચેતવણી આપી છે કે આ વાવાઝોડાની અસર સાત રાજ્યોમાં જોવા મળશે. ઉપરાંત 15 જૂને ગુજરાતમાં 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પવન ફૂંકાવાની સાથે વરસાદ પડશે તેવું અનુમાન કરવામાં આવ્યું છે.
બિપરજોય વાવાઝોડું પોરબંદરથી 340 કિલોમીટર જ્યારે દ્વારકાથી 380 કિલોમીટર દૂર છે. હવે ધીમે ધીમે આગળ વધી રહ્યુ છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 15 જૂને વાવાઝોડું કચ્છના માંડવી અને પાકિસ્તાનના કરાચી વચ્ચે ટકરાઈ શકે છે. ત્યારે ગુજરાતના દરિયાકાંઠાના તમામ જિલ્લામાં વહીવટીતંત્ર એલર્ટ બન્યું છે. વાવાઝોડાંને લઈ કચ્છના કોટેશ્વર- નારાયણસરોવર મંદિર બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે. લોકોની સલામતી માટે જિલ્લા કલેક્ટર દ્વારા આગામી તા.13 થી 15 સુધી મંદિર બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે. દ્વારકા જિલ્લાની જવાબદારી ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીને સોપવામાં આવી હોય તેવો દ્વારકા પહોંચ્યા હતા. જ્યાં તેઓએ દ્વારકાધીશના દર્શન કર્યા હતા. જે બાદ તેઓએ ભક્તોને 16મી જૂન બાદ જ દ્વારકાનો પ્રવાસ કરવા વિનંતી કરી હતી.
બિપરજોય વાવાઝોડાંના ખતરાને પગલે સોમવારે જામનગરમાં NDRFની એક ટીમ તૈનાત કરવામાં આવી છે. જ્યારે વધુ એક NDRFની ટીમ જામનગર પહોંચી રહી છે. વલસાડના તિથલ બીચની પણ NDRFની ટીમે મુલાકાત લીધી હતી અને સ્થિતિની સમીક્ષા કરી હતી. બિપોરજોય વાવાઝોડાના પગલે NDRFની કુલ સાત ટીમ રાજકોટ, કચ્છ, મોરબી, જામનગર અને દ્વારકામાં તૈનાત કરાઈ છે. તેમજ ૩ ટીમ વડોદરામાં સ્ટેન્ડબાય રખાઇ છે. SDRFની 12 ટીમો પણ તૈનાત છે.
મુખ્યમંત્રીએ અલગ અલગ મંત્રીઓને દરિયાકિનારાના જિલ્લાઓની જવાબદારી સોંપી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અલગ અલગ મંત્રીઓને દરિયાકિનારાના જિલ્લાઓની જવાબદારી સોંપી છે. તેમજ વાવાઝોડાને ગંભીર લેતા જે મંત્રીઓને જવાબદારી સોંપવામાં આવી છે તે મંત્રીઓને તેમને સોંપેલા જિલ્લાઓમાં રાત્રે જ પહોંચી જવા આદેશ આપ્યો હતો. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આ વાવાઝોડાનો સામનો કરવા માટે તમામ પ્રકારની તૈયારી તંત્ર દ્વારા કરી દેવામાં આવી છે.
દ્વારકાના મંદિરમાં બે ધજા ચઢાવવામાં આવી
બિપોરજોય વાવાઝોડાંની શક્યતાને પગલે સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતના લોકોમાં ભય જોવા મળી રહ્યો છે. આવા સમયે હવે પ્રાર્થનાઓનો દોર શરૂ થયો છે. ધારાસભ્ય હિરા સોલંકીએ માછીમાર આગેવાનો સાથે દરિયા દેવને શાંત કરવા માટે વિધીવત પૂજા કરી હતી. જ્યારે બીજી તરફ દ્વારકામાં જ્યાં 4 નંબરનું સિગ્નલ આપવામાં આવ્યું છે ત્યારે ઈતિહાસમાં પ્રથમ વખત દ્વારકાધીશનાં મંદિરે 2 ધ્વજા એક સાથે ચઢાવાઈ હતી. 2 ધજા સાથે ચઢાવવાથી જગતનો નાથ બધા જ સંકટ પોતના માથે લઇ લે તેવી માન્યતા છે. આ માન્યતાના આધારે જ દ્વારકામાં બે ધજા ચઢાવવામાં આવી હતી જેથી કરી આ વાવાઝોડાનું સંકટ ટળી શકે અને ઓછી હાલાકી થાય.
રાજ્યના તમામ બંદરો પર ભયસૂચક સિગ્નલ લગાવી દેવામાં આવ્યાં
વાવાઝોડાના પગલે વહીવટીતંત્ર એકશન મોડમાં આવી ગયું છે. રાજ્યના તમામ બંદરો પર ભયસૂચક સિગ્નલ લગાવી દેવામાં આવ્યાં છે. હવામાન વિભાગે 15 અને 16 જૂનના રોજ કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકામાં વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર કર્યું છે. કચ્છમાં દરિયા કિનારાના વિસ્તારમાં સાવચેતીના ભાગરૂપે વહીવટીતંત્ર દ્વારા કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. જામનગર અને કચ્છના તમામ બંદર પર 10 નંબરનું સિગ્નલ લગાવાયું છે, જ્યારે પોરબંદરમાં નવ નંબરનું અતિભયસૂચક સિગ્નલ લગાવાયું છે. ભાવનગરના ઘોઘા બંદરે 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.