Sports

ક્રિકેટની દુનિયાનો કેસોનોવા ટીનો બેસ્ટનો દાવો : મારી 650 ગર્લફ્રેન્ડ રહી ચુકી છે

નવી દિલ્હી: હાલમાં લેજન્ડ્સ ક્રિકટ લીગ (Cricket League) રમવા માટે ભારતના (India) પ્રવાસે આવેલા વેસ્ટઇન્ડિઝના માજી ક્રિકેટર ટીનો બેસ્ટે પોતાની બાયોગ્રાફી (Biography) ‘માઈન્ડ ધ વિન્ડો – માય સ્ટોરી’માં લખ્યું છે કે તેણે અત્યાર સુધી 650થી વધુ મહિલાઓ સાથે રાત વિતાવી છે. વેસ્ટ ઈન્ડિઝના ક્રિકેટરોની જીવનશૈલી ખૂબ જ ચમકદાર રહી છે. હાલમાં પણ ઘણા એવા ક્રિકેટરો છે જેઓ પોતાની શાનદાર લાઈફસ્ટાઈલ માટે જાણીતા છે. માજી ઝડપી બોલર ટીનો બેસ્ટ તેમાંનો જ એક ક્રિકેટર છે. તેની બોલિંગ ઉપરાંત, ટીનો મેદાનની બહાર તેના વિચિત્ર સાહસો માટે જાણીતો હતો, જે તેણે તેની આત્મકથા ‘માઈન્ડ ધ વિન્ડો – માય સ્ટોરી’માં જાહેર કર્યું હતું. ટીનો બેસ્ટે તેના પુસ્તકમાં લખ્યું છે કે તેની 650થી વધુ ગર્લફ્રેન્ડ છે અને તેણે તે બધા સાથે રાત વિતાવી છે.
ટીનો બેસ્ટ હાલમાં ભારતના પ્રવાસે છે જ્યાં તે લિજેન્ડ્સ લીગ ક્રિકેટમાં ભાગ લઈ રહ્યો છે. આ ટુર્નામેન્ટમાં તે ભીલવાડા કિંગ્સ તરફથી રમી રહ્યો છે, જેની કેપ્ટન્સી ભારતનો માજી ઓલરાઉન્ડર ઈરફાન પઠાણ સંભાળે છે. ટીનોએ તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ ન્યૂઝીલેન્ડ સામે 2014માં રમી હતી. આવી સ્થિતિમાં ફરી એકવાર તે પોતાના પુસ્તકને લઈને ચર્ચામાં આવ્યો છે. તેનું પુસ્તક આ મહિનાના અંતે વેચાણ માટે ઉપલબ્ધ થશે પણ તેનો એક ભાગ ઓનલાઈન થઈ ગયો છે.

ટીનો બેસ્ટે પોતાની બાયોગ્રાફી ‘માઈન્ડ ધ વિન્ડો – માય સ્ટોરી’માં ઘણીવાતો જાહેર કરતાં લખ્યું કે લોકો મને બ્લેક બ્રાડ પિટ કહેતા હતા. ટીનો બેસ્ટ પોતાના પુસ્તકમાં જણાવે છે કે જ્યારે પણ તે વેસ્ટ ઈન્ડિઝની ટીમ સાથે ફોરેન ટૂર પર જતો ત્યારે ત્યાંની યુવતીઓ સાથે ખૂબ એન્જોય કરતો હતો. તેની કારકિર્દીમાં તેણે લગભગ 650 છોકરીઓ સાથે રાતો વિતાવી છે. ટીનો બેસ્ટ જ નહીં, ખેલાડીઓ પણ તેની સાથે આવું કરતા હતા.

ટીનોએ પોતાના પુસ્તકમાં લખ્યું છે કે, ‘હું ટીમ સાથે ફોરેન ટૂર પર છોકરીઓ સાથે વાત કરતો, ડેટ પર જતો અને તેમની સાથે રાત વિતાવતો. મેં સેંકડો છોકરીઓ સાથે આવું કર્યું. હું તેના વિશે બરાબર જાણતો પણ નથી.’ ટીનોએ પોતાના પુસ્તકમાં લખ્યું છે કે, ‘મને લાગે છે કે હું માથાની ટાલવાળી દુનિયાની સૌથી સુંદર કાળી વ્યક્તિ છું. એટલા માટે લોકો મને મજાકમાં બ્લેક પ્રાડ પીટ કહેતા હતા. હું છોકરીઓને પ્રેમ કરું છું અને છોકરીઓ મને પ્રેમ કરે છે.’ આ ઉપરાંત, તેણે પુસ્તકમાં તેની એક લવ ઇન્ટરેસ્ટ મેલિસા વિશે પણ જણાવ્યું છે, જેની સાથે તેની એક પુત્રી પણ છે.

મેદાન પર તેની આક્રમકતા માટે જાણીતો છે
ક્રિકેટમાં ફાસ્ટ બોલરને સામાન્ય રીતે ગુસ્સાવાળા સ્વભાવનો માનવામાં આવે છે. ટીનો બેસ્ટ પણ તેમાંથી એક હતો. ટીનો તેની કારકિર્દીમાં ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર એન્ડ્રુ ફ્લિન્ટોફ, પાકિસ્તાનના શાહિદ આફ્રિદી અને વેસ્ટ ઈન્ડિઝના કિરોન પોલાર્ડ સાથે ટકરાઈ ચૂક્યો છે. તેણે પોતાના પુસ્તકનું નામ મેચ દરમિયાન બનેલી એક ઘટના સાથે પણ જોડ્યું છે. વાસ્તવમાં 2004માં વેસ્ટ ઈન્ડિઝની ટીમ ઈંગ્લેન્ડના પ્રવાસે ગઈ હતી. આ પ્રવાસમાં ટીનો અને ફ્લિન્ટોફ વચ્ચે ખૂબ ઘર્ષણ થયું હતું. આ દરમિયાન ફ્લિન્ટોફે ટીનો પર માઇન્ડ ધ વિન્ડોઝ કહીને ટિપ્પણી કરી હતી અને બાદમાં તેણે ટીનોના પુસ્તકનો પ્રસ્તાવના લખી હતી.

Most Popular

To Top