વડોદરા: વડોદરા શહેરના લોકોના માથે હવે ચારે કોર રખડતા ઢોરો ત્રાસ મંડાયો છે.જે માર્ગ પરથી વહીવટી તંત્રના મહાનુભાવો પોતાની વૈભવી કારો લઈ પસાર થાય છે તેવા અનેક માર્ગો પર હાલમાં પણ રખડતા ઢોરો જોવા મળી રહ્યા છે. અજબડી મિલ રોડ તેમજ વારસિયા વિસ્તારમાં પણ માર્ગ પર અડીંગો જમાવી બેઠેલા ઢોરો પાલિકા તંત્રની કામગીરી સામે એક ખુલ્લો પડકાર ફેંકી રહ્યા છે.ત્યારે ઢોરમુક્ત વડોદરા ના કરવામાં આવેલા દાવા વધુ એક વખત ખોટા સાબિત થવા પામ્યા છે.
વડોદરા શહેરમાં રખડતા ઢોરોને પકડવા માટે શરૂ કરેલું અભિયાન માત્ર લોકમુકે અને કાગળ ઉપર સીમિત બન્યું હોય તેમ લાગી રહ્યું છે રખડતા ઢોરોને કારણે એક વિદ્યાર્થીએ પોતાની આંખ ગુમાવી, કેટલાકે જીવ ગુમાવ્યા તો કેટલાકને શરીરના ભાગોએ ગંભીર ઇજાઓ થઈ હતી. આવી અનેક ઘટનાઓ રખડતા ઢોરોને કારણે બની ગઈ છે.જોકે દેર આયે દૂરસ્ત આયેની કહેવતમાં માનતા પાલિકાના સ્માર્ટ શાસકો જ્યાં સુધી કોઈ અકસ્માત ના થાય કોઈ વિવાદ ન સર્જાય ત્યાં સુધી શાસકો પોતાની આળસ મરોડવા ટેવાયેલા નથી. રખડતા ઢોરોનો ત્રાસ શહેરમાં દિન પ્રતિદિન વધી રહ્યો છે.બીજી તરફ વરસાદી માહોલ જામ્યો છે.આવા સમયે જાહેર માર્ગો પર વરસાદી પાણી અને તેવામાં પણ માર્ગો પર રખડતા ઢોરો આડે આવતા અનેક વાહનચાલકો ના જીવને જોખમ ઉભું થયુ છે.
રખડતા ઢોરોના કારણે જેણે પોતાનું સ્વજન ગુમાવ્યું છે તેવા પરિવારો આજે પણ વડોદરાની નબળી નેતાગીરી અને સ્માર્ટની સામે છુપો રોષ વ્યક્ત કરી રહ્યા છે.પરંતુ રાજકીય કાર્યક્રમો અને ખોટી નામના મેળવવા અને પ્રશંસા કેળવવા ટેવાયેલા મહાનુભાવોના પેટનું પાણી હાલતું નથી. આજે પણ શહેરના જુદા જુદા માર્ગો પર અનેક વિસ્તારોમાં રખડતા ઢોરો નજરે પડે છે. ત્યારે તે વિસ્તારમાં રહેતા સ્થાનિક રહીશોને ભયના ઓથા હેઠળ વાહન લઇને પસાર થવાની ફરજ પડી રહી છે.
આજે પણ શહેરના અજબડી મિલ રોડ ઉપર રખડતા ઢોરો જોવા મળ્યા હતા તો બીજી તરફ ભારતસિયા વિસ્તારમાં જાહેર માર્ગ ઉપર ઢોરોનો અડીંગો જામતા ટ્રાફિકને અવરોધરૂપ તેમજ વિસ્તારમાં શાળાઓ આવેલી છે. તેમાં અભ્યાસ કરવા જતા બાળકોને પણ જીવને જોખમ રહેલું છે.અગાઉ પણ કેટલાય નિર્દોષ નાગરિકો રખડતા ઢોરોને કારણે અકસ્માતનો ભોગ બનવા પામ્યા છે છતાં પણ વહીવટી તંત્ર દ્વારા અત્યાર સુધીમાં કોઈપણ પ્રકારે કોઈ કડક કાર્યવાહી કરવામાં નહીં આવતા આજે પણ શહેરમાં રખડતા ઢોરોનું રાજ જોવા મળી
રહ્યું છે.