ગાંધીનગર: એક તરફ રાજય સરકાર મહોત્સવો અને સરકારી કાર્યક્રમો પાછળ કરોડો રૂપિયા ખર્ચી રહી છે ત્યારે રાજયની સુરક્ષા માટે દિવસ – રાત કામ કરી રહેલી પોલીસ માટે પગારની ગ્રાન્ટ નહીં હોવાની વિગતો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જતાં રાજય સરકાર મૂંઝવણ ભરી સ્થિતિમાં મૂકાઈ જવા પામી હતી. ખાસ કરીને ગુજરાત કોંગ્રેસે આજે રાજય સરાકરની આકરી ટીકા કરી હતી.
કોંગ્રેસના પ્રવકત્તા ડૉ. મનીશ દોશીએ કહ્યું હતું કે, આ ઘટના રાજય સરકારનો દિવાળીયા વહીવટનો વધુ એક પુરાવો છે. રાજય સરકારનું 4 લાખ કરોડનું દેવું ગુજરાત પર થયું છે ત્યારે હવે રાજ્યની સુરક્ષા અને કાયદો વ્યવસ્થા સાચવવા કામ કરતી પોલીસનો પગાર મોડો થવાનો છે. પોલીસના તમામ કર્મચારીઓ/અધિકારીઓને જણાવવાનું કે, ગ્રાન્ટના અભાવે ડિસેમ્બર માસનો પગાર થવામાં વિલંબ થશે. રાજયમાં 1 લાખ ગુજરાત પોલીસ છે, પગાર કરવાની ગ્રાન્ટની અભાવ હોવાનો મામલો સામે આવ્યો છે. રાજ્યની તમામ પોલીસ કચેરીઓ ડિસેમ્બર 2025ના પગાર બીલો સમય સર કરી શકાય તેમ નથી તેવો પરિપત્ર જારી કરવામાં આવ્યો છે. પોલીસના પગારની ગ્રાન્ટનો અભાવ કેવી રીતે આવ્યો? તિજોરી પરનું ભારણ શું ? સરકારે આ બાબતે ખુલાસો કરવો જોઈએ. રાજય સરકારના કેબિનેટ પ્રવકત્તા જીતુ વાઘાણીએ કહ્યું હતું કે, સમગ્ર બાબત ડે સીએમ હર્ષ સંઘવીના ધ્યાને આવી છે, તેઓ પગલા લઈ રહ્યા છે. આ બાબતનો ઉકેલ આવી જશે.