જો કોઈ પણ ચીજની ડિલિવરી લીધા સિવાય તેનો વેપાર કરવામાં આવે તો તેને સટ્ટો કહેવાય. બિટકોઈન અને ડોગકોઈન જેવી ક્રિપ્ટોકરન્સી કોમોડિટી કહેવાય કે નહીં? તે વિવાદનો મુદ્દો છે. કોઈ પણ ક્રિપ્ટોકરન્સીને આપણે હાથ વડે સ્પર્શ કરી શકતા નથી કે આંખ વડે જોઈ શકતા નથી. ક્રિપ્ટોકરન્સી માત્ર કોમ્પ્યુટરનું સોફ્ટવેર છે, પણ તેના ભાવો સતત વધી રહ્યા હોવાથી તે રોકાણકારોમાં ફેવરિટ છે. અત્યારે મોટા ભાગની ક્રિપ્ટોકરન્સીની માલિકી પ્રાઇવેટ છે. સરકારનો તેના પર કોઈ કાબૂ નથી, જેને કારણે તેનો ફુગાવો થવાની સંભાવના બહુ ઓછી છે. હવે પ્રાઇવેટ ક્રિપ્ટોકરન્સી સામે વિવિધ દેશોની સરકારો પોતાની છાપ સાથેની ક્રિપ્ટોકરન્સીઓ બજારમાં લાવી રહી છે. ચીને તેનો પ્રારંભ પણ કરી દીધો છે. જો સરકારની ક્રિપ્ટોકરન્સી તરફ લોકોને વાળવા હોય તો પ્રાઇવેટ ક્રિપ્ટોકરન્સીને તોડવી પડે. વિવિધ દેશોની સરકારો તે બાબતના કાયદાઓ બનાવી રહી છે. તેને કારણે ક્રિપ્ટોકરન્સીના માર્કેટમાં ગભરાટ પેદા થયો છે. તેના ભાવોમાં મોટાં ગાબડાં પડી રહ્યાં છે. તેને કારણે મોટા ભાગની ક્રિપ્ટોકરન્સીના ભાવોમાં ૪૦ ટકાનો ઘટાડો થયો છે.
ચલણમાં સરકારી ક્રિપ્ટોકરન્સી લાવનારા દેશોમાં ચીન અગ્રણી છે. બુધવારે ચીને જાહેર કર્યું કે તે બેન્કો તેમ જ નાણાં સંસ્થાઓ દ્વારા થતી પ્રાઇવેટ ક્રિપ્ટોકરન્સીની લેવડદેવડ પર પ્રતિબંધ મૂકશે. આ જાહેરાતને પગલે ક્રિપ્ટોકરન્સીમાં ૬૦૦ અબજ ડોલરનું ગાબડું પડી ગયું હતું. ચીની સરકારે તો જાણે રોકાણકારોના હિતની ચિંતા હોય તેમ નિવેદન બહાર પાડ્યું હતું કે ક્રિપ્ટોકરન્સીમાં મોટા પાયા પર સટ્ટો ચાલતો હોવાથી રોકાણકારોની સંપત્તિનું ધોવાણ થવાની સંભાવના છે. આ નિવેદનને કારણે જ રોકાણકારોની સંપત્તિનું ધોવાણ ચાલુ થઈ ગયું છે. લોભિયાઓ હોય ત્યાં ધૂતારાઓ ભૂખે મરતા નથી. અહીં તો ચીનની સરકાર જ ધૂતારાની ભૂમિકા ભજવી રહી છે. સરકાર પોતાની ક્રિપ્ટોકરન્સીની ડિમાન્ડ વધારવા માટે પ્રાઇવેટ માર્કેટ તોડી રહી છે.
બિટકોઈન નામની સૌથી જાણીતી ક્રિપ્ટોકરન્સી જ્યારે તરતી મૂકવામાં આવી હતી ત્યારે તેનો ભાવ એક ડોલર જેટલો હતો. જોતજોતામાં તેનો ભાવ ૬૦,૦૦૦ ડોલર પર પહોંચી ગયો હતો. બિટકોઈનનો પુરવઠો મર્યાદિત હોવાથી તેનો ભાવ સતત વધ્યા કરતો હતો. તેમાં ટેસ્લોના માલિક એલન મસ્કે એક નિવેદન બહાર પાડ્યું કે બિટકોઇનથી પર્યાવરણને નુકસાન થાય છે કે તરત તેના ભાવો ગગડવા મંડ્યા હતા. ચીની સરકારના નિવેદને પડતાને પાટુ મારવાનું કામ કર્યું હતું. બિટકોઈન ગબડીને ૩૦,૦૬૬ ડોલર પર પહોંચી ગયો હતો. ચીની સરકારે ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ ન કરવાનું કારણ આપ્યું હતું કે તેને કોઈ કિંમતી ધાતુનો ટેકો નથી. આ વાત અમેરિકાના ડોલરને, ચીનના યુઆનને અને ભારતના રૂપિયાને પણ લાગુ પડે છે. તેમાંથી કોઈની સામે સેન્ટ્રલ બેન્ક દ્વારા સોનું કે ચાંદી મૂકવામાં આવતા નથી. તો પણ સરકાર પરના વિશ્વાસને આધારે તે ચાલે છે.
એલન મસ્ક જેવા ઉદ્યોગપતિ બિટકોઈનને નચાવી રહ્યા છે. ફેબ્રુઆરી મહિનામાં તેમણે બિટકોઈન ખરીદીને તેની જાહેરાત કરી તેને પગલે બિટકોઈનના ભાવો વધવા લાગ્યા હતા. તે વધીને ૬૪,૮૭૦ ડોલરની ઐતિહાસિક સપાટીએ પહોંચી ગયા હતા. તાજેતરમાં મસ્કે ટ્વિટ કરીને કહ્યું હતું બિટકોઇન પેદા કરવામાં જે ઊર્જાનો વ્યય કરવામાં આવે છે તે ગાંડપણ છે. તેમણે એવો નિર્દેશ પણ આપ્યો હતો કે ટેસ્લાની ઇલેક્ટ્રિક કાર ખરીદવા માટે કદાચ બિટકોઈન સ્વીકારવામાં આવશે નહીં. તેને પગલે બિટકોઈનમાં ૩૦ ટકાનો કડાકો બોલી ગયો હતો. વિશ્વના ધનકુબેરો અને દુનિયાની સરકારો જે રીતે ક્રિપ્ટોકરન્સીને નચાવી રહ્યા છે તે જોતાં તેમાં સલામતી જણાતી નથી.
તાજેતરમાં જગતની ક્રિપ્ટો માર્કેટમાં જે કડાકો બોલી ગયો છે તે જોઈને કેટલાક રોકાણકારોને લાગતું હશે કે જો ૩૦,૦૦૦ ડોલરમાં બિટકોઈન મળતો હોય તો લઈ લેવો જોઈએ. તેમણે ધ્યાન રાખવું જોઈએ કે જો ભારત સરકાર દ્વારા પ્રાઇવેટ ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ મૂકવામાં આવે તો તેના ભાવો હજુ ગગડી શકે છે. થોડા સમય પહેલાં ભારતની રિઝર્વ બેન્કે ખાનગી ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ મૂક્યો ત્યારે બિટકોઈનના ભાવો ગગડી ગયા હતા. તેની સામે કોઈએ સુપ્રિમ કોર્ટમાં જાહેર હિતની અરજી કરી હતી. સુપ્રિમ કોર્ટે પ્રતિબંધ ઉઠાવી લીધો ત્યારે બિટકોઈનના ભાવો વધવા લાગ્યા હતા. હવે ભારતની રિઝર્વ બેન્ક સરકારી ક્રિપ્ટોકરન્સી લાવી શકે તેવો કાયદો સંસદમાં પસાર થઈ ગયો છે. તેને કારણે સરકાર સામે બિટકોઈનની હરીફાઈ પેદા થઈ છે. જો ભારત સરકાર કાયદો કરીને ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ મૂકશે તો બજાર કડડભૂસ થઈ જશે.
બિટકોઈન એક જાતની ડિજિટલ કરન્સી છે, જે બ્લોકચેઇન ટેકનોલોજી વડે પેદા કરવામાં આવે છે. બિટકોઈન સરકારની પહોંચની બહાર હોવાથી બે નંબરના નાણાંનો સંગ્રહ કરવા માટેનું ઉત્તમ માધ્યમ માનવામાં આવે છે. ગેરકાયદે ડ્રગ્સના અને શસ્ત્રોના સોદાગરો પણ ચલણ તરીકે બિટકોઈનનો ઉપયોગ કરે છે. બિટકોઈનના ભાવો ડોલર સાથે સંકળાયેલા હોય છે. અમેરિકાની બેન્કોમાં જો બિટકોઈન જમા કરવામાં આવે તો તેનું ડોલરમાં રૂપાંતર કરી આપવામાં આવે છે. બિટકોઈનનો સંગ્રહ ડિજિટલ લોકરમાં કરવામાં આવે છે. તેને હેક કરી શકાતું નથી. વળી કોઈ શોર્ટ કટનો ઉપયોગ કરીને પણ બિટકોઈન પેદા કરી શકાતા નથી. જાણકારો કહે છે કે દુનિયામાં આજની તારીખમાં કુલ ૧.૮૭ કરોડ બિટકોઈન જ છે. વધુમાં વધુ ૨.૧ કરોડ બિટકોઈન જ પેદા કરી શકાય તેમ છે. મતલબ કે હજુ ૨૩ લાખ બિટકોઈન પેદા કરી શકાય તેમ છે. ત્યાર બાદ બિટકોઈનનું ઉત્પાદન બિલકુલ બંધ થઈ જશે. જો તેની ડિમાન્ડ વધે તો ભાવ હજુ વધી શકે છે. બિટકોઈનથી પર્યાવરણને નુકસાન થાય છે કે નહીં? તેનો વિવાદ પણ જોર પકડી રહ્યો છે.
કોમ્પ્યુટર વડે જો બિટકોઈનનું ઉત્પાદન કરવું હોય તો ચિક્કાર વીજળીનો વપરાશ થાય છે. જાણકારો કહે છે કે બિટકોઈનના ઉત્પાદકો દ્વારા એક મોટા શહેરને જરૂરી હોય તેટલી વીજળી વપરાય છે. તેમના કહેવા મુજબ શ્રીલંકા જેવા દેશને પૂરી પડી રહે તેટલી વીજળી માત્ર બિટકોઈનનું માઇનિંગ કરવામાં વપરાઈ જાય છે. બિટકોઈનના સમર્થકો કહે છે કે બિટકોઈન દ્વારા વાપરવામાં આવતી ૩૩ ટકા વીજળી પર્યાવરણને નુકસાન ન કરે તેવી હોય છે. તેમના કહેવા મુજબ સોનાનું કે ચાંદીનું માઇનિંગ કરવા માટે જેટલી ઊર્જા વપરાય છે તેનાથી બિટકોઈનમાં ઓછી ઊર્જા વપરાય છે. જો કે બિટકોઈન લોકોની લાગણી પર ચાલતું હોવાથી એલન મસ્ક જેવા ઉદ્યોગપતિ નેગેટિવ સ્ટેટમેન્ટ કરે તેને પગલે લોકોમાં ગભરાટ ફેલાઈ જાય છે અને બિટકોઈન ગબડી જાય છે.
બિટકોઈનની શોધ ૨૦૦૯ માં સતોશી નાકામોટો નામના સોફ્ટવેર એન્જિનિયરે કરી હતી. કેટલાક લોકો માને છે કે સતોશી નામનો કોઈ માણસ હતો જ નહીં, પણ એક જૂથના સાહસિકો તે નામે બિટકોઈનનું ઉત્પાદન કરતા હતા. આજે સતોશી જીવતો છે કે નહીં? તેની કોઈને જાણ નથી. વર્તમાનમાં સમગ્ર ક્રિપ્ટોકરન્સીનું માર્કેટ ૧૫૦૦ અબજ ડોલરનું છે. તેની સરખામણીમાં સ્ટોક માર્કેટ ૪૬,૯૦૦ અબજ ડોલરનું છે. માટે ક્રિપ્ટોકરન્સી તૂટે તો પણ જગતમાં આફત આવવાની નથી, પણ જેમણે તેમાં મોટું રાકણ કર્યું છે તેમના ભુક્કા બોલી જાય તેવી સંભાવના છે.
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.