બીલીમોરા : (Billimora) 26 વર્ષની પરિણીતા તેના મુંબઈ મલાડ સાસરેથી નીકળીને સુરત પિયરમાં રહેતા પિતાના ખબર અંતર પૂછવા આવ્યા બાદ હનુમાન મંદિરે જવાનું કહીને સુરતથી 65 કિલોમીટર દૂર બીલીમોરા પાસેના દેવધા (Devdha)ડેમમાંથી (Dam) તેનો રહસ્યમય સંજોગોમાં મૃતદેહ (Dead Body) મળી આવતા ચકચાર મચી જવા પામી છે. લગ્નના ફક્ત ત્રણ મહિનામાં પરિણીતનો રહસ્યમય સંજોગોમાં ડેમમાંથી મૃત્યુદેહ મળી આવતા પોલીસે તેનું ફોરેન્સિક પીએમ કરાવવાની કાર્યવાહી કરી રહી છે.
- દેવધા ડેમમાંથી તેનો રહસ્યમય સંજોગોમાં મૃતદેહ મળી આવતા ચકચાર
- પૂર્વી પિતાને મળવા મલાડથી સુરત આવી હતી.
- પોલીસે ફોરેન્સિક પીએમ કરવાની તજવીજ હાથ ધરી
ઘરેથી મંદિરે જાઉં છું એવું કહીને ગયા બાદ પરત ફરી ન હતી
ગણદેવી તાલુકાના હાથિયાવાડી ગામની અને હાલ સુરત રહેતા હરીશભાઈ રતિલાલ પટેલની 26 વર્ષીય પુત્રી પૂર્વીના લગ્ન મલાડમાં રહેતા સુરેશચંદ્ર સોમાભાઈ મિસ્ત્રીના સુપુત્ર દર્શનકુમાર સાથે જ્ઞાતિના રીત રિવાજ મુજબ થયા હતા. પૂર્વીનો પતિ દર્શનકુમાર મુંબઈની એચડીએફસી બેન્કમાં કર્મચારી છે. પૂર્વીના પિતા હરીશભાઈ પટેલની તબિયત સારી નહીં હોવાથી પુત્રી પૂર્વી પિતાને મળવા મલાડથી સુરત આવી હતી. શુક્રવારે પૂર્વી ઘરેથી હનુમાન મંદિરે જાઉં છું એવું કહીને ગયા બાદ પરત ફરી ન હતી. જેનો મૃત્યુદેહ રહસ્યમય સંજોગોમાં બીજા દિવસે શનિવારે બીલીમોરા નજીકના દેવધા ડેમમાંથી મળી આવ્યો હતો. ડેમ નજીક મચ્છીમારી કરતાં લોકોએ મહિલાનો મૃત્યુદેહ પાણીમાં જોતા ગામના સરપંચ જીગર પટેલને જાણ કારી હતી.
મૃત્યુદેહને બીલીમોરાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
મરનાર મહિલાના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થતા પૂર્વીના સુરત રહેતા મોટાભાઈ સાગર પટેલે જોતા તેમણે તેના બનેવી સુરેશચંદ્રને બનાવની જાણ કરી અને પોતે બીલીમોરા પોલીસ સ્ટેશન આવ્યા હતા, જ્યાં તેમણે મરનાર તેની નાની બહેન પૂર્વી હોવાનું પોલીસને જણાવ્યું હતું. પતિ દર્શનકુમાર પણ બીલીમોરા પોલીસ સ્ટેશન આવ્યા હતા. જ્યાં પતિ અને તેના ભાઈની પોલીસ દ્વારા પૂછપરછ કરાઈ રહી છે, પણ હજી સુધી કોઈ કડી પોલીસના હાથે લાગી નથી. આમ લગ્નના ફક્ત ત્રણ મહિનામાં જ પરિણીતા તેના સુરત પિયરેથી મંદિરે જવાનું કહીને 65 કિલોમીટર દૂર બીલીમોરા નજીકના દેવધા ડેમમાંથી તેનો મૃત્યુદેહ મળી આવતા પોલીસે ફોરેન્સિક પીએમ કરવાની તજવીજ હાથ ધરી છે.