અમેરિકામાં વિદેશી કુશળ કામદારો માટે મહત્વપૂર્ણ ગણાતો H-1B વિઝા કાર્યક્રમ બંધ કરવાની દિશામાં મોટી કાર્યવાહી શરૂ થઈ હોવાના સંકેત મળી રહ્યા છે. અમેરિકાની સંસદમાં એક નવું બિલ રજૂ કરવામાં આવ્યું છે, જેમાં H-1B વિઝા પ્રોગ્રામને સંપૂર્ણપણે સમાપ્ત કરવાની જોગવાઈ સૂચવવામાં આવી છે. જો આ બિલ કાયદા સ્વરૂપે પસાર થાય છે, તો તેનો સૌથી મોટો પ્રભાવ ભારતીય સહિત અનેક વિદેશી વ્યાવસાયિકો પર પડી શકે છે.
આ પ્રસ્તાવિત બિલનું નામ Ending Exploitative Imported Labour Exemptions Act (EXILE Act) રાખવામાં આવ્યું છે. ફ્લોરિડાના રિપબ્લિકન સાંસદ ગ્રેગ સ્ટ્યૂબે દ્વારા આ બિલ રજૂ કરવામાં આવ્યું છે. બિલ હેઠળ ઇમિગ્રેશન અને નેશનાલિટી કાયદામાં ફેરફાર કરીને H-1B વિઝા કાર્યક્રમને કાયમ માટે બંધ કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. ગ્રેગ સ્ટ્યૂબેના જણાવ્યા મુજબ, અમેરિકન નાગરિકોના હિતોને બાજુ પર રાખીને વિદેશી કામદારોને પ્રાથમિકતા આપવી દેશના મૂલ્યો અને રાષ્ટ્રીય હિતોને નુકસાન પહોંચાડે છે. બિલના સમર્થકોનું માનવું છે કે ઘણી કંપનીઓ H-1B વિઝાનો દુરુપયોગ કરીને વિદેશી કામદારોને ઓછા પગાર પર નોકરી આપે છે, જેના કારણે સ્થાનિક અમેરિકન કામદારોને નુકસાન થાય છે. તેમનું કહેવું છે કે દેશમાં ઘણા યુવાન અને કુશળ અમેરિકન નાગરિકો બેરોજગાર છે, ત્યારે વિદેશી કામદારોને વધુ મહત્વ આપવું યોગ્ય નથી.
H-1B વિઝા મુખ્યત્વે ઉચ્ચ કુશળતા ધરાવતા વિદેશી વ્યાવસાયિકોને આપવામાં આવે છે. ખાસ કરીને ટેકનોલોજી, આઈટી, એન્જિનિયરિંગ, હેલ્થકેર અને વૈજ્ઞાનિક સંશોધન જેવા ક્ષેત્રોમાં તેનો વ્યાપક ઉપયોગ થાય છે. આ વિઝા સામાન્ય રીતે ત્રણ વર્ષ માટે માન્ય હોય છે અને તેને વધારી શકાય છે. ઘણા વિદેશી કામદારો માટે H-1B વિઝા અમેરિકામાં સ્થાયી વસવાટ, એટલે કે ગ્રીન કાર્ડ મેળવવાનો માર્ગ પણ બને છે. જો આ બિલ કાયદામાં રૂપાંતરિત થાય છે, તો વર્ષ 2027 સુધીમાં H-1B વિઝા પ્રોગ્રામ સંપૂર્ણપણે બંધ થવાની શક્યતા છે. ત્યારબાદ નવા H-1B વિઝા જારી કરવાની પ્રક્રિયા બંધ થઈ શકે છે. આ નિર્ણયથી ખાસ કરીને ભારતીય વ્યાવસાયિકો પર ગંભીર અસર પડી શકે છે, કારણ કે H-1B વિઝા મેળવનારાઓમાં સૌથી મોટો હિસ્સો ભારતીય નાગરિકોનો છે.
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ડોનાલ્ડ ટ્રમ્પે એક ઘોષણાપત્ર પર હસ્તાક્ષર કર્યા હતા, જેમાં H-1B વિઝા કાર્યક્રમના દુરુપયોગને રાષ્ટ્રીય સુરક્ષાને ખતરો ગણાવ્યો હતો. આ ઘોષણાપત્ર હેઠળ નવા H-1B વિઝા પર 100,000 ડોલરની ફી લાદવાની જોગવાઈ કરવામાં આવી હતી. આ નિર્ણયના પરિણામે ભારતીય વ્યાવસાયિકોમાં વ્યાપક ગભરાટ અને ચિંતા ફેલાઈ હતી. નિવેદનમાં જણાવાયું હતું કે H-1B વિઝા મેળવનારાઓમાં 80 ટકાથી વધુ ભારતીય અથવા ચીની નાગરિકો છે.
હાલમાં EXILE એક્ટ માત્ર પ્રસ્તાવના સ્તરે છે અને તેને કાયદા બનવા માટે સંસદની વિવિધ સમિતિઓ, સેનેટ અને અંતે રાષ્ટ્રપતિની મંજૂરી જરૂરી રહેશે. તેમ છતાં, આ બિલના કારણે H-1B વિઝા અંગે અનિશ્ચિતતા વધી ગઈ છે. છેલ્લા કેટલાક વર્ષોથી અમેરિકાની ઇમિગ્રેશન નીતિઓ વધુ કડક બની રહી છે, જેમાં વધેલી ફી, કડક તપાસ અને અરજી પ્રક્રિયામાં વધારાની શરતોનો સમાવેશ થાય છે. આ પ્રસ્તાવના કારણે વૈશ્વિક સ્તરે કામ કરતા વ્યાવસાયિકોમાં ચિંતા જોવા મળી રહી છે. ખાસ કરીને ભારતીય ટેક પ્રોફેશનલ્સ માટે આ સમાચાર મોટો ઝટકો માનવામાં આવી રહ્યા છે. જો આ નિર્ણય અમલમાં આવે છે, તો અમેરિકાની ટેક ઉદ્યોગ અને આંતરરાષ્ટ્રીય કાર્યબળ વ્યવસ્થાપન પર પણ તેની વ્યાપક અસર થવાની શક્યતા છે.