નવી દિલ્હી: બિલ્કિસ બાનો કેસમાં (Bilkis Bano Case) ગુજરાત સરકારે 15 ઓગસ્ટ, 2022ના દિવસે 11 આરોપીઓને મુક્ત કરી દીધા હતા તેની સામે વાંધો ઉઠાવી આ કેસ દાખલ કરાયો હતો. આ કેસ અંગે આજે સુનાવણી સંભળાવવામાં આવી હતી. જેમાં સુપ્રિમ કોર્ટે ગુજરાત સરકારને ઝાટકી હતી. તેમજ પૂછયું હતું કે શા માટે આ આરોપીઓને જલ્દી છોડી દેવામાં આવ્યાં હતા? આ ઉપરાંત કોર્ટે કહ્યું કે જે ધટનાનો ભોગ બિલ્કિસ બની તે કાલે કોઈ બીજું પણ બની શકે છે. કેન્દ્ર અને ગુજરાત સરકારે શા માટે આરોપીઓને જલ્દી છોડી દીધા તે સંબંધમાં કોર્ટે ફાઇલો રજૂ કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત કહ્યું હતું કે જો તમે ગુનેગારોને મુક્ત કરવાનાં કારણો નહીં આપો, તો અમે અમારા પોતાના નિષ્કર્ષ કાઢીશું.
ઠપકો આપ્યા બાદ હવે બિલકિસ બાનો કેસમાં દોષિતોની મુક્તિ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીઓ પર હવે 2 મેના રોજ બપોરે 2 વાગ્યે સુનાવણી થશે. મંગળવારે ગુજરાત સરકારે રિલીઝ સંબંધિત ફાઇલ બતાવવાના આદેશનો વિરોધ કર્યો હતો. રાજ્ય સરકારે સુનાવણી દરમિયાન દલીલ કરી હતી કે દોષિતોને સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર જ મુક્ત કરવામાં આવ્યા હતા. કેન્દ્ર અને ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે તેઓ બિલકિસ બાનો કેસમાં દોષિતોને અપાયેલી ઇમ્યુનિટી સંબંધિત ફાઇલો મંગાવવાના સુપ્રીમ કોર્ટના અગાઉના આદેશને પડકારી શકે છે.
કોર્ટે ગુજરાત સરકારને ચેતવણી આપી હતી અને કહ્યું હતું કે વારંવાર વિનંતી કરવા છતાં, ગુજરાત સરકાર આજીવન દોષિતોની અકાળે મુક્તિના રેકોર્ડ્સ અમારી સમક્ષ લાવી રહી નથી. જો મંગળવારે આ માટેના રેકોર્ડ રજૂ કરવામાં ન આવે તો કોર્ટના તિરસ્કાર માટે કાર્યવાહી કરવામાં આવશે.
જસ્ટિસ કેએમ જોસેફ અને જસ્ટિસ બીવી નાગરત્નની બેન્ચની સામે એડિશનલ સોલિસિટર જનરલ વીએસ રાજુએ કહ્યું કે ઘણા દસ્તાવેજો ગુજરાતીમાં છે અને પહેલા આપણે તે દસ્તાવેજોની સમીક્ષા કરવી પડશે. જસ્ટિસ જોસેફે કહ્યું કે અમે તમને સમીક્ષા કરતા ક્યાં રોક્યા છે? તમે અમારી સમક્ષ રેકોર્ડ લાવો. બેન્ચે કહ્યું કે અમે આરોપીઓને નોટિસનો જવાબ આપવા માટે સમય આપીશું, પરંતુ અમે તેમની સ્વતંત્રતામાં ઘટાડો નહીં કરીએ.
જાણો શું છે કેસ
ગુજરાતમાં (Gujarat) 28 ફેબ્રુઆરી 2002ના રોજ ગુજરાતમાં રમખાણ શરૂ થયા હતા. આ દરમ્યાન 3 માર્ચ 2002ના રોજ રમખાણો દરમિયાન દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના રણધિકપુર ગામમાં ગુસ્સે ભરાયેલ ટોળું બિલ્કિસ બાનોના ઘરમાં ઘૂસી ગયું હતું. તોફાનીઓથી બચવા બિલ્કિસ તેના પરિવાર સાથે ખેતરમાં છુપાઈ ગઈ. ત્યારે બિલ્કિસની ઉંમર 21 વર્ષની હતી અને તે 5 મહિનાની ગર્ભવતી હતી. તોફાનીઓએ આ વચ્ચે બિલ્કિસનો ગેંગરેપ કર્યો. આ ઉપરાંત તેની માતા અને ત્રણ અન્ય મહિલાઓનો પણ રેપ કર્યો હતો. આ સાથે બિલ્કિસના પરિવારના 7 લોકોની નિર્દયતાથી હત્યા પણ કરવામાં આવી હતી.
બિલ્કિસ પોતાની સાથે થયેલા થયેલા આ કૃત્યના ન્યાય માટે સુપ્રીમ કોર્ટ પહોંચી તો કોર્ટે કેસ સીબીઆઈને ટ્રાન્સફર કરવાનો નિર્ણય કર્યો. ઘટનાના લગભગ બે વર્ષ બાદ 2004માં પોલીસે આ કેસ સાથે જોડાયેલા આરોપીઓની ધરપકડ કરી હતી. અમદાવાદમાં ટ્રાયલ શરૂ થતાં જ બિલ્કિસ સુપ્રીમ કોર્ટમાં પહોંચી અને કેસને અમદાવાદથી મુંબઈ ટ્રાન્સફર કરવાની અપીલ કરી. ઓગસ્ટ 2004માં કેસ મુંબઈ ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. 21 જાન્યુઆરી 2008ના રોજ સીબીઆઈની વિશેષ અદાલતે 11 દોષિતોને આજીવન કેદની સજા ફટકારી હતી. પુરાવાના અભાવે 7 દોષિતને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા અને એક આરોપીનું ટ્રાયલ દરમિયાન જ મોત થયું હતું. સીબીઆઈ કોર્ટના નિર્ણયને બોમ્બે હાઈકોર્ટે પણ 2018માં માન્ય રાખ્યો હતો. એપ્રિલ 2019માં સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને બિલ્કિસ બાનોને 50 લાખ રૂપિયાનું વળતર, નોકરી અને મકાન ચૂકવવાનો આદેશ આપ્યો હતો.