આપણા સદનસીબે દક્ષિણ ગુજરાતમાં ડાંગનું જંગલ હજી હયાત છે. જેમાંથી ઇમારતી સાગી લાકડું શહેરમાં લાવવાનાં મૂળ ઉદ્દેશ્યથી ટ્રેન ઇ.સ.1914માં શરૂ કરાઇ હતી. સમય-સંજોગો બદલાતા આ પ્રદેશની જનતા રોજીરોટી રળવા આ ટ્રેન દ્વારા શહેરમાં આવ-જાવ કરતી હોવાથી તેમની જીવાદોરી બની ગઇ હતી. ફરી શરૂ થયેલ ટ્રેનમાં બાથરૂમ વગરનાં ચાર જનરલ કોચ વત્તા ત્રણ એસી કોચ જોડવામાં આવ્યા છે જે કોચને છેવાડેની આખી દિવાલ પારદર્શક કાચની રાખી હોવાથી કોચમાં બેઠેલી વ્યક્તિ એ કાચમાંથી ત્યાંની કુદરતને ભરપૂરપણે માણી શકે છે. જનરલ કોચનું બિલિમોરાથી વઘઇનું ભાડું રૂ. 54/- છે.
જયારે એસીનું ભાડું રૂ. 565/- છે. ટિકિટ ટ્રેનમાં ગાર્ડ આપે છે. આરંભમાં આ ટ્રેન સ્ટીમ એન્જીનથી ચાલતી હતી. 1931 પછી તે ડિઝલ એન્જીનથી ચાલી રહી છે. ઉનાઇથી વઘઇ જંગલને પહાડોમાંથી આ ટ્રેન પસાર થાય છે. વળી વિશાળ પટવાળી અંબિકા નદીનાં પુલ પરથી જયારે આ ટ્રેન પસાર થાય છે ત્યારે ખૂબ જ સુંદર દૃશ્યો જોવા મળે છે. પરિણામે દિવાળી વેકેશનમાં આ ટ્રેન મુસાફરોથી ખીચોખીચ દોડી હતી. અહીનાં જંગલમાં ઉગતા વાંસમાંથી આપણા રોજીંદા જીવનઉપયોગી વિવિધ ચીજવસ્તુઓ અહીં કારીગરો બનાવે છે. વત્તા ત્યાંનું વારલી પેન્ટીંગ પણ સુંદર હોય છે. જે જોવા માણવા આ ટ્રેનનો પ્રવાસ અવશ્ય કરવો રહ્યો.
વ્યારા – પ્રકાશ સી. શાહ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.