Dakshin Gujarat

બીલીમોરા-વઘઈ નેરોગેજ ટ્રેન આજથી નવા રૂપરંગ સાથે શરૂ

ધનોરી નાકા (ગણદેવી), બીલીમોરા: (Bilimor) બીલીમોરા વઘઈ નેરોગેજ ટ્રેન (Narrow gauge train) તારીખ 4 સપ્ટેમ્બરથી ફરી આ રેલ્વે લાઈન ઉપર નિયમિત રીતે પુનઃ દોડવાની શરૂઆત થઈ છે. નવસારીના સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખઆર.પાટીલે શનિવારે સવારે 10: 20 કલાકે આ પુનઃ શરૂ થયેલી નેરોગેજ ટ્રેનને લીલી ઝંડી ફરકાવી વધઇ જવા રવાના કરી હતી. પશ્ચિમ રેલવે (Western Railway) વિભાગની બીલીમોરા-વઘઈ નેરોગેજ ટ્રેન રેલવે વિભાગ તરફથી બીજી સૂચના મળે ત્યાં સુધી રેલવે લાઇન ઉપર દોડાવવા નિર્ણય લેવાયો છે. આ નેરોગેજ ટ્રેન પુનઃ શરૂ થઈ છે ત્યારે રેલવે લાઇન ઉપર આવેલા સ્ટેશનોએ નવા રૂપરંગ સાથે આવતી આ ટ્રેનનું ભવ્ય સ્વાગત સ્થાનિક લોકો તરફથી શનિવારે કરવામાં આવ્યું હતુ. આ ટ્રેનમાં મુસાફરી દરમિયાન બીલીમોરાથી વઘઈ સુધીના માર્ગ પર પ્રવાસીઓને અદભૂદ નજારો જોવાનો લાભ અને અનેરો રોમાંચ અનુભવવા મળશે.

પશ્ચિમ રેલવે વિભાગ તરફથી મળેલી વિગત મુજબ બીલીમોરા જંક્શન ઉપરથી દરરોજ નિયમિત રીતે ટ્રેન નંબર 09501 સવારે 10:20 કલાકે ઉપડશે, જે વઘઇ રેલવે સ્ટેશનને બપોરે 13:20 કલાકે પહોંચશે. જ્યારે ટ્રેન નંબર 09502 બપોર પછી 14 :30 કલાકે વઘઇથી પરત બીલીમોરા આવવા રવાના થશે. સાંજે 17: 35 કલાકે બીલીમોરા સ્ટેશને આવી પહોંચેશે. આ નેરોગેજ ટ્રેન વચ્ચેના ગણદેવી, ચીખલી રોડ, રાનકુવા, ધોળીકુવા, અનાવલ, ઉનાઈ, સરાગામ, કેવડી રોડ, કાળાઆંબા, ડુંગરડા સહિત 10 રેલવે સ્ટેશન ઉપર અપ અને ડાઉન બંને વખતે ઊભી રહેશે. મહારાજા સયાજીરાવ ગાયકવાડે ઇ. સ.1892 માં બીલીમોરા-વઘઈ નેરોગેજ રેલવે લાઈન નાખીને આ ટ્રેન જંગલ સંપત્તિના વહન સાથે આદિવાસીઓના આર્થિક ઉત્થાનના હેતુ સાથે શરૂ કરવામાં આવેલી હતી. આ વિભાગની આદિવાસી જનતા આજીવન આ ગાડી ચાલુ રહે તેમ ઈચ્છે છે.

આ ટ્રેનમાં હવે બિન આરક્ષિત સેકન્ડ ક્લાસ 3 કોચ, પ્રથમ વર્ગના આરક્ષણ વાળો એર કન્ડિશન એક કોચ
વિશેષમાં લાંબા સમય સુધી બંધ રહેલી આ નેરોગેજ ટ્રેન નવા રૂપરંગ ની સજાવટ સાથે ફરીથી ચાલુ થઈ છે. જેમાં મુસાફરો આરામથી સીટ ઉપર બેસીને મુસાફરી કરી શકે તેવા બિન આરક્ષિત સેકન્ડ ક્લાસ કોચ ત્રણ જેટલા રહેશે. પ્રથમ વર્ગના આરક્ષણ વાળા વાતાનુકૂલિત એટલે કે એર કન્ડિશન એક કોચ રહેશે. એસી ટુરિસ્ટ કોચ માટે બુકીંગ 03-09-2021થી નિર્ધારિત કાઉન્ટર તેમજ રેલવેની વેબસાઈટ પર થઇ શકશે.

આદિવાસીઓને રોજગાર, વેપાર અને વિવિધ વ્યવસાયલક્ષી પ્રવૃત્તિઓ માટે આ ટ્રેન ખુબ ઉપયોગી
નવસારી, ડાંગ અને સુરત જિલ્લાના આદિવાસી વિસ્તાર માટેની આ નેરોગેજ ટ્રેન લોકો માટે આર્થિક જીવાદોરી સમાન છે. આદિવાસીઓને રોજગાર, વેપાર અને વિવિધ વ્યવસાયલક્ષી પ્રવૃત્તિઓ માટે આ નેરોગેજ ટ્રેન ખૂબ ઉપયોગી છે. આ ટ્રેન ફરીથી શરૂ થવાને લઈને આદિવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળે છે.

Most Popular

To Top