બીલીમોરા: (Bilimora) બીલીમોરામા રેલવે ક્રોસિંગ (Railway Crossing) 109 પાસે કાનમાં ઈયરફોન નાખી ગીત સાંભળતા રેલવે ટ્રેક પર જઈ રહેલા વૃદ્ધ શ્રમજીવીને ટ્રેનની ટક્કર લાગતા કરુણ મોત નીપજ્યું હતું. લાશ નજીકથી ચાલુ ગીતો વાળો મોબાઈલ મળતા પોલીસે તેના વાલીવારસો ને શોધી કાઢ્યા હતા.
- રેલ્વે ટ્રેક ઉપર કાન માં ઈયરફોન નાખી ગીતો સાંભળતા જઈ રહેલા શ્રમજીવીનું ટ્રેનની ટક્કર લાગતા મોત
- લાશ નજીકથી ચાલુ ગીતો વાળો મોબાઈલ મળતા પોલીસે તેના વાલીવારસો ને શોધી કાઢ્યા
બીલીમોરાના દેસરાની ન્યુ પ્રજાપતિ કોલોનીમાં રહેતા અને બાંધકામ કોન્ટ્રાક્ટરમાં મજૂરી કામ કરતા 62 વર્ષના પ્રવીણભાઈ છગનભાઈ લાડ શુક્રવારની મોડી રાત્રે ચિમોડિયા નાકાની રેલવે ફાટક પાસેથી રેલવે ટ્રેક ઉપર કાનમાં ઈયરફોન નાખી ગીતો સાંભળતા ચાલતા જઈ રહ્યા હતા. તે વખતે તેઓને કોઈ ટ્રેનની ટક્કર લાગતા તેમનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતું. મૃતદેહ પાસેથી એક મોબાઇલ ફોન મળી આવ્યો હતો જેમાં ગીતો વાગી રહ્યા હતા.
મોબાઈલ ફોનના છેલ્લા કરાયેલા ફોન પર પોલીસે ફોન કર્યો હતો જે બાંધકામ વ્યવસાય સાથે સંકળાયેલા કોન્ટ્રાક્ટરે ઉપાડ્યો હતો અને આ નંબર દેસરા રહેતા પ્રવીણભાઈ લાડનો હોવાનું જણાવ્યું હતું. જેના આધારે પોલીસે પરિવારનો સંપર્ક કરી મરનારના પુત્ર દિવ્યેશ લાડે મરણ જનાર તેના પિતા હોવાનું પોલીસને જણાવ્યું હતું. પ્રવીણભાઈને મોબાઇલમાં ગીતો સાંભળવાનો શોખ હતો અને ગીતો સાંભળતા ક્યારે ટ્રેન આવી ગઈ તેની તેમને ખબર ન પડવાને લીધે બનાવ બન્યાનું પુત્ર દિવ્યેશે પોલીસને જણાવ્યું હતું. હજી પ્રવીણભાઈ લાડના વયો વૃદ્ધ માતા જીવિત છે, સાથે તેઓની પત્ની પુત્ર અને પરણીત પુત્રી પરિવારમાં છે. હેડ કોન્સ્ટેબલ ફુલસિંગભાઈ વધુ તપાસ કરી રહ્યા છે.