બીલીમોરા: (Bilimora) બીલીમોરાના વખારિયા બંદર રોડ પર રહેતી પાંચ વર્ષીય બાળકીનો મૃતદેહ આખરે 22 કલાક બાદ શોધી કાઢવામાં આવ્યો હતો. શુક્રવારે ખુલ્લી ગટરમાં ગરકાવ થઈ ગયેલી બાળકીનો મૃતદેહ શનિવારે ધોલ ગામના નદી (River) કિનારેથી મળી આવ્યો હતો.
વખારિયા બંદર રોડ ખાતે રહેતી શાહીન મોહમ્મદ અજિત શેખ શુક્રવારે બપોરે ખુલ્લી ગટરમાં પડતા લાપતા બની હતી. પાલિકા, ફાયર સાથે પોલીસ સતત શાહીનની શોધખોળ કરવા છતાં તેનો કોઈ પત્તો લાગ્યો ન હતો. જેનો મૃતદેહ 22 કલાક બાદ અંબિકા નદીની સામે પાર ઘોલ ગામના નદી કિનારેથી મળી આવ્યો છે.
વખારીયા બંદર રોડ, જીવન જ્યોત એપાર્ટમેન્ટની પાછળ રહેતી શાહીન આ વિસ્તારમાં આવેલી વરસાદી પાણીના નિકાલની ખુલ્લી ગટરમાં પડી જતા લાપતા બનતા હાહાકાર મચી જવા પામ્યો હતો. આ ગટરનું પાણી સીધું અંબિકા નદીમાં ભળે છે. જે કદાચ નદીના પાણીમાં ડૂબી ગયાનું માની તેની સતત શોધખોળ કરાઈ હતી પણ તેનો કોઈજ પત્તો લાગ્યો ન હતો. દરમિયાન બીજા દિવસે વહેલી સવારથી ફરી તેની શોઘખોળ દરમિયાન શનિવારે બપોરે 12 કલાકે શાહીન નો મૃતદેહ વાડીયા શિપયાર્ડ સામેના ઘોલ ગામના નદી કિનારેથી મળી આવ્યો હતો. શાહીનના પિતા શ્રમજીવી છે જેને ત્રણ સંતાનોમાં બે પુત્રી અને એક પુત્ર છે જેમાં શાહીન મોટી હતી.