બીલીમોરા: (Bilimora) બીલીમોરામાં રહેતી મુસ્લિમ પરિણીતાને રમઝાન મહિનામાં પતિનાં (Husband) મિત્રએ (Friend) ખીચડો આપવાના બહાને બળાત્કાર ગુજાર્યો હતો. તે સાથે મોબાઈલમાં વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી અનેકવાર હવસ સંતોષી હતી. જે અંગે મુસ્લિમ પીડિતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી યુવાનને જેલમાં ધકેલી દીધો હતો.
- બીલીમોરામાં મુસ્લિમ પરિણીતા ઉપર પતિનાં મિત્રનો બળાત્કાર
- વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી વારંવાર શોષણ કર્યું
- પરિણીતાએ પોલીસ ફરિયાદ કરતા આરોપી યુવાન જેલમાં ધકેલાયો
બીલીમોરા એમજી રોડના તુલીક એપાર્ટમેન્ટમાં રહેતો અને બોઇલર મરઘીનો વેપાર કરતો નફીસ સફરુદ્દીન મલેક (૩૫) નો મિત્ર જમીન કૌભાંડમાં જૂન 2023 એ જેલમાં ગયો હતો. તે દરમિયાન પત્ની, સંતાન સાથે એકલી રહેતી હતી. દરમિયાન રમઝાન મહિનાની એક સાંજે આરોપી યુવાન મિત્રની પત્નીને ખીચડો આપવાના બહાને પહોચી ગયો હતો. તે વેળા ૮ વર્ષનો પુત્ર બહાર રમવા ગયો હતો. મિત્રની પત્ની ઘરમાં એકલી હતી. જે જોઈ અંદરથી ઘરનો દરવાજો બંધ કરી દીધો હતો.
પરિણીતાએ વિરોધ કરતા હાથથી મોઢું દબાવી બળજબરીથી શરીર સંબંધ બાંધી મોબાઈલમાં વીડિયો ઉતારી કોઈને વાત કરીશ તો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી હતી. જે બાદ વીડિયોની ધમકી આપી અનેકવાર હવસ સંતોષી હતી. તે દરમિયાન પરિણીતાનો પતિ જેલમાંથી બહાર આવતા તેને આપવીતી જણાવી હતી. જે બાદ 6/1/2024 નાં રોજ પરિણીતાએ પોલીસમાં ફરિયાદ આપતા આરોપી યુવાન વિરુદ્ધ દુષ્કર્મ, બ્લેકમેલનો ગુનો નોંધી જેલમાં ધકેલી દીધો હતો. બીલીમોરા પીઆઇ ટીએ ગઢવી વધુ તપાસ કરી રહ્યાં છે.
બળાત્કાર કરનાર આરોપીને બે સંતાનો
ભોગ બનનાર પરિણીતા અને તેનું શોષણ કરનાર તેના જ પતિનો મિત્ર બંને મુસ્લિમ જ્ઞાતિના છે, અને બંને પરિણીત છે. પરિણીતાને એક પુત્ર છે તો તેના ઉપર બળાત્કાર કરનાર આરોપીને બે સંતાનો છે. મિત્રએ મિત્રની પત્ની ઉપર નજર બગડી તેને ભોગવી મિત્ર જેવા સંબંધો ઉપર નફીસ મલેકે કલંક લગાડ્યો છે.