બીલીમોરા ખાડા માર્કેટમાં રહી પેટ્રોલ પંપ ઉપર નોકરી કરતી સામાન્ય પરિવારની મહિલાના ઘરનું લાઈટ બિલ 20 લાખ આવતા મહિલાના પગ તળેથી ધરતી ખસી ગઈ હતી. જો કે દક્ષિણ ગુજરાત વીજ કંપનીએ આને માનવીય ભૂલ ગણાવીને સુધારેલું બિલ પરિવારને આપવાની તજવીજ હાથ ધરી છે.
બીલીમોરા ખાડા વિસ્તારમાં રહેતી અંકિતાબેન ચેતનભાઇ પટેલ સામાન્ય પરિવારની મહિલા છે. પોતે પેટ્રોલ પંપ પર નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. એકદમ સામાન્ય ઘર ધરાવતી અંકિતાબેનનું જૂન જુલાઈ 2024 નું લાઈટ બિલ 20 લાખથી પણ વધુ આવતા રોજ કમાઈને રોજ ખાવા વાળા સામાન્ય પરિવાર ઉપર આભ તૂટી પડ્યું છે. અંકિતાબેનના જણાવ્યા પ્રમાણે તેઓના ઘરમાં ચાર પંખા ચાર ટ્યુબલાઈટ બે ફ્રીઝ અને એક ટીવી જેવા વીજ ઉપકરણો છે. પોતાની સાથે પરિવારના અન્ય સભ્યો પણ નોકરીએ જતા હોય બપોર પછી ઘરના વીજ ઉપકરણોનો વપરાશ થતો હોય છે. તેઓને અત્યાર સુધી અઢીથી ત્રણ હજાર નું બિલ મળતું જે તેઓ નિયમિત રીતે ભરતા પણ હતા. પણ આ વખતે તેમને મળેલ બે મહિનાનું (20,01902=10) જેટલું બિલ મળતા પરિવારની ચિંતા સાથે મુઝવણ વધી ગઈ છે. જોકે પોતે એકદમ સામાન્ય પરિવારની વર્કિંગ મહિલા હોય આટલું મોટું બિલ તેઓને કઈ રીતે મળ્યું તે સમજાતું નથી.
આ અંગે દક્ષિણ ગુજરાત વીજ કંપનીની બીલીમોરા વાંકા મોહલ્લા સ્થિત કચેરીના નાયબ અધિક્ષક બીલીંગ ડિપાર્ટમેન્ટના અધિકારી સલીમ અજમેરીને આ છબરડા અંગે પૂછતા તેમણે જણાવ્યું કે મીટર રીડર મોબાઈલથી રીડિંગ પંચ કરતા હોય છે. જેઓ એક દિવસમાં અસંખ્ય મીટરનું રીડિંગ લેતા હોય છે. શક્ય છે એકાદ આંકડો વધારે મોબાઇલમાં પંચ કરી દેવાથી આ ભૂલ થઈ હશે જે ભૂલ ને તેઓએ સુધારી અંકિતાબેનના ઘરે ફરીથી કર્મચારીને મોકલાવીને વાસ્તવિક રીડિંગ લઈને નવું બિલ આપ્યાનું તેમણે જણાવ્યું હતુ.