બીલીમોરા: (Bilimora) બીલીમોરા નજીકની હરસિદ્ધિ આઈસ ફેક્ટરીમાં (Ice Factory) એમોનિયા ગેસ લીકેજથી (Ammonia Gas Leakage) મચેલા હડકંપ બાદ તેને સીલ (Seal) કરી દેવાયું હતું. જેમાં શનિવારે એફએસએલની ટીમે સ્થળ મુલાકાત લઈને જરૂરી નમૂનાઓ એકત્રિત કર્યા હતા. જ્યારે ફેક્ટરીની પાઇપલાઇનમાં બચેલો એમોનિયા ગેસને ડિફ્યુઝ કરી દેવામાં આવ્યો હતો.
- એમોનિયા ગેસ લીકેજ બાદ બીલીમોરાની આઈસ ફેક્ટરી સીલ કરી દેવાઇ
- દેવસરની હરસિદ્ધિ આઈસ ફેક્ટરીમાં એફએસએલની તપાસ, નમૂના એકત્રિત કરાયા
- બીજા દિવસે ફરી નીચે સેટલ થયેલો ગેસ સાફ-સફાઈ કરતી વખતે એક્ટિવ થતા હડકંપ મચ્યો
દેવસરની હરસિધ્ધિ આઈસ ફેક્ટરીમાં એમોનિયા ગેસ લીકેજથી આજુબાજુના રહીશોને તકલીફ થતા ભાગદોડ મચી ગઈ હતી. મહા મહેનતે લીકેજ ગેસને કંટ્રોલ કરવામાં આવ્યો હતો, જેમાં બીજા દિવસે ફરી પાછો નીચે સેટલ થયેલો ગેસ સાફ-સફાઈ કરતી વખતે એક્ટિવ થઈ જતા ફરી હડકંપ મચી જવા પામ્યો હતો. આઈસ ફેક્ટરીની બાજુમાં આવેલા કુબેર અને વિશાલ એપાર્ટમેન્ટમાં ગેસ લીકેજની અસર વધુ થતાં એપાર્ટમેન્ટના 80 જેટલા રહીશોને ખાલી કરાવી દેવાયા હતા.
શનિવારે એફએસએલની ટીમ સ્થળ તપાસ માટે આવી હતી. જેઓએ પાઇપલાઇનમાં બચી ગયલો એમોનિયા ગેસને ડિફ્યુઝ કરવાની કામગીરી તેઓના માર્ગદર્શન હેઠળ પાર પાડી હતી. તે સાથે ફાયરના બે બાઉઝરો તથા સ્ટાફે ફેક્ટરીમાં સફાઈ કામગીરી તેજ બનાવી લીધી છે. ગેસ લીકેજને પગલે 80 જેટલા લોકોને સલામત સ્થળે ખસેડી દેવામાં આવ્યા હતા. તે તમામને હવે સ્થિતિ થાળે પડતા સંભવત આજે મોડી રાત્રે કે રવિવારની સવારે તેમના ઘરોમાં તેઓ પરત થઈ શકશે.
રાનકુવા-ટાંકલ માર્ગ પરથી વિદેશી દારૂ ભરેલા ટેમ્પા સાથે 2 ઝડપાયા
નવસારી : નવસારી એલ.સી.બી. પોલીસે રાનકુવા-ટાંકલ રસ્તા પરથી વાંઝણા ગામના ત્રણ રસ્તા પાસેથી 1.20 લાખના વિદેશી દારૂ ભરેલા ટેમ્પા સાથે બેને ઝડપી પાડ્યા હતા. જ્યારે દારૂ ભરાવનાર અને દારૂ મંગાવનારને વોન્ટેડ જાહેર કરી આગળની તજવીજ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, નવસારી લોકલ ક્રાઈમ બ્રાંચ પોલીસે બાતમીના આધારે ચીખલીના રાનકુવાથી ટાંકલ જતા રસ્તા પર વાંઝણા ગામના ત્રણ રસ્તા પરથી એક ટેમ્પો (નં. જીજે-19-વાય-3278) ને રોકી તપાસ કરી હતી. જેમાંથી પોલીસને 1,20,960 રૂપિયાનો વિદેશી દારૂની 1728 નંગ બાટલીઓ મળી આવતા મૂળ મહારાષ્ટ્ર જલગાંવ જિલ્લાના ચોપડા તાલુકાના કિન ગામે અને હાલ સુરતના મહુવા તાલુકાના બુધેશ્વર ગામે નવી વસાહતમાં રહેતા વિઠ્ઠલભાઈ ભાવુભાઈ કુંભાર અને મહુવા તાલુકાના મીયાપુર દુંગડીયા ફળિયા નવી વસાહતમાં રહેતા ધર્મેશભાઈ નટુભાઈ હળપતિને ઝડપી પાડ્યા હતા. જ્યારે પોલીસે વિઠ્ઠલભાઈ અને ધર્મેશભાઈની પૂછપરછ કરતા મહારાષ્ટ્રમાં રહેતા દાવો અને સોનુએ દારૂ ભરાવી આપ્યો હતો અને સુરતના મહુવા તાલુકાના ઘોડીયાવાડમાં રહેતા હરીઓમ નામના ઇસમે દારૂ મંગાવ્યો હોવાનું કબુલતા પોલીસે દાવો, સોનુ અને હરીઓમને વોન્ટેડ જાહેર કર્યા હતા. જ્યારે પોલીસે ઘટના સ્થળેથી વિદેશી દારૂ સહીત 5 લાખનો ટેમ્પો, 6,500 રૂપિયાનો મોબાઈલ, રોકડા 2400 રૂપિયા મળી કુલ્લે 6,50,860 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી આગળની તજવીજ હાથ ધરી છે.