Dakshin Gujarat

બીલીમોરા: દેવસરના ટ્રાન્સપોર્ટ ગોડાઉનમાં ભયાનક આગ લાગતા 3 જીવતા ભૂંજાયા

બીલીમોરા: બીલીમોરા ના દેવસરની જયહિન્દ ક્લે વર્ક ના કમ્પાઉન્ડમાં આવેલ જયપુર ગોલ્ડન ટ્રાન્સપોર્ટમાં શનિવારે સવારે 9 વાગ્યે ટ્રકમાંથી કેમિકલ ના ડ્રમ ખાલી કરતી વખતે લાગેલી આગમાં કંપનીના મેનેજર સહિત ત્રણ જીવતા ભુજાયા હતા. જ્યારે બીજા ચાર ગંભીર રીતે દાઝી જતાં તેઓને વલસાડ સારવાર માટે રિફર કરાયા છે. આગ એટલી વિકરાળ હતી કે જિલ્લાના તમામ ફાયર ફાઈટરો એ અઢી કલાકે આગ પર કાબુ મેળવ્યો હતો.

શનિવારની સવાર બીલીમોરા દેવસર માટે ગોઝારી સાબિત થઈ હતી. દેવસર ખાતે આવેલી જય હિન્દ્ ક્લે વર્કના કમ્પાઉન્ડમાં આવેલ જયપુર ગોલ્ડન ટ્રાન્સપોર્ટમાં સવારે ટ્રક માથી માલ સામાન ખાલી કરાઈ રહ્યો હતો જેમાં બાર જેટલા કેમિકલના જ્વલનશીલ ડ્રમ પણ ખાલી કરતી વખતે અચાનક આગ લાગતા અફર તફરી મચી જવા પામી હતી. આગ એટલી વિકરાળ હતી કે તેની જ્વાળા 50 ફૂટ ઊંચે સુધી જતાં દહેશત વ્યાપી જવા મામી હતી. આકાશમાં ઉડેલા ધુમાડાના ગોટેગોટા 7 થી 8 કિમી દૂરથી પણ જોઈ શકાતા હતા. આ લાગેલી આગમાં ટ્રાન્સપોર્ટ કંપનીના મેનેજર અનુપ મોહનસિંહ નુનિયા સાથે બીજા બે લોડ અનલોડ કરતા મજૂરો પણ બળીને રાખ થઈ ગયા હતા. તે સાથે બીજા ચાર લોકો પણ આગની ચપેટમાં આવી જતા તેઓ શરીર ખરાબ રીતે દાઝી જતા પહેલા બીલીમોરા ની સરકારી હોસ્પિટલ બાદ વલસાડ સિવિલમાં તેઓને રિફર કરવામાં આવ્યા હતા.

બીલીમોરા ફાયરને આગ નો મેસેજ મળતા ત્વરિત ફાઈટરો સાથે સ્ટાફ ઘસી ગયો હતો. જેની મદદે ગણદેવી, ચીખલી અને નવસારીના ફાયર ફાઈટર પણ જોડાયા હતા, અને અઢી કલાકની જેહમતે આગ ઉપર કાબુ મેળવાયો હતો. ઘટના સ્થળની આસપાસ પાર્ક કરવામાં આવેલ ચારથી પાંચ મોટરસાયકલ પણ બળીને રાખ થઈ ગઈ હતી.

ટ્રાન્સપોર્ટ કંપનીના ગોડાઉનમાં કેમિકલના જ્વલનશીલ ડ્રમ ખાલી કરતી વખતે લાગેલી આગ બાજુમાં આવેલ અરવિંદભાઈ ના સ્ટીલના કબાટ અને ફર્નિચર બનાવતા ગોડાઉનમાં પણ પ્રસરી હતી. તે સાથે બાજુમાં આવેલ ભારતીય વસ્તુ ભંડાર નુ ગોડાઉન હતું. જેમાં પણ પ્લાસ્ટિકનો સ્ટોક કરવામાં આવેલ તમામ સામાન બળીને રાખ થઈ ગયો હતો.તે સાથે ટ્રાન્સપોર્ટ કંપનીમાં સામાન અનલોડ કરવા આવેલ ટેમ્પો પણ આગમા સંપૂર્ણપણે બળી ગયો હતો.

બીલીમોરા ના ઈતિહાસમાં આટલી ભયાનક આગ પહેલાં નગરજનો એ કદી જોઈ નથી. જેમાં આગની ચપેટમાં આવી જઈને ટ્રાન્સપોર્ટ કંપનીના મેનેજર અનુપ મોહનસિંહ નુનિયા સાથે ટ્રકમાંથી સામાન ગોડાઉન સુધી લોડ અનલોડ કરનાર નિતેશ અરવિંદ પટેલ રહે કાકરાખાડી બીલીમોરા અને ચકો ઉર્ફે શૈલેષ ધીરુભાઈ આહીર રહે આહીરવાસ દેવસર ગોડાઉન માંથી બહાર નીકળી નહીં શકવાને કારણે બળીને ભળથું થઈ જતા મોતને ભેટ્યા હતા.

આગ ની ચપેટ મા આવેલા મુકેશ રામુભાઈ પટેલ રહે ચીકલ વાડી બીલીમોરા, હેમંત ઝાબેંકર રહે ગણદેવી અને ટ્રક નો ચાલક જીતેન્દ્ર શરીરે ગંભીર રીતે દાઝી જતા ત્રણેને વલસાડની સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે. જયારે જગદીશ ટપુભાઈ ગઢીયા રહે વેંકટેશ નગર, દેવસર ને બીલીમોરા ની ગુપ્તા હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે.

જયપુર ગોલ્ડન ટ્રાન્સપોર્ટ ના ગોડાઉન સાથે બાજુમાં આવેલ સ્ટીલના કબાટ અને ફર્નિચર વાળું ગોડાઉન સાથે બાજુમાં આવેલ પ્લાસ્ટિકની આઈટમો ના ગોડાઉનમાં આગ લાગતા લાખો રૂપિયાના નુકસાન નો અંદાજ લગાવાઇ રહ્યો છે. બનાવ ની જાણ થતા બીલીમોરા પીએસઆઇ સરવૈયા, ચીખલીના પીએસઆઇ કડીવાળા, એલસીબીના પીએસઆઇ સાગર આહીર, ડીવાયએસપી ભગીરથસિંહ ગોહિલ,ઇન્ચાર્જ પ્રાંત ઇટાલીયા સાથે બીલીમોરા શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ, ગણદેવી નગરપાલિકાના માજી પ્રમુખ પ્રાણલાલભાઈ, શાંતિલાલભાઈ અને મલંગ કોલીયા ઘટના સ્થળ એ ધસી આવ્યા હતા. એફએસએલ ની ટીમ પણ ઘટના સ્થળે આવી ગઈ હતી. બાદ મા ધારાસભ્ય નરેશ પટેલે પણ ઘટના સ્થળે આવી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.

Most Popular

To Top