અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી બિલ્ડ વેલ એન્જિનિયર્સ કંપનીને તસ્કરોએ નિશાન બનાવી કંપનીની ઓફિસમાંથી રોકડા રૂપિયા ૫.૧૦ લાખની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. જો કે, સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતાં જીઆઇડીસી પોલીસે તપાસ હાથ ધરી હતી. અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ બિલ્ડ વેલ એન્જિનિયર્સ કંપની જે ગવર્નમેન્ટ કન્ટ્રક્શનનું કામ કરે છે.
કંપનીના સંચાલક કેસુરભાઈ પીઠીયા જેઓની ભરૂચ જિલ્લામાંની જીઆઇડીસીઓમાં તેમજ મધ્યપ્રદેશના વિવિધ તાલુકાઓમાં કન્ટ્રક્શનની કામગીરી ચાલતી હોવાથી તેઓ તારીખ ૧૩મી જૂનના રોજ તેઓની ઓફિસ બંધ કરી મધ્યપ્રદેશ ગયા હતા. જે બાદ ૨૨ તારીખે તેઓ પરત આવી ઓફિસે પહોંચતાં જ્યાં ઓફિસના ડ્રોવરનો નકૂચો તૂટેલો હોય અને તેમાંથી રોકડ રૂપિયા ૫.૧૦ લાખની ચોરી થઇ હોવાનું માલૂમ પડ્યું હતું, અને તેમણે કંપનીમાં કામ કરતા સ્ટાફને પૂછ્યું હતું અને બાદમાં કંપનીના સીસીટીવી કેમેરા ચેક કરતાં સમગ્ર મામલો સામે આવ્યો હતો.
કંપનીમાં ગત તા.૧૮ જૂનના રોજ બે તસ્કરોએ રાત્રિના સમયે કંપનીમાં પ્રવેશ કરી ઓફિસના ડ્રોવરમાં મૂકેલા રૂ.૫.૧૦ લાખની રોકડ રકમની ચોરી કરી પલાયન થઇ ગયા હોવાનું માલૂમ પડ્યું હતું. આ અંગે જીઆઇડીસી પોલીસ મથકમાં જાણ કરતાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો. આ ચોરી અંગે જગદીશ પીઠિયાએ જીઆઇડીસી પોલીસ મથક ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી હતી.