Editorial

જેનાથી પાકિસ્તાનમાં શેકેલો પાપડ તૂટતો નથી તે બિલાવલ ભૂટ્ટો હિન્દુસ્તાનમાં લોહી વહેવડાવવાની ધમકી આપે છે

કાશ્મીરના પહેલગામ નજીક આવેલા પર્યટન સ્થળ ઉપર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો જેમાં હિન્દુસ્તાનના 27 પર્યટકોના મોત થઇ ગયા હતાં. આ આતંકવાદી ઘટના બાદ ભારત અને પાકિસ્તાન બંનેની રાજકીય ગતિવિધિ તેજ થઇ ગઇ છે. ભારતે તો આકરા પગલાં લેવાના શરૂ કરી દીધા છે. પાકિસ્તાનના તમામ રાજદ્વારીઓને પરત મોકલી આપણા રાજદ્વારીઓને પાછા બોલાવી લેવામાં આવ્યા છે.

આવું તો પહેલા અનેક વખત થઇ ચૂક્યું છે એટલે એ કોઇ મોટી વાત નથી. ત્યારબાદ અટારી બોર્ડર બંધ કરી દેવામાં આવી છે અને ભારતમાંથી વીઝા લઇને રહેતા પાકિસ્તાનીઓને તાત્કાલિક તેમના દેશમાં પરત મોકલી દેવામાં આવ્યા છે આ તો બધુ ઘણી વખત જોયું હોય તેવું પાકિસ્તાનના આકાઓ માનતા હતા પરંતુ જ્યારે સિંધુ જળસંધિ સ્થગિત કરવામાં આવી ત્યારે પાકિસ્તાનના નેતાઓના પગ નીચેથી જાણે જમીન સરકી ગઇ.

ભારતના આ પગલાં બાદ પાકિસ્તાનના નેતાઓના એક પછી એક નિવેદન શરૂ થઇ ગયા છે. એક લિડરે તો એવું કહી દીધું કે અમારી પાસેની 130 પરમાણું મિસાઇલ પ્રદર્શન માટેની નથી. આ નેતા જાણે પરમાણું મિસાઇલને ભારતના બજેટ વખતે બનતો હલવો સમજી બેઠા હોય તેવું લાગી રહ્યું છે. આ નેતાને ખબર નથી કે હવે પાકિસ્તાન અને કાશ્મીર બંનેની યુવા પેઢી બદલાઇ ગઇ છે આ જ કારણસર પાકિસ્તાનના સોશિયલ મીડિયા ઉપર આ નેતાની રીતસર મજાક ઉડાવવામાં આવી રહી છે. જો કે ત્યાંના વઝીરેઆઝમ વડાપ્રધાન શાહબાઝ શરીફે કહ્યું, ‘પાકિસ્તાનના પાણીને રોકવાના અથવા વાળવાના કોઈપણ પ્રયાસનો સંપૂર્ણ તાકાતથી જવાબ આપવામાં આવશે.’

પાકિસ્તાનના વડાપ્રધાને કહ્યું કે અમે કોઈપણ દુસાહસનો જવાબ આપવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છીએ. આ અંગે કોઈએ ભૂલ કરવી જોઈએ નહીં. આ 240 મિલિયન લોકોનો દેશ છે, અમે અમારા બહાદુર સશસ્ત્ર દળોની પાછળ ઉભા છીએ. આ સંદેશ જોરદાર અને સ્પષ્ટ હોવો જરૂરી છે. તેમનું નિવેદન તેમના દેશ માટે યોગ્ય ગણી શકાય પરંતુ બાળબુદ્ધિ જેવું નથી. તો બીજી તરફ અત્યાર સુધી ઊંઘતા રહેલા બિલાવલ ભુટ્ટો અચાનક જ ઊંઘમાંથી જાગી ગયા હોય તેવું લાગે છે. એવું બની શકે કે કદાચ તેઓ હીના રબ્બાનીના દુપટ્ટાની પાછળ છુપાયેલો હોય તો નવાઇ નહીં. જેનાથી પાકિસ્તાનમાં શેકેલો પાપડ નથી તૂટતો તે ભારતને ધમકી આપે છે કે જો, સિંધુ નદીનું પાણી પાકિસ્તાનમાં જતું અટકાવવામાં આવશે તો હિન્દુસ્તાનમાં ખૂનની નદીઓ વહેશે.

ત્યાં સુધી તો ઠીક છે પરંતુ અત્યાર સુધી જે પાકિસ્તાની નેતાઓ એવું કહી રહ્યાં હતા કે આખુ કાશ્મીર તેમનું છે તે લોકોની માંગણીમાં હવે થોડો ફેર પડ્યો હોય તેવું લાગી રહ્યું છે. હવે તેઓ કહે છે કે, સિંધુ દરિયા અમારો છે એટલે કાશ્મીરની વાત ભૂલી ગયા હોય તેવું લાગી રહ્યું છે. ત્યાંના નેતા પાકિસ્તાની પ્રજાને પઁણ ઉલ્લું બનાવી રહ્યાં છે. હાલમાં જ ત્યાંની પત્રકાર આરઝુ કાત્ઝીએ જાહેર ડિબેટમાં કહ્યું છે કે પાકિસ્તાન પર જ્યારે બલોચ વિદ્રોહી હુમલો કરે તો તેમને આતંકવાદી કહેવામાં આવે છે અને જો લશ્કરે તોઇબા કે જૈશે મોહંમદના આતંકવાદી ભારતમાં હુમલો કરે તો તેને મુજાહિદ્દ કહે છે હવે આ નેતાઓની બેવડી નીતિ નવી પેઢી સ્વીકારવા તૈયાર નથી.

Most Popular

To Top