વલસાડ : વલસાડના (Valsad) ગ્રામ્ય પંથકમાં અને ધરમપુરમાં બાઇક ચોરી (Bike theft) કરતી એક ગેંગને (Gang) વલસાડ રૂરલ પોલીસે (Police) પકડી પાડી છે. 6 લબરમુછિયા યુવાનની આ ટોળકીને પકડી રૂરલ પોલીસે 14 વાહનની ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો છે. આ સાથે તેમણે 12 બાઇક રિકવર પણ કરી લઇ મોટી સફળતા મેળવી છે.
વલસાડ રૂરલ પીઆઇ એસ.એસ.પવારની ટીમને ધરમપુરના એક ગેરેજમાં ચોરીની બાઇકો સંતાડી હોવાની અને ત્યાં વધુ બાઇક આવવાની હોવાની બાતમી મળી હતી. જેના પગલે તેમણે વલસાડ-ધરમપુર રોડ પર નાકાબંધી હાથ ધરી હતી. જે દરમિયાન ત્યાંથી વલસાડના વાંકલ ગામના 4, નવેરા ગામના એક અને ચીખલી સાદકપોર ગામના એક મળી કુલ 6 યુવાન નંબર વિનાની 6 બાઇક લઇને ત્યાંથી જતા પકડાયા હતા. જેમની તપાસ હાથ ધરતાં આ યુવાનો પાસેની બાઇક ચોરીની હોવાનું જણાયું હતુ. જેના પગલે પોલીસે તમામ યુવાનોની અટકાયત કરી વધુ પુછતાછ કરતા તેમણે 14 બાઇક ચોરી હોવાની કબૂલાત કરી હતી. જે પૈકીની 12 બાઇક પોલીસે કબજે કરી હતી. જ્યારે અન્ય 2 બાઇક પૈકી એક મુંબઇ અને એક નવસારીમાં વેંચી દીધી હોય પોલીસે તેને રિકવર કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
ધરમપુરમાં માસ્ટર કી બનાવી રાત્રે બાઇક ચોરી કરતા હતા
વલસાડ રૂરલ પોલીસના હાથે પકડાયેલા લબર મુછિયા ચોર ટોળકીના સંજય પટેલે ધરમપુરના તાજ લોક નામની દુકાનમાં માસ્ટર કી બનાવડાવી હતી. જ્યારે ભાવેશ પટેલ નામના યુવાન ચોરે નવેરામાં વેલ્ડીંગનું કામ કરતા અક્ષય પટેલ પાસેથી એક ચાવી બનાવી હતી. આ ચોરટાઓ રાત્રી દરમિયાન આ ચાવીથી બાઇક ખોલી તેને ચોરી જતા હતા.
પોલીસે બાઇક અને મોંઘી મોપેડો પકડી
પોલીસે 12 વાહનમાં કેટીએમ આરસી 200, બજાજ પલ્સર એનએસ 200 જેવી સ્પોર્ટ્સ બાઇક અને એક્સેસ 5જી, એક્ટિવા5જી જેવી મોંઘી મોંધી મોપેડ મળી કુલ 12 વાહન કબજે કર્યા છે. જ્યારે અન્ય 2 વાહન કબજે કરવા કવાયત હાથ ધરી છે.
બાઇક ચોરી ગુનાખોરીની દુનિયાની પા-પા પગલી
કોઇપણ મોટા ગુનેગારો વાહનચોરી અને ખાસ કરીને બાઇકચોરીના ગુના આચરી ગુનાખોરીની દુનિયામાં પ્રવેશ કરતા હોય છે. બાઇકચોરી ગુનાખોરીની દુનિયામાં પા-પા પગલી ગણાય છે. જેમાં સફળ થયા બાદ ગુનેગારો પીઢ બનતા જાય છે અને પછી ચોરીના વાહનો પર જઇ લૂંટ, ધાડ જેવા ગુનાઓ આચરતા પણ ખંચકાતા નથી. આ લબર મુછિયા યુવાનો ગુનાખોરીની દુનિયામાં પાપા પગલી માંડતા જ પકડાઇ ગયા છે. હવે તેઓ ગુનાખોરીની દુનિયાને અલવીદા કહે એ જરૂરી બન્યું છે.