સુરત: શહેરના અઠવાલાઇન્સ વિસ્તારમાં પોલીસ કમિશનર કચેરીમાંથી જ બાઈક ચોરીનો બનાવ બનતા પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ હતી. જો કે, ઉમરા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી સર્વેલન્સ સ્ટાફની મદદથી નાનપુરા વિસ્તારમાં રહેતા બેરોજગાર યુવકને ઝડપી પાડી તેની પાસેથી ચોરાયેલી બાઈક કબ્જે કરી છે.અઠવાલાઇન્સ સ્થિત કમિશનર કચેરીના ફોરવ્હીલ ગાડીઓના પાર્કિંગમાંથી એક બાઈકની ચોરી થઈ હતી. આ ઘટના સામે આવતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા તાકીદે માર્ગદર્શન અપાઈ ઉમરા પોલીસને ગુનાનો ભેદ ઉકેલવા દિશા-નિર્દેશ અપાયા હતા. ઉમરા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફે તાજેતરમાં નોંધાયેલા વાહનચોરીના ગુનાઓના સ્થળોના CCTV ફૂટેજ ચેક કર્યા હતા. તે દરમિયાન ચોક્કસ બાતમી મળી આવતાં પોલીસે કેબલ બ્રિજ પાસેથી સંદિગ્ધને ઝડપી પાડ્યો. તેની ઓળખ સિદ્ધાન્ત ઉર્ફે સની રવિકુમાર સુખનાની (રહે. શ્રી સાઈ એપાર્ટમેન્ટ, કદમ ભવનની સામે, જીમી ટેલર પાસે, ટીમલિયાવાડ, નાનપુરા) તરીકે થઈ હતી.
પોલીસે તેની પૂછપરછ કરતાં બહાર આવ્યું કે આરોપીએ અઠવાલાઇન્સ ખાતે કમિશનર કચેરીના પાર્કિંગમાંથી જ બાઈકની ચોરી કરી હતી અને ભાગી ગયો હતો. પોલીસે તેની પાસેથી ચોરાયેલી બાઈક કબ્જે કરી છે. આરોપી હાલ બેકાર હોવાનું પણ જાણવા મળ્યું છે.
પોલીસ સૂત્રોએ વધુમાં જણાવ્યું કે આરોપીને પકડવા માટે ઉમરા પોલીસે ૧૦૦થી વધુ CCTV કેમેરાના ફૂટેજ ચેક કર્યા હતા. વિવિધ એંગલમાંથી મળેલા વિડીયો આધારિત તપાસમાં અંતે આરોપીની ઓળખ કરી તેને ઝડપી પાડવામાં આવ્યો હતો. ઉમરા પોલીસે આરોપી સામે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે. આ બનાવથી ફરી એકવાર સાબિત થયું છે કે સુરત પોલીસે ટેક્નોલોજીની મદદથી વાહન ચોરી જેવા ગુનાઓ ઝડપથી ઉકેલી શહેરમાં સુરક્ષાનો માહોલ જાળવી રાખ્યો છે.