Madhya Gujarat

અડાસ પાસે કાર ટક્કરે બાઇક સવાર મહિલાનું મોત ઃ દંપતિને ગંભીર ઇજા

આણંદ : આણંદના અડાસ ગામ પાસે ધોરી માર્ગ પર પુરપાટ ઝડપે જતી કારે આગળ જતી બાઇકને જોરદાર ટક્કર મારતાં તેના પર સવાર બે મહિલા સહિત ત્રણ બાઇક સવાર રસ્તા પર પટકાયાં હતાં. જેમાં એક મહિલાને ગંભીર ઇજા પહોંચતા મોત નિપજ્યું હતું. બોરસદના વગવાલા સીમમાં રહેતા નિતીન મહેન્દ્રભાઈ પરમાર (ઉ.વ.23) વડોદરાની ખાનગી કંપનીમાં નોકરી કરે છે. 8મી ડિસેમ્બરના રોજ નિતીનના કાકાના દિકરા જીગ્નેશ કાભઇભાઈ પરમારના લગ્ન હોવાથી તેની જાન સામરખા ગામે જવાની હતી. આથી, બપોરના આશરે સાડા બારેક વાગ્યાના સુમારે નિતીન અને તેના પત્ની બિન્દુબહેન (ઉ.વ.20) તથા કુટુંબી દાદી સુમિત્રાબહેન ચીમનભાઈ પરમાર (ઉ.વ.55) બાઇક પર સામરખા જવા નિકળ્યાં હતાં.

તેઓ લગ્ન પ્રસંગમાં હાજરી આપી પરત સાંજના બોરસદ આવવા નેશનલ હાઈવે પર નિકળ્યાં હતાં. સામરખાથી વાસદ તરફ આવતા હતા. તે દરમિયાન રામનગરના બ્રિજ પસાર કરી 200 મીટર જેટલું અંતર કાપ્યું હતું. તે સમયે પાછળથી પુરપાટ ઝડપે ધસી આવેલી કાર નં.જીજે 6 પીજી 7036ના ચાલકની બેદરકારીથી બાઇકને પાછળથી ટક્કર મારી હતી. જેના કારણે બાઇક પર સવાર ત્રણેય જણ ફંગોળાયાં હતાં અને રસ્તા પર પટકાયાં હતાં. જેમાં નીતિનને પગમાં ઇજા પહોંચી હતી. જ્યારે તેના પત્ની બિન્દુબહેન (ઉ.વ.20) અને દાદી સુમિત્રાબહેન (ઉ.વ.55)ને માથામાં ગંભીર ઇજા પહોંચતાં તાત્કાલિક વાસદની હોસ્પિટલમાં ખસેડ્યાં હતાં. ફરજ પરના ડોક્ટરે સુમિત્રાબહેનને વડોદરા હોસ્પિટલમાં લઇ ગયાં હતાં. જોકે, વડોદરા હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યું નિપજ્યું હતું. જ્યારે બિન્દુબહેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. આ અંગે વાસદ પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધ્યો હતો.

વઘાસી પાસે કારની ટક્કરે મહિલાનું મોત
આણંદના વઘાસી ગામના આઝાદ ચોકમાં રહેતા લાલજીભાઈ ધનાભાઈ પરમારના બહેન વિમળાબહેન ધનાભાઈ પરમાર (ઉ.વ.50) ખેત મજુરી કરતાં હતાં. વિમળાબહેન 7મીએ ખેતમજુરી ગયા હતા. તેઓ સાંજના ઘરે પરત ફરી રહ્યા હતા તે દરમિયાન વઘાસી પાસે નેશનલ હાઈવે પર અંબીકા પાઇપ બાજુમાં તેમને અકસ્માત નડ્યો હતો. આથી, લાલજીભાઈ પરમાર તુરંત ઘટના સ્થળે પહોંચ્યાં હતાં. તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, આશરે સાંજના છ વાગ્યાના સુમારે વિમળાબહેન ચાલતા રોડ ક્રોસ કરી રહ્યાં હતાં. તે સમયે તેમને એક સફેદ કલરની કાર નં.જીજે 23 સીબી 5294ના ચાલકની બેદરકારીના કારણે હડફેટે ચડી ગયાં હતાં. જેના કારણે ગંભીર ઇજા પહોંચતા સ્થળ પર જ મોત નિપજ્યું હતું. આ અંગે લાલજીભાઈની ફરિયાદ આધારે આણંદ ગ્રામ્ય પોલીસે કાર ચાલક સામે ગુનો નોંદ્યો હતો.

Most Popular

To Top