પલસાણા: પલસાણાના જોળવા ગામે મોટરસાઇકલ રિપેરિંગ બાબતે ઝઘડો થતાં મિકેનિકે બે ભાઈઓને છાતીમાં પેચિયું મારી દીધું હતું, જેમાં ગંભીર ઇજા થવાથી એક ભાઈનું મોત થયું હતું. પોલીસે આ અંગે પાંચ વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
પલસાણાના જોળવાની અનુરાગ રેસિડેન્સીમાં રહેતો રાહુલકુમાર રામનારાયણ લોધી (ઉં.વ.23) તેના બનેવી રોહિત છત્રપાલ લોધી (ઉં.વ.28) અને રોહિતના ભાઈ શ્રવણ છત્રપાલ લોધી સાથે રહે છે અને તેઓ મૂળ ઉત્તર પ્રદેશના ઉન્નાવના રહેવાસી છે. ગત રાત્રે 8.30 વાગ્યે રોહિતની બાઇક ખરાબ થતાં તે રિપેર કરવા માટે રાહુલ તેના બનેવી સાથે અંકિત સંતોષ પ્રસાદ (રહે., અનુરાગ રેસિડેન્સી, જોળવા)ના ગેરેજ પર ગયા હતા. જ્યાં રિપેરના 20 રૂપિયા લીધા હતા. તેમ છતાં અવાજ આવતાં રોહિતે હજુ અવાજ કેમ આવે છે તેમ કહેતાં અંકિત ઉશ્કેરાઈ ગયો હતો અને તેમની સાથે થયો હતો. બાદ તેઓ ઘરે જતા રહ્યા હતા.
રાત્રે રોહિત તેના ભાઈ શ્રવણને લેવા ઓમ ઇન્ડસ્ટ્રિયલ ગયા હતા અને પરત ઘરે આવતા સમયે રોહિત તેના ભાઈ શ્રવણ આ અંકિતની ગેરેજ ઉપર ગયા હતા. જ્યાં અંકિત પેચિયું લઈને શ્રવણ અને રોહિત પાસે આવી રોહિતને મારવા જતાં શ્રવણ તેને બચાવવા જતા આ પેચિયું શ્રવણના ડાબી બાજુ છાતીના ભાગે પેચિયું મારી દીધું હતું. આથી તેઓ ઘરે આવી ગયા હતા.
બાદ રોહિત તેના સાળા રાહુલ સાથે બજારમાં ગયો હતો ત્યારે અંકિતે તેની સાથેના આતિષકુમાર બીજકિશોર સીંગ (રહે., મહાદેવ પેલેસ, બગુમરા, તા.પલસાણા), નિખિલ રમેશસીંગ રાજપૂત (રહે., નંદ રેસિડેન્સી, બગુમરા), દીપુ તેમજ અન્ય અજાણ્યા ઇસમ રોકવાનો પ્રયાસ કરતાં તેમની મોટરબાઈકલ સ્લિપ થઈ ગઈ હતી અને તે સમયે નીચે પડેલા રોહિતના પીઠમાં અંકિતે પેચિયું મારી દીધું હતું. રોહિતનું આ હુમલામાં મોત નીપજ્યું હતુ. ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી અને રાહુલની ફરિયાદ આ આધારે ઉપરોક્ત ઈસમો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.