પારડી : વલસાડ (Valsad) જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી બાઈક ચોરીના (Stealing) બનાવો બન્યા હતા. જે પ્રકરણમાં વલસાડ જિલ્લા પોલીસ (Police) વડાના માર્ગદર્શન હેઠળ વલસાડ રૂરલ પોલીસની ટીમે રેડ કરતા 12 જેટલી બાઇક સાથે 6 આરોપીને ઝડપી પાડ્યા હતા. આરોપીઓ ડુપ્લિકેટ ચાવી બનાવી ચોરી કરતા હોવાનું સામે આવ્યું હતું. આરોપીઓએ વલસાડ રૂરલ, ધરમપુર, પારડી, નાનાપોંઢા સહિત નવસારી જિલ્લામાં મળી કુલ 14 બાઈક ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો.
આરોપીઓને નવસારી સબજેલમાં મોકલી આપ્યા હતા. જેમાં બે બાઈક પારડી તાલુકાના મોટાવાઘછીપાના નીછાકલા ફળિયાના ધ્રુવ પરેશ પટેલની બાઈક અને મોટાવાઘછીપા ગામે મિશન ફળિયામાં રહેતા હેમાંશુ ભગુ પટેલની બાઇક ચોરાઈ હતી. જેની ફરિયાદ પારડી પોલીસ મથકે નોંધાઈ હતી. જે બાઈક ચોરીમાં સંડોવાયેલા 4 આરોપી ભાવેશ ઉર્ફે ભાવુ ભરત પટેલ (રહે. વલસાડ નવેરા), અક્ષય ઉર્ફે અક્ષુ બાલુ પટેલ, સંજય ઉર્ફે સંજુ સુરેશ પટેલ, દિપક ઉર્ફે બોદું મહેશ પટેલ (ત્રણેય રહે. વાંકલ વલસાડ)ને પારડી પોલીસે નવસારી સબજેલમાંથી ટ્રાન્સફર વોરંટથી પારડી લઇ આવી હતી. જેઓને કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરી છે. તમામ આરોપીઓ ચોરેલી બાઈક લઈને ફરતા પોલીસના સકંજામાં આવ્યા હતા.
ઉમરગામના બે ભાઇએ ટીસીને મારમારી ચપ્પુ બતાવી લૂંટી લીધો
વલસાડ : વિરારથી ભરૂચ જતી મેમુ ટ્રેનમાં ફસ્ટ ક્લાસમાં જનરલ કોચની ટિકીટ સાથે મુસાફરી કરી રહેલા ઉમરગામના બે સગા ભાઇએ ટીસીને મારમારી ચપ્પુ બતાવી લૂંટી પણ લીધો હતો. ડુંગરી-બીલીમોરા વચ્ચે આ ઘટના બન્યા બાદ બીલીમોરા સ્ટેશન પર બંને ભાગવા જતા એક ભાઇને પોલીસે પકડી પાડ્યો હતો.
પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ વિરાર-ભરૂચ મેમુમાં ગતરોજ ફસ્ટ ક્લાસ કોચમાં ઉમરગામના રહીશ રવિકુમાર લોકેશકુમાર સરોજ અને તેનો ભાઇ રોહિતકુમાર સરોજ જનરલની ટિકીટ લઇ ચઢ્યા હતા. ત્યારે વલસાડમાં ટિકીટ ચેકર તરીકે નોકરી કરતા મુસ્તાક અહેમદ મીરનમિયા કાઝી (ઉવ.57) ફસ્ટક્લાસ કોચમાં ચઢ્યા અને તેમણે રવિકુમાર અને રોહિતકુમાર સરોજ પાસે ટિકીટ માંગી હતી. બંને ભાઇઓ પાસે જનરલ કોચની ટિકીટ હોય, ટીસી મુસ્તાક અહેમદ કાઝી સાથે દંડ ભરવાના મુદ્દે ઉગ્ર બોલાચાલી થઇ હતી. આ બોલાચાલી ઉગ્ર બન્યા બાદ બંને ભાઇએ મળી કાઝીને માર માર્યો હતો. તેમજ એક ભાઇએ તેના ગળા પર છરો પણ મુકી દીધો હતો. ત્યારબાદ તેમણે કાઝીના ખિસામાંથી રૂ. 730 લઇ લીધા હતા. આ ઘટના પછી બીલીમોરા સ્ટેશન પર બંને ભાઇઓ ભાગવા જતા ટીસી કાઝીએ બૂમો પાડી હતી. જેના પગલે પોલીસે રવિકુમારને પકડી પાડ્યો હતો. પોલીસે તેને પોલીસ મથકે લઇ જઇ તેની પુછતાછ અને જડતી લેતાં તેની પાસેથી રૂ. 730 અને ચપ્પુ મળી આવ્યું હતુ. આ બનાવ સંદર્ભે પોલીસે કાઝીની ફરિયાદ લઇ બંને ભાઇઓ વિરૂદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.