SURAT

ઉધના રેલવે સ્ટેશન પર ભારે ભીડ, બિહારીઓએ છઠ્ઠપૂજા, ચૂંટણી માટે વતન તરફ દોટ મુકી

દિવાળી, છઠ્ઠ પુજા અને બિહાર ઇલેક્શનને પગલે માદરે વતન જવા માટે બિહારીઓએ દોટ મુકી છે, તેના પગલે સુરતના ઉધના રેલવે સ્ટેશન પર આજે તા. 7 ઓક્ટોબરની વહેલી સવારથી જ મુસાફરોની ભારે ભીડ ભેગી થઈ છે. ઉધના રેલવે સ્ટેશન પર પગ મુકવાની પણ જગ્યા નથી. પાછલા વર્ષોની ઘટનાઓને ધ્યાનમાં લેતા આ વખતે ક્રાઉડ મેનેજમેન્ટ માટે રેલવે પોલીસ વધુ સતર્ક બની છે. સીસીટીવી કેમેરા અને ડ્રોનની મદદથી ક્રાઉડ મેનેજમેન્ટ પ્રયાસ રેલવે તંત્રએ હાથ ધર્યા છે.

ટેક્સટાઈલ અને ડાયમંડ સિટી સુરતમાં મોટી સંખ્યામાં પરપ્રાંતિયો રોજગાર અર્થે આવતા હોય છે. અહીં ટેક્સટાઈલમાં યુપી, બિહાર, ઓરિસ્સાના મજૂરો કામ કરવા અર્થે આવતા હોય છે. આ પરપ્રાંતિયો દર વર્ષે દિવાળી, છઠ્ઠ પૂજા નિમિત્તે માદરે વતન જતા હોય છે. આ વખતે તો બિહારમાં દિવાળી પછી ચૂંટણી પણ છે, તેના લીધે વધુ મોટી સંખ્યામાં બિહારીઓએ વતન તરફ દોટ મુકી છે.

દિવાળીને હજુ બે અઠવાડિયાની વાર છે તે અગાઉથી જ બિહારના લોકોએ વતન તરફ જવાનું શરૂ કરી દીધું છે, તેના પગલે આજે સવારથી જ ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે. જનસાગર ઉમટ્યો હોય તેવા દ્રશ્યો ઉધના રેલવે સ્ટેશન પર જોવા મળી રહી છે. ધક્કામુક્કી, ઝપાઝપી અને અફરાતફરી જોવા મળી રહી છે. બાળકો, મહિલા અને વૃદ્ધોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

રેલવેના સૂત્રોએ કહ્યું કે, દર વર્ષે દિવાળી, છઠ્ઠ પૂજા માટે પરપ્રાંતિયો યુપી, બિહાર જતા હોય છે, તેના લીધે ઉધના રેલવે સ્ટેશન પર ભીડ ઉમટતી હોય છે. આ વખતે ભીડને કાબુમાં રાખવા અને અનિચ્છનીય બનાવોને ટાળવા માટે ગુજરાત રેલવે પોલીસ અને રેલવે પ્રોટેક્શન ફોર્સની ટીમોને મોટી સંખ્યામાં પ્લેટફોર્મ પર તૈનાત કરાઈ છે. સ્ટેશનના પ્રવેશદ્વારથી લઈને પ્લેટફોર્મ સુધી સુરક્ષા દળો વ્યવસ્થા જાળવવા પ્રયાસ કરે છે. તે ઉપરાંત ભીડ પર નજર રાખવા સીસીટીવી કેમેરા અને ડ્રોન સર્વેલન્સનો ઉપયોગ કરાઈ રહ્યો છે.

ભારતીય રેલવે 12,000 સ્પેશિયલ ટ્રેન દોડાવશે
ભારતીય રેલવેએ છઠ પૂજા અને દિવાળીના તહેવારોની ભીડને ધ્યાનમાં રાખીને દેશભરમાં મુસાફરોને સરળતા રહે તે માટે કુલ 12,000 સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનો નિર્ણય લીધો છે. આ સ્પેશિયલ ટ્રેનો 15 નવેમ્બર 2025 સુધી ચલાવવામાં આવશે. આ તહેવારો વચ્ચે ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ અને પૂર્વી રાજ્યો તરફ ભારે ભીડ રહે છે. ખાસ કરીને છઠ પૂજા માટે ઉત્તર ભારત તરફ મુસાફરોની સંખ્યા ખૂબ વધી જાય છે. આ ટ્રેનો દોડાવવાના કારણે લોકો સમયસર પોતાના ઘેર પહોંચી શકશે.

Most Popular

To Top