પટનાઃ (Patna) બિહારની રાજનીતિમાં ક્યારે શું થશે તેની કોઈને ખબર હોતી નથી. બિહારની રાજનીતિની આ વાત હવે ફરી ચર્ચામાં છે. એવા સમાચાર છે કે નીતિશ કુમાર (Nitish Kumar) ફરી એકવાર નવાજૂની કરી શકે છે. મુખ્યમંત્રી નીતિશ કુમારના આગામી પગલાને લઈને અટકળો ફરી એકવાર તેજ થઈ ગઈ છે. લોકસભાની ચૂંટણી નજીક આવતાની સાથે જ બિહારમાં રાજકીય ગતિવિધિઓ ઝડપથી બદલાઈ રહી છે. ગુરુવારે JDUના વરિષ્ઠ નેતા કેસી ત્યાગી દિલ્હી જવા રવાના થયા હતા. આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સમ્રાટ ચૌધરીને પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અચાનક દિલ્હી બોલાવ્યા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર ભારતીય જનતા પાર્ટી અને જેડીયુ વચ્ચે ફરીથી કાંઈક રંધાઈ રહ્યું છે. બંને પક્ષોના નેતાઓ વચ્ચે ફરી એકસાથે આવવાની વાતચીત ચાલી રહી છે. આ સમાચાર સામે આવતા જ બિહારનો રાજકીય પારો આસમાને પહોંચી ગયો છે. આ અહેવાલો વચ્ચે કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબે, બિહાર બીજેપી પ્રમુખ સમ્રાટ ચૌધરી અને JDU મહાસચિવ કેસી ત્યાગી દિલ્હી જવા રવાના થઈ ગયા હતા. મળતી માહિતી મુજબ ત્રણેય નેતાઓ એક જ ફ્લાઈટમાં દિલ્હી જવા રવાના થયા હતા. તમને જણાવી દઈએ કે એક દિવસ પહેલા જ મુખ્યમંત્રી નીતિશ કુમારે પરિવારવાદના મુદ્દા પર નિશાન સાધ્યું હતું.
બીજી તરફ JDU અને RJD એ પણ બેઠકોનો દોર શરૂ કર્યો છે. જેડીયુના વરિષ્ઠ નેતાઓ પણ પટનામાં બેઠક કરી રહ્યા છે. જેડીયુ સાંસદ લલન સિંહ અને મંત્રી વિજય ચૌધરી એકસાથે મુખ્યમંત્રી નીતિશ કુમારના સત્તાવાર નિવાસસ્થાને પહોંચ્યા હતા. સીએમ આવાસ પર સઘન મંથન ચાલી રહ્યું છે. આ તરફ આરજેડીએ પણ પોતાના વરિષ્ઠ નેતાઓની બેઠક બોલાવી છે. રાબડી દેવીના ઘરે નેતાઓ પહોંચવા લાગ્યા છે.
આવી ચર્ચાઓ ખેદજનક છેઃ ત્યાગી
જોકે બીજી તરફ કેસી ત્યાગીએ કહ્યું કે નીતિશ કુમાર વિશે આવી ચર્ચાઓ ખેદજનક છે. તેઓ ઈન્ડિયા એલાયન્સના નિર્માતા છે, તેમણે પોતાના બાળકની જેમ તેનું પાલન-પોષણ કર્યું છે. આમાંથી બહાર નિકળવાની વાત તો દૂર જ્યારે પણ તેના કાર્યક્રમોમાં પહોંચવામાં વિલંબ થાય છે ત્યારે તે અફસોસમાં રહે છે.