National

બિહારમાં NDAની બેઠકોની વહેંચણી, ભાજપને મળી 17 સીટ, JDU સહિત અન્ય પક્ષોને મળી આટલી બેઠકો

નવી દિલ્હી: (New Delhi) બિહાર NDAની અંદર સીટોની વહેંચણીને (Seat Sharing) મામલો સેટ થઈ ગયો છે. બિહારમાં સીટો પર સમજૂતીને લઈને NDAએ સોમવારે એક પ્રેસ કોન્ફરન્સમાં મોટી માહિતી આપી છે. એનડીએ નેતાઓ દ્વારા સીટ વહેંચણીને લઈને આપવામાં આવેલી માહિતી અનુસાર બિહારમાં ભાજપ 17 સીટો પર, જેડીયુ 16 પર, એલજેપી રામવિલાસ 5 અને ઉપેન્દ્ર કુશવાહ 1 પર અને જીતન રામ માંઝી 1 સીટ પર ચૂંટણી લડશે.

બિહારમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ની પાર્ટીઓ વચ્ચે સીટોની વહેંચણીનો નિર્ણય લેવામાં આવ્યો છે. દિલ્હીમાં બીજેપી કેન્દ્રીય કાર્યાલય ખાતે આજે બેઠકોની જાહેરાત કરવામાં આવી હતી. બિહારમાં આ વખતે એનડીએ ગઠબંધનમાં ભારતીય જનતા પાર્ટી, હિન્દુસ્તાન અવમ મોરચા, જનતા દળ (યુ), લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ) અને રાષ્ટ્રીય લોક સમતા પાર્ટીનો સમાવેશ થાય છે. આ પાંચ પાર્ટીઓમાં 40 સીટોની વહેંચણી કરવામાં આવી છે. 40 બેઠકોમાંથી ભાજપ 17 બેઠકો પર, JDU 16 પર, ચિરાગ પાસવાનની પાર્ટી 5 બેઠકો પર, હિન્દુસ્તાન અવમ મોરચા અને રાષ્ટ્રીય લોક સમતા પાર્ટી એક-એક બેઠક પર ચૂંટણી લડશે.

જીતન રામ માંઝીની પાર્ટી (HAM)ને 1 સીટ, ઉપેન્દ્ર કુશવાહાની પાર્ટી (RLM)ને 1 સીટ મળી છે. પરંતુ પ્રાપ્ત માહિતી અનુસાર ઉપેન્દ્ર કુશવાહા બિહારમાં પોતાની પાર્ટી માટે બે સીટ ઈચ્છે છે. બીજી તરફ એનડીએની સીટ વહેંચણીની જાહેરાત બાદ હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે પશુપતિ પારસ અને મુકેશ સાહનીના પક્ષો એનડીએમાંથી બહાર થઈ ગયા છે. તમને જણાવી દઈએ કે પશુપતિ કુમાર કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારમાં કેબિનેટ મંત્રી પણ છે. તાજેતરમાં જ ચિરાગ પાસવાન જેપી નડ્ડાને મળ્યા બાદ પશુપતિએ પણ કહ્યું હતું કે તેમની સાથે ન્યાય નથી થઈ રહ્યો અને તેઓ એનડીએથી અલગ પણ થઈ શકે છે. જ્યારે NDA સાથે મુકેશ સાહની સાથેની વાતચીત પણ ફળીભૂત ન થઈ અને તેમણે પણ આ ગઠબંધન છોડી દીધું છે.

Most Popular

To Top