બિહાર સ્પેશિયલ આર્મ્ડ પોલીસ (BSAP)ના 935 પોલીસ જવાનની નાસ્તો કર્યા બાદ અચાનક તબિયત લથડી હતી. આકરા તડકામાં ધરણાં પર બેસેલા જવાનોએ આરોપ લગાવ્યો કે તેમને ખરાબ ભોજન આપવામાં આવી રહ્યું છે. તબિયત લથડતા જવાનોને તાત્કાલિક વીરપુર સબ-ડિવિઝનલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જવાનોનો આરોપ છે કે ખોરાકમાં સલ્ફાસ ભેળવવામાં આવ્યું હતું, જેના કારણે તબિયત બગડી હતી.
મળતી માહિતી મુજબ રવિવારે નાસ્તામાં પૂરી, જલેબી અને ચણાનું શાક ખાધા બાદ 265 પોલીસ જવાનની તબિયત લથડી હતી. તેઓને તાત્કાલિક વીરપુર સબ-ડિવિઝનલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. રસોડામાં સલ્ફાસનું પેકેટ પણ મળ્યું હતું. જેને લઈને જવાનોએ આરોપ લગાવ્યો હતો કે તેમના ભોજનમાં સલ્ફાસ ભેળવવામાં આવ્યું હતું. જોકે ખોરાકમાં સલ્ફાસના મિશ્રણની હજુ પુષ્ટિ થઈ નથી.
ધરણા પર બેસેલા પોલીસ જવાનોનું કહેવું છે કે ટ્રેનિંગ સેન્ટરમાં 400 જવાનોને રાખવાની ક્ષમતા છે, પરંતુ અહીં 935 જવાનને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. જેને લઈને જવાનોએ ડીઆઈજી અને આઈજી પાસે તપાસની માગ કરી છે. સૈનિકોનું કહેવું છે કે તેઓ બિહારના અલગ-અલગ જિલ્લાઓમાંથી PTSCની ટ્રેનિંગ માટે દોઢ મહિનાથી અહીં રોકાયા છે. તેમનો આરોપ છે કે તેઓને દરરોજ વાસી ખોરાક આપવામાં આવે છે.
જણાવી દઈએ કે સોમવારે સવારે 8 વાગ્યાથી ભીમનગર સ્થિત બિહાર સ્પેશિયલ આર્મ્ડ પોલીસ (BSAP)ના 935 જવાન ભૂખહડતાળ પર બેઠા છે. જવાનોએ કમાન્ડન્ટ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમની માગ છે કે ખોરાકની ક્વોલિટીમાં સુધારો કરવો જોઈએ અને આઈજી ટ્રેનિંગ સાથે રૂબરૂ બેઠક યોજવી જોઈએ.