National

‘બિહારને ગુનાનું પાટનગર બનાવ્યું છે’- ગોપાલ ખેમકા હત્યા કેસ પર રાહુલ ગાંધીનો ભાજપ-નીતિશ પર પ્રહાર

પટણાના જાણીતા ઉદ્યોગપતિ ગોપાલ ખેમકાની જાહેરમાં ગોળી મારી હત્યા બાદ રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. સમગ્ર રાજ્યમાં આ ઘટના પ્રત્યે રોષ અને દુઃખની લાગણી ફેલાઈ રહી છે. ત્યારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આ હત્યાને લઈ ભાજપ-નીતીશ કુમાર સરકાર પર સીધો આક્ષેપ કર્યો છે.

રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ (એક્સ) પર લખ્યું, “પટણામાં ઉદ્યોગપતિ ગોપાલ ખેમકાની જાહેરમાં ગોળીબારની ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે ભાજપ અને નીતિશ કુમારે મળીને બિહારને ‘ભારતનું ગુનાખોરીનું પાટનગર’ બનાવી દીધું છે.”

તેમણે રાજ્યમાં વધતા ગુનાખોરીના આંકડાઓને લઈ સરકારની નિષ્ફળતાને ઉજાગર કરતા કહ્યું કે, “આજે બિહાર લૂંટ, ગોળીબાર અને હત્યાના પડછાયા હેઠળ જીવી રહ્યું છે. ગુનો હવે અહીં થવું સામાન્ય બની ગયુ છે અને સરકાર લોકોની રક્ષા કરવામાં નિષ્ફળ રહી છે.”

રાહુલ ગાંધીએ પોતાના મેસેજમાં બિહારની જનતાને સંબોધતા નિવેદન આપ્યું કે, “આ વાત હવે સહન કરી શકાય તેમ નથી. જે સરકાર તમારા બાળકોનું રક્ષણ નહીં કરી શકે, તે તમારા ભવિષ્યની જવાબદારી પણ લઈ શકતી નથી. હવે એક નવા બિહારની જરૂર છે,જ્યાં ભય નહીં પણ પ્રગતિ હશે.”

SITની રચના, પોલીસ તપાસ યથાવત: ખેમકા હત્યા કેસની ગંભીરતા જોતા પટના પોલીસ દ્વારા એક ખાસ તપાસ ટીમ (SIT)ની રચના કરવામાં આવી છે. સાથે જ બિહાર STF અને ટેકનિકલ સેલ પણ તપાસમાં જોડાયા છે. પોલીસ મથકના ઉચ્ચ અધિકારીઓ સતત દેખરેખ રાખી રહ્યા છે.

શુક્રવાર રાત્રે લગભગ 11:40 વાગ્યે ગોળીબારની ઘટના ઘટી હતી. પરિવારજનો ખેમકાને કાંકરબાગ સ્થિત ખાનગી હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. ઘટનાસ્થળે પોલીસ દોઢ કલાક મોડી પહોંચી હોવાના પ્રશ્નો વચ્ચે, બિહાર DGPએ દાવો કર્યો કે, “કોઈ પ્રકારનો વિલંબ થયો નથી. પોલીસની કાર્યવાહી સમયસર રહી છે.”

રાજકીય ગરમાવટ યથાવત: કેસના રાજનૈતિક પડઘમોને ધ્યાનમાં રાખતા, આગામી દિવસોમાં રાજ્યમાં ચૂંટણીના સંદર્ભે આ મુદ્દો ભારે પડકારરૂપ બની શકે છે. હવે જોઈ રહ્યુ છે કે સરકાર આ ગુનાની તપાસને ક્યાં સુધી પહોંચાડે છે.

Most Popular

To Top