મોદી ૩.૦ સરકારનું નવું બજેટ આવી ગયું અને એમાં ધારણા મુજબ આંધ્ર પ્રદેશ અને બિહારને સારી એવી સહાય પૂરી પાડવામાં આવી છે. આ બંને રાજ્યોમાં મોદી સરકારના સાથી પક્ષો છે અને એમના સહારે જ મોદી સરકાર બની શકી છે. આ બંને રાજ્યોની માગણી તો ઘણી બધી હતી પણ ઘણા ખરા અંશે એમની માગણીઓ પ્રત્યે બજેટમાં ધ્યાન અપાયું તો છે પણ સાર નિશાની એ છે કે, માળખાકીય સુવિધા માટે ફાળવણી થઇ છે.
બિહારને સ્પેશ્યલ સ્ટેટસ મળે એ માટે જેડીયુની માગણી હતી. નીતીશકુમાર આ માટે ઘણાં વર્ષોથી માગણી કરતા આવ્યા છે પણ એમની માગણી જ માગણી રહી છે. મોદી ૩.૦ સરકાર એમના ટેકે બની છે એટલે નીતીશને આશા હતી કે, એમની માગણીનો હવે જરૂર સ્વીકાર થશે. પણ બજેટ રજૂ થયાના આગલા દિવસે જ કેન્દ્ર સરકાર દ્વારા એવું કહી દેવાયું કે, બિહારને સ્પેશ્યલ સ્ટેટસ નહિ અપાય. અગાઉ નાણાં મંત્રીએ એવું કહેલું કે, આ માટે નાણાં આયોગ તરફથી ભલામણ આવવી જોઈએ. એટલે એ નક્કી હતું કે, નીતીશની માગણી નહિ સ્વીકારાય.
પણ બજેટમાં જે રીતે બિહાર માટે ફાળવણી થઇ છે એનાથી નીતીશ રાજી રહે એવું તો સંભવ બની ગયું છે. હા, વિપક્ષ દ્વારા નીતીશને ટોણો તો મારવામાં આવ્યો છે કે, સ્પેશ્યલ સ્ટેટસનું શું? નીતીશ બિહારની પ્રજાને જવાબ આપે. જો કે, નીતીશે પ્રતિભાવ આપ્યો કે, સારી અરવી મદદ મળી છે, શરૂઆત સારી થઇ છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, બિહારને જે મદદ અપાઈ છે એ માળખાકીય સુવિધા માટે અપાઈ છે. હાઈ વે માટે રૂ. ૨૬,૦૦૦ કરોડ આપ્યા છે અને વીજળી યોજના માટે ૨૧,૪૦૦ કરોડ અપાયા છે.
એ જ રીતે આંધ્ર પ્રદેશને એના નવા પાટનગર અમરાવતીને વિકસાવવા માટે રૂ. ૧૫,૦૦૦ કરોડ આપ્યા છે. આ નાણાં કઈ રીતે વપરાશે એ હવે મુખ્યમંત્રી નાયડુ પર નિર્ભર છે. નાયડુએ આ જોગવાઈ આવકારી છે. હવે મહત્ત્વનું એ છે કે, આંધ્ર પેટ્રો રીફાઈનરીની વાત હતી અને એ મુદે્ નાયડુ એચપી સાથે વાત કરી ચૂક્યા હતા , એનું બજેટ તો રૂ. ૫૦,૦૦૦ કરોડથી પણ વધુ હતું. એની જાહેરાત બજેટમાં થવાની આશા હતી પણ થઇ નથી. એનો અર્થ શું સમજવો? કે હવે પછી એની જાહેરાત થશે?
આ બંને રાજ્યોનો બજેટમાં જે રીતે ઉલ્લેખ કરાયો એ સ્પષ્ટ કરે છે કે, બંને પક્ષના સાથે મળી ૨૮ એમપી છે અને એમના સહારે સરકાર બની છે એને મહત્ત્વ આપવું જોઈએ. આપવું પડે. લોકસભાની ચૂંટણીનાં પરિણામોની આ પાછોતરી અસર પણ ગણાય. મોદી ૩.૦ સરકારમાં આ જ આગલી મોદી સરકારો કરતાં તફાવત છે ને એ તફાવત દેખાતો રહેવાનો છે અને એટલે જ વિપક્ષો દ્વારા બચાવો સરકાર બજેટ જેવી ટીકાઓ થઇ છે.
ગુજરાતમાં ભાજપ પ્રદેશ પ્રમુખની નિયુક્તિ ક્યારે?
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં એક બેઠક ગુમાવ્યાનો રંજ ભાજપમાં કેમેય કરી ઓછો થતો નથી અને કદાચ એટલે જ પ્રદેશ પ્રમુખની નિયુક્તિ ટાળવામાં આવી છે. સી. આર. પાટીલે તો કેન્દ્રીય મંત્રી બન્યા પછી સાળંગપુરમાં યોજાયેલી ભાજપ કારોબારી બેઠકમાં સ્પષ્ટ કરી દીધું હતું કે, નવા પ્રમુખની પસંદગી હવે થશે. પણ થઇ નથી અને ડિસેમ્બર સુધી પાટીલને ચાલુ રાખવામાં આવ્યા છે. કાર્યકારી પ્રમુખ તરીકે પણ કોઈને મૂકવાનું ટાળવામાં આવ્યું છે. આવું જ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખપદનું થયું છે. ત્યાં પણ જે. પી. નડ્ડાને ચાલુ રાખવામાં આવ્યા છે. એ હવે નક્કી થઇ ચૂક્યું છે કે, ચાર રાજ્યોની ચૂંટણી વર્ષના અંતે થવાની છે એ એમની આગેવાનીમાં જ થશે.
એ જ રીતે ગુજરાતમાં બે ત્રણ માસમાં થનારી સ્થાનિક ચૂંટણીઓ પણ પાટીલના નેતૃત્વમાં જ લડાશે. ગમે ત્યારે આ ચૂંટણીઓની જાહેરાત થઇ શકે છે. આમ યા ચૂંટણીઓ જાહેર કરવામાં ખાસ્સો વિલંબ થયો છે. કેટલીક સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં વર્તમાન સત્તાધીશોની ટર્મ પૂરી થવામાં છે. કદાચ ભાજપ,રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાએ નવા પ્રમુખોની નિયુક્તિ ટાળી એટલે છે કે, નવા પ્રમુખના કારણે કોઈ સમસ્યા ના આવે.
કર્ણાટકમાં ભાજપીઓનો અજબ વિરોધ
કર્ણાટકની કોંગ્રેસ સરકાર સામે ભાજપનાં ધારાસભ્યોએ અજબ વિરોધ કર્યો છે. મૈસુર ડેવલપમેન્ટ ઓથોરીટી તળે દલિતોને ફાળવવાના જમીન પ્લોટ અમીરોને ફાળવી દેવાયા છે એવો આક્ષેપ થયો છે. આ મુદે્ વિધાનસભામાં ભાજપે ચર્ચા માગી પણ મંજૂરી ના મળતાં ભાજપ અને જેડીએસનાં ધારસભ્યો વિધાનસભામાં બેઠાં રહ્યાં અને રાત પણ જમીન પર વિતાવી. શેતરંજી પાથરીને સૂતા અને કેટલાક સભ્યો લુંગી, ગંજીમાં જોવા મળ્યા. આક્ષેપ એવો છે કે, ૫,૦૦૦ પ્લોટ દલિતોને ફાળવવાના હતા પણ એમાંના કેટલાક પ્લોટ અમીરોને ફાળવી દેવાયા છે અને આ રીતે રૂ. ૪,૦૦૦ કરોડનું કૌભાંડ થયું છે અને એ માટે મુખ્યમંત્રી સિદ્ધારમિયા અને એમનાં પત્ની જવાબદાર છે. એમણે રાજીનામું આપવું જોઈએ. મુખ્યમંત્રી ખુલાસો કરે છે કે, એમની સામેના આક્ષેપો ખોટા છે એ ક્યાંય સંડોવાયા નથી. આ મુદે્ સરકારે બે અધિકારી સામે ફરિયાદ પણ નોંધાવી છે. બીજી બાજુ , ઇડી પણ આ તપાસમાં જોડાઈ ગઈ છે.
કર્ણાટકમાં ભાજપ વિરોધ પક્ષમાં છે અને વિપક્ષ તરીકે દેખાવ કરવામાં એ માહેર છે અને એનો પરચો કોંગ્રેસ સરકારને મળ્યો છે. કર્ણાટક સરકાર સામે ભાજપ દ્વારા સતત આક્ષેપો થાય છે. ભાજપ અને જેડીએસ બંને કોંગ્રેસ સરકારને ભીડવવામાં સફળ થયા છે. કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડી. કે. શિવકુમારને પણ કેટલાક કેસોમાં રાહત મળી નથી. આવકવેરાના એક કેસમાં કોર્ટે એમની સામેનો કેસ રદ કરવાની ના પાડી છે એટલે તપાસ આગળ વધી શકે છે. એટલે કે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી બંને ભ્રષ્ટાચારના આક્ષેપોના ઘેરામાં છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.