બિહાર વિધાનસભામાં આજે એક ખરડાના મુદ્દે ભારે વિવાદ પછી શાસક અને વિપક્ષી સભ્યો વચ્ચે છૂટા હાથની મારા મારી થઇ હતી અને સ્પીકરને તેમની ખુરશી પર બેસતા કેટલાક ધારાસભ્યોએ શારીરિક રીતે અટકાવ્યા હતા જેના પછી ગૃહમાં વ્યવસ્થા જાળવવા માર્શલોની મદદમાં પોલીસ બોલાવવી પડી હતી.
બિહાર સ્પેશ્યલ આર્મ્ડ પોલિસ બિલ, ૨૦૨૧ના મુદ્દે ભારે વિવાદ સર્જાયો હતો અને તેમાંથી ધમાલ શરૂ થઇ હતી. આ ખરડામાં ખાસ સશસ્ત્ર પોલિસને વોરન્ટ વગર દરોડા પાડવાની અને ધરપકડ કરવાની સત્તા આપવામાં આવી છે જેની સામે વિપક્ષી સભ્યોએ ભારે વિરોધ નોંધાવ્યો હતો.
રાજદના મહિલા સાંસદોએ સ્પીકરને તેમની ખુરશીમાં બેસવા દીધા ન હતા, સ્પીકર વિજય કુમાર સિંહાને તેમની ચેમ્બરમાં જ ઘેરી લેવાયા હતા અને બહાર નીકળવા દેવાયા ન હતા, જ્યારે વિપક્ષી ગઠબંધનના સભ્યોએ ગૃહની મધ્યમાં ધસી જઇને ભારે ધમાલ મચાવી હતી અને શાસક પક્ષના સભ્યોએ તેમનો સામનો કરતા સંઘર્ષ સર્જાયો હતો.
કેટલાક સભ્યોએ ગૃહના ફર્નિચરની તોડફોડ કરી હતી અને વિધાનસભા સચિવની ખુરશી ફેંકી દેવામાં આવી હતી. આના પછી માર્શલોએ કડકાઇ વાપરવા માંડી હતી. તેમની મદદમાં પોલીસ કર્મચારીઓને પણ ગૃહમાં બોલાવવામાં આવ્યા હતા. માર્શલોએ ખાસ કરીને વિપક્ષી ધારાસભ્યોને ઉંચકી ઉંચકીને ગૃહની બહાર કાઢ્યા હતા અને આ બધી ધમાલમાં રાજદના એક ધારાસભ્ય તો બેહોશ બની ગયા હતા. રાજદના તથા તેના સાથી પક્ષ સીપીઆઇ(એમ)ના કેટલાક ધારાસભ્યો અર્ધબેહોશ જેવા બની ગયા હોવાનું પણ કહેવાય છે. તેમણે બાદમાં એવી ફરિયાદ કરી હતી કે તેમને સખત માર મારવામાં આવ્યો હતો.