- સ્મીમેર મેડિકલ કોલેજની હોસ્ટેલમાં રેસિડન્ટ તબીબ રૂત્વિક દરજીએ થાઇગર્લ બોલાવી હોવાની સ્ટેશન ડાયરીમાં નોંધ
- અગાઉ રેગિંગ પ્રકરણે હોસ્ટેલમાંથી સસ્પેન્ડ થયેલા રેસિડન્ટ ડોકટરનું જ કારનામું
- પહેલા સ્મીમેરમાં યુવતી રશિયન હોવાની વાત હતી જો કે પાછળથી તે થાઇ હોવાનું બહાર આવ્યું હતું
સુરત : સુરત મહાનગર પાલિકા સંચાલીત સ્મીમેર હોસ્પિટલ વિવાદોનો પર્યાય બની ગઈ છે. એટલું જ નહીં સ્મીમેર હોસ્પિટલને વારંવાર વિવાદોમાં લાવનારા અન્ય કોઈ નહીં પરંતુ અહીંના કેટલાક રેસિડેન્ટ ડોક્ટરોની જ ભૂમિકાઓ રહે છે. ક્યારેક જૂનિયર સાથે રેગિંગ કરવું, તો ક્યારેક દર્દીઓ સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કરવું, એટલું ઓછું હોય ત્યારે અમુક રેસિડેન્ટ ડોકટરો સામે દારૂનું સેવન કરવાના પણ આક્ષેપો થયા છે.
આ વિવાદો વચ્ચે હવે વધુ એક સંગીન અને ગંભીર પ્રકારના આક્ષેપો ઓર્થોપેડિક વિભાગના રેસિડેન્ટ ડોક્ટર ઋત્વિક દરજી સામે થયા છે. સુરત મનપા સંચાલિત સ્મીમેર મેડિકલ કોલેજમાં રેસિડેન્ટ તબીબો દ્વારા હોસ્ટેલમાં રાતે થાઇગર્લ બોલાવીને રંગરેલીયા મનાવતા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
શરૂઆતમાં સ્મીમેરમાં આ વિદેશી યુવતી રશિયન હોવાની વાત બહાર આવી હતી જો કે, તપાસમાં તે થાઇલેન્ડની હોવાનું બહાર આવ્યું હતું. થાઇગર્લ સાથે કોઇ બાબતે તકરાર થતા તેને માર પણ મરાયો હોવાનું બહાર આવતા ફરી એકવાર સ્મીમેર મેડિકલ કોલેજમાં સિનીયરો દ્વારા ચાલતા કારનામાઓ પ્રકાશમાં આવતા મનપાનું તંત્ર પણ દોડતુ થઇ ગયું હોય સ્મીમેરમાં ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યૂટી તરીકે મૂકાયેલા ડેપ્યુટી કમિશનર (આઇએએસ) રાજેન્દ્ર પટેલે નિમેલી તપાસ કમિટિને આજે સોમવારે મોડી રાત સુધીમાં રીપોર્ટ રજૂ કરવા તાકીદ કરી છે.
વિસ્તૃત વિગતો મુજબ સ્મીમેર મેડિકલ કોલેજની હોસ્ટેલમાં રેસિડેન્ટ તબીબે થાઈ ગર્લને બોલાવી હતી. જો કે, ત્યારે કોઈ કારણસર તેની સાથે ઝગડો થતાં રેસિડેન્ટ ડોકટરે થાઈ ગર્લને તમાચો મારી દીધો હતો. જેને પગલે થઇ ગર્લ અર્ધ કપડાંમાં જ ભાર નીકળી જતા કેમ્પસમાં હાઈવોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો.
થાઈગર્લે 100 નંબર ઉપર કોલ કરતાં પોલીસ ત્યાં આવી પહોંચી હતી અને મામલો વરાછા પોલીસ મથકે પહોંચ્યો હતો. જો કે અત્યાર સુધી આ મામલામાં કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. પરંતુ રેસિડેન્ટ ડોકટરના આ કૃત્યને પગલે આખી હોસ્પિટલ અને કોલેજ માટે શરમજનક સ્થિતી થઇ છે.
આ સમગ્ર કેસમાં વાત મ્યુનિસિપલ કમિશનર સુધી પહોંચતા તેઓએ ડેપ્યુટી કમિશનર ડો.રાજેન્દ્ર પટેલને તપાસના આદેશ આપ્યા હતા. જેથી ડો.રાજેન્દ્ર પટેલે સમગ્ર કેસમાં સ્મીમેર મેડિકલ કોલેજના ડીન ડો.દિપક હોવલે, રેકટર પાંડે અને વોર્ડન જોશીને શો કોઝ નોટિસ ફટકારી ૨૪ કલાકમાં સમગ્ર કેસમાં તપાસનો રિપોર્ટ માંગ્યો છે.
હાલ તો સ્મીમેરના સત્તાધીશો દ્વારા આ સમગ્ર ઘટનામાં સીસીટીવી ફૂટેજ જપ્ત કરી તપાસ શરુ કરવામાં આવી છે. તેમજ આ કમિટિને સોમવારે રાત સુધીમા જ રીપોર્ટ આપી દેવા આદેશ આપી દેવાયો છે. દરમિયાન એવું પણ જાણવા મળી રહ્યું છે કે, આ દોઢ વર્ષ અગાઉ જે રેસિડેન્ટ તબીબ રેગિંગ પ્રકરણે સસ્પેન્ડ થયો હતો. તે જ ડોકટર આ કારનામામા સામેલ છે. તેથી મનપાના તંત્ર દ્વારા પણ સીસીટીવીના ફૂટેજ મંગાવી આ વખતે કડક કાર્યવાહીની તૈયારી કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ તબીબને રાજકીય નેતાઓ બચાવી રહ્યાં છે
સ્મીમેર મેડીકલ કોલેજમાં થાઇગર્લને બોલાવી રંગરેલીયા મનાવવા અને મારપીટ કરવાના કીસ્સામાં ફરી એકવાર અગાઉ વિવાદમાં આવેલો રેસિડન્ટ ડોકટર જ હોવાનું બહાર આવ્યું છે. આ ડોકટરે અગાઉ જૂનિયર વિદ્યાર્થીઓને અર્ધનગ્ન કરીને દોડાવી રેગિંગ કર્યુ હતું. તેના પણ ફૂટેજ ફરતા થયા હતા.
ત્યારે તમામ પુરાવા હોવા છતાં આ તબીબને માત્ર હોસ્ટેલમાંથી અમુક માસ માટે સસ્પેન્ડ કરીને શાસકોએ ભીનું સંકેલી લીધુ હતું. જેની પાછળ એવી ચર્ચા છે કે, રાજકીય નેતાઓ સાથે આ તબીબના મોટુ નામ ધરાવતા પિતાને સબંધો છે. આ વખતે પણ રાજકીય નેતાઓ દ્વારા મોટી સજામાંથી બચાવવા ધમપછાડા ચાલુ થઇ ગયા હોવાની ચર્ચા છે.
થાઈ યુવતીને બોલાવવાના પ્રકરણનો આખો ઘટનાક્રમ
- મધરાત્રે રેસિડેન્ટ ડોક્ટરે ઓનલાઈન એક દલાલનો નંબર મેળવ્યો હતો.
- તે દલાલે બીજો નંબર આપ્યો હતો
- બીજા દલાલે થાઈ યુવતીનો નંબર આપ્યો હતો
- થાઇ યુવતીએ ફોન ઉપર ડોક્ટરને વીઆઇ મોલની પાછળ બોલાવ્યો હતો
- ડોક્ટર તેને લેવા માટે બાઇક લઇને ત્યા ગયો હતો
- મધરાત્રે 28 વર્ષની થાઇ યુવતીને બાઇક પર તબીબ સ્મીમેરમાં લાવ્યો હતો.
- ત્રણેક બંને વચ્ચે ઝગડો તબીબે તમાચો મારી યુવતીનું ગળું દબાવી દીધું હતું
- યુવતી દોડીને સ્મીમેરની પોલીસ ચોકીએ પહોંચી હતી
- ત્યાં તેણે આઇ એમ ઇન ડેન્જર જેવી ચીસો પાડી હતી
- યુવતીને હોસ્પિટલમાં લઇ ગયા બાદ વરાછા પોલીસ સ્ટેશન લઇ જવાઇ હતી
- ડોક્ટર ઋત્વિકને પણ પોલીસ સ્ટેશન બોલાવાયો હતો ત્યાં યુવતીએ ફરિયાદ આપવાની ના પાડી હતી
- યુવતીનો જવાબ લઈને તેને જવા દેવામાં આવી હતી
- ડોક્ટર વિરૂદ્ધ કોઈ ફરિયાદ ન મળતા તેને પણ જવા દેવામાં આવ્યો હતો
કમિટિમાં આ સભ્યોનો સમાવેશ કરાયો
(1) ડો.દીપા ગુપ્તા (2) ડો.વિપુલ શ્રીવાસ્તવ (3) ડો.અનુપમા દેસાઈ (4) ડો.એમ.એમ.હક (5) આસિસ્ટન્ટ લો.ઓફિસર રાણે