ભારતીય ક્રિકેટ ટીમ ICC T20 વર્લ્ડ કપનું અભિયાન શરૂ કરતા પહેલા પોતાની તૈયારીઓ ચકાસી લેવા માટે આજે તા. 1 જૂનના રોજ વોર્મ-અપ મેચ રમશે. બાંગ્લાદેશ સામેની આ મેચમાં ટીમ ઈન્ડિયા બેટિંગ અને બોલિંગ બંને અજમાવવા માંગશે. આ મેચને ટીમના દૃષ્ટિકોણથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન નક્કી કરવા માટે આ મેચ ખૂબ મહત્ત્વની છે. આ મેચ ન્યૂયોર્કમાં રમાવાની છે. આ પ્રેક્ટિસ મેચ દરમિયાન હવામાન કેવું રહેશે, શું વરસાદ પડશે? તે સૌ કોઈ જાણવા માંગે છે.
ICC T20 વર્લ્ડ કપ ટીમ ઈન્ડિયા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે માનવામાં આવે છે કે કેપ્ટન રોહિત શર્મા અને અનુભવી વિરાટ કોહલી માટે ટ્રોફી જીતવાની આ છેલ્લી તક હોઈ શકે છે. કોચ રાહુલ દ્રવિડ માટે પણ આ મેગા ICC ટૂર્નામેન્ટ કોચ તરીકે છેલ્લી ટૂર્નામેન્ટ છે. ગયા વર્ષની શરૂઆતમાં ભારત ICC ODI વર્લ્ડ કપમાં ફાઇનલમાં પહોંચ્યું હતું પરંતુ તે ટાઇટલ જીતી શક્યું નહોતું.
આ વખતે આશા છે કે ટીમ ICC T20 વર્લ્ડ કપ જીતે. વર્લ્ડ કપનું અભિયાન શરૂ કરતાં પહેલા ભારતીય ટીમ આજે શનિવારે તા. 1 જૂનના રોજ ન્યુયોર્કમાં બાંગ્લાદેશ સામે એક માત્ર વોર્મ -અપ મેચ રમવા જઈ રહી છે. આ મેચ અમેરિકામાં ન્યુયોર્કના નાસાઉ કાઉન્ટી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.
આ મેચ ભારતીય સમય અનુસાર રાત્રે 8 વાગ્યે રમાવાની છે. આ વોર્મ-અપ મેચ દરમિયાન હવામાન સાફ રહેવાની અપેક્ષા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મેચ સમયે મહત્તમ તાપમાન 28 ડિગ્રી જ્યારે લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી રહેવાની ધારણા છે. દિવસ દરમિયાન આકાશ સ્વચ્છ રહેશે જો કે રાત્રે કાળા વાદળો જોવા મળી શકે છે. મેચમાં વરસાદની કોઈ શક્યતા નથી.
પીચ કેવી હશે?
ભારતીય ટીમ બાંગ્લાદેશ સામે બેટિંગ અને બોલિંગ બંને વિભાગની મજબૂતાઈ ચકાસવા માંગશે. ન્યૂયોર્કના આ મેદાનની પિચ ઓસ્ટ્રેલિયાની પિચ જેવી જ હોવાનું કહેવાય છે. અહીં ડ્રોપ ઇન પિચનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જમીનની નજીક સમુદ્ર છે જેના કારણે પિચમાં બાઉન્સ અને સ્પીડ હોવાની અપેક્ષા છે. ફાસ્ટ બોલરને અહીં મદદ મળશે. અત્યાર સુધી આ મેદાન પર કોઈ આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ નથી, તેથી અગાઉનો કોઈ રેકોર્ડ અસ્તિત્વમાં નથી.